લીંબુએ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટબિંધનો અગત્યનો પાક છે. ભારતમાં કાગદી લીંબુની ખેતી અંદાજિત ૩૦ હજાર હેકટરમાં થાય છે. તે પૈકી ગુજરાતમાં અંદાજિત ૯૦૦૦ હેકટર વિસ્તારમાં ખેતી થાય છે. ગુજરાતમાં ખાસ કરીને ખેડા, વડોદરા, ભાવનગર અને મહેસાણા જિલ્લામાં વધુ પ્રમાણમાં વાવેતર થાય છે. હવે સુરેન્દ્રનગર, કચ્છ અને અન્ય જિલ્લાઓમાં પણ લીબુ પાકની ખેતી વધતી જાય છે.
હવામાન :કાગદી લીંબુનો પાક સપ્રમાણ ઠંડી અને ગરમીવાળા વિસ્તારમાં સારી રીતે ઉગાડી શકાય છે. હવામાનમાં જ્યાં વધારે ભેજ હોય ત્યાં રોગ જીવાતનું પ્રમાણ વધે છે જ્યારે અતીશય ઠંડીવાળા વિસ્તારમાં લીંબુની ખેતી થઈ શકતી નથી.
જમીન :કાગદી લીંબુની ખેતી માટે સારા નિતારવાળી, ફળદ્રુપ તથા ૧થી ૨ મીટર જેટલી ઉડાઈવાળી, ગોરાડું, બેસર તેમજ મધ્યમકાળી જમીન વધુ ઉત્તમ ગણવામાં આવે છે. આ પાકને અમ્લીય કે ખારાશ વાળી, ભારે કાળી, ચીકાશવાળી તેમજ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન માફક આવતી નથી.
લીંબુંની જાતો :
(૧) કાગદી લીંબું : આ જાતના પરપિકવ ફળો નાના થી મધ્યમ કદના (૪૦-૬૦ ગ્રામ) પાતળી રકાગળ જેવી છાલવાળા, ફળોનો રસ ખૂબ ખાટો અને ખાસ પ્રકારની સોડમવાળો હોય છે. ફળો પાકતા પીળો રંગ ધારણ કરે છે. (૨) રંગપુર લાઈમ : શરબત બનાવવા માટેની ખાસ જાતો છે. આ જાતના છોડ મૂલકાંડ માટે સારા માલૂમ પડેલ છે તથા અથાણા માટે પણ વપરાય છે. આ સિવાય બીજી ઘણી જાતો જેવી કે પ્રેમાલીની, વિક્રમ, ચક્રધર, પીકેએમ-૧, સાઈ શરબતી વગેરે છે પરંતુ તેના વાવેતર ગુજરાતમાં વ્યવસાિયક ધોરણે થતું નથી.
સંવર્ધન : લીંબુના બીજ બહુભ્úણીય છે, આવા બીજમાંતી જે રોપા તૈયાર થાય તે માતૃછોડ જેવા ગુણધર્મો ધરાવે છે એટલે જે માતૃછોડ વધુ નિયમિત, સારા ગુણવત્તાવાળા ફળો આપતા, પુખ્ત ઉંમરના રોગ અને જીવનથી મુક્ત હોય તેના ફલોની પસંદગી કરવી અને તેમાંથી બીજ કાઢવા અથવા તો સરકારી, અર્ધસરકારી કે સરકાર માન્ય નર્સરીઓમાંથી જરૂરત મુજબના રોપાઓ મેળવીને તેનું વાવેતર કરવું જોઈએ.
ધરૂ ઉછેર :ધરૂવાડિયા માટે ૨-૧ મીટર માપના અને ૧૫ સે.મી. ઊંચાઈવાળા ગાદી ક્યારા બનાવવા જેમાં ક્યારાદીઠ ૪થી ૫ કિલો છાંણીયું ખાતર જમીનમાં ભેળવવું. એક કિલો બીજ દીઠ ૨થી ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપીને બીજને ક્યારામાં ૧૫-૫ સે.મી.ના અંતરે અને ૧થી ૨ સે.મી. ઉંડાઈએ જુન-જુલાઈ માસમાં રોપવા. રોપણી પછી તુરંત જ વરસાદ ન હોય તો પાણી આપવું.
વરસાદ ન હોય તો સવાર સાંજ નિયમિત ઝારાથી પાણી આપવું. રોપણી માટે એક વર્ષની ઉંમરના આશરે ૬૦ સે.મી. ઉંચાઈવાળા અને વધુ તંતુમૂળ વાળા જુસ્સાદાર રોપાની પસંદગી કરવી.
રોપણીની તૈયારી :
જે ખેતમાં લીંબુનો પાક લેવાનો હોય તે ખેતરમાં ઉનાળા દરમિયાન એક થી બે ઉંડી ખેડ કરી, ઢેફા ભાગી સમાર મારી સમતલ કરવી. મે માસમાં ૬-૬ મીટરના અંતરે ૬૦-૬૦-૬૦ સે.મી.ના માપના ખાડા બનાવી, ૧૫-૨૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દીધા બાદ માટી સાથે ખાડા દીઠ ૨૦થી ૨૫ કિ.ગ્રા. છાણીયું ખાતર, ૨૦૦ ગ્રામ ડીએપી, ૨૦૦ ગ્રામ પોટાશ ભેળવી પુરી દેવા. જો ઉધઈનો ઉપદ્રવ હોય તો કલોરપાયરીફોસ દવા ૧૦૦ લીટર પાણીમાં ૧૦૦ મિ.લી. મેળવી રોપણી બાદ ૧૦ લીટર મિશ્રણ ખાડામાં છોડની ફરતે રેડવું.
રોપણી : જુન-જુલાઈમાં સારા વરસાદ પછી ખાડાના મધ્યમાં તંદુરસ્ત જુસ્સાદાર રોપા રોપી તેની આજુબાજુની જમીન દબાવવી જેથી જમીનમાં હવા રહે નહી અને જરૂર જણાય તો હળવું પિયત આપવું. ભારે વરસાદ અને પવનથી છોડ પડી ન જાય તે માટે ટેકા આપવા.
ગૌણ તત્વો જેવા કે જસત અને લોહ તત્વોની જમીનમાં જો ઉણપ જણાય તો નવા પાન ફૂટે ત્યારે પુખ્તવયના છોડને ૧૦૦ લીટર પાણીમાં ૫૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ, ૧કિલો ફેરસ સલ્ફર અને ૧ કિલો ચુનાનું મિશ્રણ બનાવીને વર્ષમાં ૨થી ૩ વખત છોડ ઉપર છાંટવું અથવા તો ૧૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ છોડ દીઠ જમીનમાં છોડની ફરતે છાણીયા ખાતર સાથે આપવું.
લીંબુને આંતરા દિવસે જ પાણી આપવું
લીંબું પાક છીછરા મૂળ ધરાવતો હોઈ નિયમિત હળવું અને ઓછા દિવસના અંતરે પાણી આપવું જોઈએ. રોપણી બાદ તુર્તજ પાણી આપવું. ઉછરતા ઝાડને ચોમાસામાં વરસાદ ન હોય તો ૬થી ૮ દિવસે પાણી આપવું. પુખ્તવયના છોડને શિયાળામાં ૧૦થી ૧૨ દિવસે અને ઉનાળામાં ૭થી ૮ દિવસે જમીનની પ્રત પ્રમાણે પાણી આપવું. ઝાડનાં થડને પાણી અડકે નહી તે રીતે ખામણા બનાવી પિયત આપવું જોઈએ જેથી ગુંદરીયા રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે તો ૬૦ ટકા પાણીનો બચાવ થાય છે.
રોગથી પ્રભાવિત ડાળીઓને દૂર કરવી જોઇએ
લીંબુ નવા રોપેલ છોડને એક થડે વધવા દેવો. રોપણી બાદ બીજા વર્ષે જમીનની સપાટીથી થડના લગભગ ૬૦થી ૭૫ સે.મી. સુધીના ભાગ પરથી ફુટતી ડાળીઓ કાપી નાખવી ત્યારબાદ દરેક દિશામાં એક એક એમ છોડ દીઠ ચાર થી પાંચ ડાળીઓ રાખવી જેથી છોડનું મજબૂત અને સમતોલ માળખુ બને. લીંબુના પાકમાં છાંટણી માટે કોઈ ભલામણ નથી પરંતુ મુખ્ય થડ પરથી નીકળતા પીલા સતત દૂર કરતા રહેવું અને રોગથી પ્રભાવિત ડાળીઓ ચોમાસુ પુરુ થયા બાદ કાપીને છોડને રોગ મુક્ત રાખવો જોઈએ અને કાપેલ ભાગ ઉપર બોડોg પેસ્ટ લગાવવું.