Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

આઈ લવ યુ

 
Source: Jivan ni Kitab, Lata Hirani   |   Last Updated 4:14 AM [IST](22/08/2010)
 
 
 
 
 
કોઈ પણ સંવેદનશીલ હૃદયને હચમચાવે, આંખોને ભીંજવે અને મનને વલોવે
એવો એક સાચો પત્ર, સાચી વ્યકિત દ્વારા, વિદાય લઈ ચૂકેલા પતિને
!


પ્રિય જયુ,
મને ખબર નથી, તમે કયાં છો! હું લખવા તો બેઠી છું પણ જયુ, આ પત્ર તમને કયાં પોસ્ટ કરું? મને કહો પ્રો. જગદીશ હીરાણી, તમે હંમેશાં સૌને સાચો રસ્તો બતાવ્યો છે અને મને ગુંચવો છો! તમે હવે અહીં કે કયાંય નથી એવું મન નથી માનતું તોયે મારે માનવાનું છે! અને નથીયે માનવાનું! મોતની કાતિલ સખતાઇએ શાસ્ત્રવચનોને બુઠ્ઠાં બનાવી દીધાં છે! એ અંદર કયાંય સ્પર્શતાં નથી! એમાં ભરેલી સમજણ મારા સુધી પહોંચતાં પહેલાં જ વરાળ થઇ જાય છે...

જયુ, મનમાં ચાલતો વલોપાત કયારેક છાતી ફાડીને બહાર આવી જશે એવું લાગ્યા કરે છે. એડિનબર્ગ જતાં પહેલાં મેડિકલ ચેક અપ કરાવતી વખતે ફોર્મમાં ‘વિડો’(વિધવા)ની કોલમ પર મારે ટીક કરવું પડયું ત્યારે તમે નહોતું જૉયું? મારી આંખે અંધારાં છવાઇ ગયાં હતાં અને મારા પગ કયાં પડે છે એની મને ખબર નહોતી!

મને તમારું સરનામું આપો ને... મારે તમને મોકલવા છે, અનેક પ્રશ્નો અને સાથ નિભાવવાનાં વચનની સ્મૃતિઓ... અંધારાંમાં વહ્યો જતાં અને અજવાળાંમાં મોટેભાગે સરહદ પાર ન કરતાં આંસુ... મને આમતેમ ફંગોળ્યા કરતા વ્યથાના વંટોળ... આંખમાં તગતગે છે, કિનારા વગરનો સ્મરણોનો દરિયો, જે કંઇ થાય એને સહજતાથી, સ્વસ્થતાથી સ્વીકારી લેવાનું તમે શીખવ્યું છે એટલે પ્રયત્ન કરું છું પણ મારી જગાએ તમારી જાતને મૂકી જુઓ, તમને પણ આવી સ્થિતિ જીરવવી કપરી થઇ પડી હોત!
કયા અકળ મુકામે તમારો વાસ છે? જિંદગીનો આખરી પ્રવાસ તમે કેવી રીતે માંડયો હતો? ૨૦૦૯ની ઓગણીસમી ઓગસ્ટની એ કાળી રાત અને બંધ આંખોએ ઓઢેલું અમાસી અંધારું તમે ઉતાર્યું જ નહિ... અજવાળું થતાં પહેલાં જ અદીઠ હવા થઇ તમે ચાલી નીકળ્યા... કદાચ મારી સાથે આટલા કઠોર થવાની તમારી હિંમત નહોતી!

શાસ્ત્રો કહે છે, બાર દિવસ સુધી જીવ જયાં રહ્યો હોય ત્યાં જ ભમ્યા કરે છે. સાચું કહો, મારું આક્રંદ તમારા કાળજાને વલોવી નહોતું નાખતું? આર્યન અને શ્રીનો કાલોધેલો અવાજ તમારા હૃદયને હચમચાવતો નહોતો? કાળજું કઠણ કરીને ઊભા રહેલા દીકરા નિસર્ગ-પાર્થ, અને હિના-વિશાખાની માથે હાથ ફેરવી લેવા તમે વ્યાકુળ નહોતા થતા? પુત્રોની સાથે પુત્રવધૂનીયે કાંધે ચડવાનું તમને ભાંગીને ભૂક્કો નહોતું કરી નાખતું? મને લાગે છે કે અસહાય મનનો દાહ, શરીરદાહ કરતાં કયાંય વધારે બાળતો હશે!

૧૯૭૩ની ૧૫ મેએ અગ્નિની સાક્ષીએ આપણે ફેરા ફર્યા પછી ૨૦૦૯ની વીસમી ઓગસ્ટની વહેલી પરોઢ... છત્રીસ વર્ષ, ત્રણ મહિના અને ચાર દિવસ... અઢળક સ્મરણોની સંપદાથી રળિયાત છું પણ એ હૂંફાળી બને એવા મુકામે હું પહોંચી નથી. અચાનક તમારી વિદાય અને એને નહિ સ્વીકારવાની મનની હઠ, કોઇ સભર-સુંદર ક્ષણને સ્મૃતિમાં ટકવા દેતી નથી અને વલોપાત જાત પર ખડકયે જ જાય છે. એકાંતનો બધો સમય જાણે તમારી સાથે ગાળવાની પળો બની જાય છે. ભલેને આંસુ છલકાતાં, એમાં સુખ મળે છે!
મને મળવા આવનાર દરેક લોકોનાં કેટકેટલાં આશ્વાસનો! પણ કોઇનો શબ્દ કયાંય સ્પશ્ર્યોનથી અને આવી ઘટનામાં મનને મનાવવાની કે સમજાવવાની કેટલી મર્યાદા છે! હા, કોઇના સ્પર્શથી શાતા જરૂર મળી. કોઇના ચુપચાપ હાથ પકડીને બેસવાથી કે આવીને ભેટી પડવાથી ખૂબ રાહત મળી.

કેટલીયે વાર મારી આંગળીઓ કી પેડના આંકડા સાથે ટકરાતી, ૯૮૨૫૦૪૮૯૩૨...
‘બોલ, શું કામ હતું?’
‘કેટલી વાર તમને કહ્યું, જરા ઘરમાંથી બહાર નીકળો ત્યારે કહીને જતા હો તો!’
‘બોલ્યો હતો, તું સાંભળતી નથી.’

‘તમને ખબર છે, હું રસોડામાં કામ કરતી હોઉં ને બાજુમાં રેડિયોય વાગતો હોય, મને કયાંથી સંભળાય? અહીં આવીને કહેતાં શું થાય છે? મને કામ પડે ને હું તમને બૂમો માર્યા કરું! જવાબ ન મળે ત્યારે ખબર પડે કે તમે ઘરમાં નથી!’ અને હું ગુસ્સાથી ફોન કાપી નાખું!
ફરી તમે કહ્યા વગર જતા રહ્યા છો, મારો ગુસ્સો ન પ્રવેશી શકે એ હદમાં...
હું રસોડામાં છું ને રેડિયો મૌન છે, ગુસ્સો તો નામનોય નથી... કાન દરવાજે ટીંગાયેલા છે, આજ સુધી કરેલા તમામ ગુસ્સાની માફી માગી લઉં છું... એકવાર તો કહો, ‘અંજુ, હું જાઉં છું’...

ગઇકાલે જમતી વખતે મારે ચારધામ યાત્રાએ જવાની વાત ચાલતી હતી. મેં દીકરાને કહ્યું, ‘પાર્થ, બીજા કોઇની કંપની શોધવી એનાં કરતાં હું વિશાખાને જ લઇ જાઉં તો? તારી વ્યવસ્થા કરીને જઇશું.’
‘ના હોં મમ્મી, વિશુને લઇ જજે, પણ પ્લીઝ, મારી ‘વ્યવસ્થા’ ન કરીશ (હું કયાંય જમવા નહિ જાઉં.)!’
એણે એવી રીતે કહ્યું કે પહેલાં તો હું ખડખડાટ હસી પડી અને હસતાં હસતાં જ બીજી ક્ષણે કોળિયો ગળામાં અટકી પડયો. અદ્દલ તમારી જ ટેવ! આંસુએ આંખોનો અને ડુસકાંએ ગળાનો કબજૉ લઇ લીધો...

ત્રણ મહિના હું નિસર્ગના ઘરે એડિનબર્ગ રહી. એક સાંજે નિસર્ગે જમ્યા પછી કોમેડી પિકચર જૉવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. બધાનો પ્રયત્ન હોય છે કે હું આનંદમાં રહું. મુવી જૉતાં જૉતાં, અચાનક સમયના ટુકડાની અદલાબદલી થઇ ગઇ! તમેય હમણાં હમણાંથી સાંજે નવરાશમાં ડીવીડી મૂકીને મુવી જૉવા બેસી જતા હતા, ‘કામ પડતું મૂક ને બેસ અહીં મારી સાથે’ આંખ સામે ચાલતી કોમેડી કયાંય ખોવાઇ ગઇ. ‘થાકી ગઇ છું, ઊંઘ આવે છે.’ કહીને હું મારા રૂમમાં જતી રહી. ઓશિકા ઉપર સ્મૃતિઓનો દરિયો વહી ચાલ્યો...
આપણાં લગ્નનાં એક વર્ષ પછી, એ મારું બી.એ.નું છેલ્લું વર્ષ, કોલેજની વકતૃત્વ સ્પર્ધામાં તમે મને આગ્રહ કરીને ભાગ લેવડાવ્યો. ‘એમાં શું? લખતાં આવડે તો બોલતાંય આવડે!’ પણ સ્ટેજનું પગથિયું ચડતાં જ હું બધું ભૂલી ગઇ. માઇક પાસે કયાંક સુધી એમને એમ ઊભી રહી ને આંખમાં ઝળઝળિયાં ભરીને બેસી ગઇ. ઘરે આવીને હું રડી અને તમારી સાથે ઝઘડી હતી.
‘તમે જ મને આવી સ્થિતિમાં મૂકી, શા માટે?’

ત્યારથી માંડીને હું ઠીક ઠીક સારી વકતા થઇ ત્યાં સુધીની સફર. તમે કહેતા,
‘બસ, એવા સમયે માઇક છોડી દેવું કે જયારે ઓડિયન્સનો રસ હજી અકબંધ રહ્યો હોય! આપણે ખસીએ ત્યારે શ્રોતાઓને એમ થાય કે હજી બોલ્યા હોત તો સારું હતું.’
જયુ, જિંદગીમાંયે તમારે આ સાબિત કરવાનું હતું?

સાંભળો છો ને તમે? તમે કયાંક જરૂર છો. તમારા સુધી મારી વાત પહોંચે છે ને? કદાચ તમારેય મને આવું જ કંઇક કહેવું હશે પણ હવે તમે મારો નંબર નથી ડાયલ કરી શકતા!

વર્ષ ૨૦૦૯ના નવેમ્બરનો એકાદ દિવસ. એડિનબર્ગથી અમદાવાદ પાર્થ સાથે વાત કરવા ફોન હાથમાં લીધો. નંબર લગાવ્યો, ૦૦૯૧૯૮૨૫૦૪૮૯૩૨! હવે તમારો મોબાઇલ પાર્થ પાસે છે પણ હાથમાં ફોન લીધો ત્યાં સુધી મારે ‘તમારો નંબર ડાયલ કરવાનો છે’ એની સભાનતા નહોતી. ૨૦૦૯ની ૨૦ ઓગસ્ટ પછી એ પહેલી વાર બની રહ્યું હતું. હું ફોન નંબર ડાયલ કરતી હતી કે કોઇ દુર્ગમ પહાડના કપરાં અંધારિયાં ચઢાણો ચડી રહી હતી! હજારો વાર આ નંબર ડાયલ કર્યોછે તોયે આજે આ કામ કેટલું કપરું થઇ પડયું? સામે છેડેથી તમારો જ અવાજ સાંભળવાની ઝંખના રુંવે રુંવે પંડમાં પ્રલય થઇને ફરી વળી... એ થોડીક ક્ષણો, મનને સાવ સ્મૃતિભ્રંશ કરતી, ઝંઝાવાત બની ગઇ. સમયના એ ટુકડાએ ફરી એક વાર મનમાં તાંડવ સજર્યું.
સામે છેડે દીકરો જ હતો. ‘બોલ મમ્મી. શું કામ હતું?’

પાર્થનો અવાજ સાંભળી એ દિવસે ફોન ફેંકી દેવાનું મન થયું. મન જીદે ચડી ગયું હતું, બાળક ચાંદો લેવા હઠ પકડે અને પછી કાળું કલ્પાંત કરે એમ!

કંઇક એવું ૨૪ ઓગસ્ટે થયું હતું. એ બેસણાના દિવસે વહેલી સવારે સાડા પાંચે તમારા મોબાઇલમાં રિંગ વાગી. મારી પથારીની બાજુમાં ટેબલ પર રહેલા તમારા ફોનની રિંગ સાંભળતાં જ હું સફાળી જાગી અને જાણે ‘તમે જ મને ફોન કર્યોછે’ એવી લાગણીના પ્રચંડ આવેગથી મેં ઊંચકયો. સામે છેડે તમારો અવાજ સાંભળવાની ઇરછા ત્સુનામી બની આખા શરીરમાં વ્યાપી ગઇ... બેસણાની જાહેરખબર જૉઇને આટલી વહેલી સવારે ડોનેશન માગવા માટેનો એ ફોન હતો. હું દુઆ દઉં છું એ ફોન કરનારને કે જેણે બે ક્ષણ માટેય મને હચમચાવી, આકળવિકળ કરી દેતો અહેસાસ આપ્યો કે તમે મને ફોન કર્યોછે, સામે છેડે તમે જ છો...
તમને ફોનની કેવી જબરદસ્ત આદત હતી! પપ્પાને ત્યાં હું પહોંચું ને રિંગ વાગે એટલે પપ્પા કહેશે, ‘લે તારો જ ફોન હશે...’ જયારે જયારે તમે પરદેશ ગયા કે હું સ્કોટલેન્ડ ગઇ ત્યારે, આપણે લગભગ દરરોજ વાત કરી છે! તમે ઘરમાંથી નીકળ્યા હો ને પાંચ મિનિટ પણ ન થઇ હોય ને તમારો ફોન આવે... સાંજે ઘરે આવવાનો સમય હોય તોયે રિંગ વાગે...

‘સાંભળ...’
‘અરે, પણ તમે કયાં છો?’
‘બસ અહીં વસ્ત્રાપુર પહોંરયો!’
‘તો પાંચ મિનિટમાં ઘરે પહોંચી જશો, ઘરે આવીને વાત ન કરાય?’
‘પછી વળી ભૂલી જઉં, એનાં કરતાં કહી દેવું સારું...’
‘શું સારું? આ તમારા મોબાઇલનું બિલ કેટલું આવે છે, ખબર છે?’
‘જૉ, મારે એક પૈસાનોય ખિસ્સા ખર્ચ નથી. ગાડીમાં પેટ્રોલ પુરાવું એ જ. મારે ન જૉઇએ ચા કે કોફી, ન પાન, બીડી કે સિગારેટ! ફોન મારું વ્યસન છે એમ માનીને ચલાવી લે, બીજું શું!’
હવે તમને મારી સાથે જરાય વાત કરવાનું મન નથી થતું? પ્લીઝ એક વાર વાત કરશો મારી સાથે? બસ એક જ વાર... ગુસ્સો નહિ કરું... પછી ભલે ‘ચાલ, આવજે’ એટલું યે કહ્યા વગર ફોન કાપી તમે જતા રહેજૉ બસ, પ્લીઝ...

અક્ષરો કાગળ પર પડતા જાય અને ધોવાતા જાય, આખુંય અસ્તિત્વ પ્રશ્નોના અઘોર અંધકારમાં અટવાયેલું રહે ત્યાં સુધી હું અટકી છું. અક્ષરોની આરપાર પ્રવેશી, એનાં થોડાંક અજવાળાંને પામી શકાય કે નર્યા-નિતર્યા એને કાગળ પર ઉતારી શકાય એ મુકામે હવે હું પહોંચી ત્યારે આ લખવાની હિંમત કરી છે. સવાલોનો સાગર ઊછળ્યા કરે છે. તમે જાણો છો, દરિયો જૉઇ મને સાદ પાડતા મોજાંમાં પ્રવેશ્યા વગર હું ન રહી શકું અને પછી એ ઘૂઘવતા પાણી મને દૂર દૂર સુધી ખેંરયા જ કરે... હવે કાંઠે બેસીને મૌન ઓઢવાની નિરર્થક મથામણ કયાô કરું છું...

‘મારે પાઇલટ બનવું છે પપ્પાજી’, સી.એન. વિધાલયમાં ચોથા ધોરણમાં ભણતા નિસર્ગે તમને કહેલું. તમે એને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર લઇ ગયા, એને વિમાન વિશે બધું બતાવ્યું અને થોડા દિવસોમાં એક એરફોર્સ પાઇલટની સાથે એનો મેળાપ કરાવી દીધો, ‘તારે પાઇલટ બનવું છે ને! હવે આમને જે પૂછવું હોય એ પૂછ!’

નિસર્ગ અને પાર્થને લઇને દર રવિવારે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જવાના તમારા ક્રમના અનુસંધાનમાં એકવાર રસ્તામાં એક બંગલાની ઉપર સોલર સિસ્ટમ ગોઠવેલી જૉઇને નિસર્ગે પૂછેલું, ‘આ શું છે પપ્પાજી?’
‘એ સોલર સિસ્ટમ છે પણ ચાલ આપણે એ જૉઇને જ સમજીએ.’ કહીને તમે એ ઘરનો દરવાજૉ ખખડાવ્યો હતો. બાળકની જિજ્ઞાસા અને એનો નાનકડો સવાલ મોટા સંતોષ સાથે વીરમ્યો હતો.

પાર્થ કહે છે, ‘અમારો વિશ્વાસ જળવાઇ રહ્યો અને વિકસ્યો, એની પાછળનું મુખ્ય કારણ હતું, આપણા ઘરમાં સવાલો પૂછવાની આઝાદી. પોતાની મરજી બતાવવાની છૂટ. પપ્પાજી કદી અકળાયા નથી. કયારેક, ખોટું જ કહી શકાય એવું અમારું વર્તન પણ એમણે શાંતિથી સ્વીકારી લીધું છે અને પછી અમારી ભૂલ અમે જાતે સમજીએ, એવું વર્તન કર્યું છે.’

જીવનની ઊછળતી ચેતનાને અને પાંગરતી સર્જનાત્મકતાને તમે હંમેશાં પ્રથમ સ્થાન આપ્યું, નિયમો, કાયદા-કાનૂન... અને શિસ્ત એ બધું પછી. મનનાં બંધિયાર બારણાં ખોલી આપી એને ખુલ્લામાં વિહરતા કરવાનું, પોતાની સમજણ વિકસવા દેવાનું વર્તન, એ તમારા સ્વભાવનું જબ્બર પાસું હતું. શિક્ષક તરીકેના વ્યવસાયમાં તમારી ત્રણ કોલેટ, મોરબીની લખધીરસિંહજી એન્જિનિયિંરગ કોલેજ, રાજકોટની વ્યવસાયી વિધા પ્રતિષ્ઠાન એટલે કે ‘વીવીપી’ એન્જિનિયિંરગ કોલેજ અને વિધાનગરની એ.ડી.પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી, આ ત્રણે કોલેજના તમારા સમયના વિધાર્થીઓને અનેક તબક્કે એમના પ્રો. જગદીશ હિરાણીએ આપેલું આ ભાથું કામ લાગતું હશે. બહુ પાયાની વાતો તમે એમનાં જીવનમાં રેડી છે. તમે મૂળે શિક્ષક જ હતા. એટલે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકેના કામમાં, તમારા કલાયન્ટને તમારાં ચરણસ્પર્શ કરવાનો ભાવ થયો હોય, એવાં અનેક દૃશ્યો મારી આંખ સામે આજેય તરવર્યા કરે છે.
‘મને આ નથી સમજાતું પપ્પા.’

‘શું નથી સમજાતું? લાવ તારી ચોપડી અને મારી સામે બેસી મોટેથી મને સંભળાય એમ આખુંય વાંચ.’
પાર્થ કહે છે, ‘પપ્પાજીની સામે બેસી મોટેથી વાંચું એટલે એ સમજાઇ જાય, કેમ કે ઘણીવાર મેં એ ઘ્યાનથી વાંરયું જ ન હોય. કેટલીક વાર એવું બને કે એમ વાંરયા પછીય ન સમજાય તો પપ્પાજી બીજી ચોપડી કે પછી પોતે લાઇબ્રેરીમાંથી એકાદ ચોપડી લાવીને કહેશે, ‘લે, હવે આ મોટેથી વાંચ.’ બસ આ પ્રોસેસમાં બધું સમજાઇ જાય. હું મોટો થયો પછી પપ્પાજી કહેતા હતા કે ‘તું વાંચતો ત્યારે હું મોટેભાગે સાંભળતો પણ નહોતો, કેમ કે મને ખબર હતી કે એકવાર જાતે ઘ્યાનથી વાંચીશ એટલે તને આવડવાનું જ છે!’
મને ખબર છે, તમે કહેશો, ‘ખોલ, આપણાં સ્મરણોની પોથી ખોલ ને મોટેથી હું સાંભળું એમ વાંચ...’
તમે સાંભળો છો ને?

ગયા વરસે આપણે મુંબઇ ગયાં હતાં અને સાંજે ગોદરેજ કંપનીના ગેસ્ટ હાઉસની બાલ્કનીમાં શાંતિથી બેઠાં બેઠાં આપણે ધેઘૂર વૃક્ષો પર પોતાના માળામાં પાછાં ફરી રહેલાં અસંખ્ય પક્ષીઓનો ચહચહાટ ચુપચાપ માણતાં હતાં અને અચાનક મૌન તોડી તમે કહ્યું’તું, ‘જીવનની સાંજ પણ આવી રળિયામણી હોય તો કેવું સરસ!’ ઢળતી, પણ હજી પૂરેપૂરી પ્રવૃત્ત બપોરે ‘સાંજ’ની વાત ભલે સાવ અપ્રસ્તુત નહોતી તોયે જીવનના અંતનો નિર્દેશ કરતી હતી એટલે મનને ધ્રુજાવી ગઈ હતી!

એ જ ટ્રીપમાં આપણે મુંબઇથી પાછા વિધાનગર આવતાં હતાં અને વહેલી સવારે સાડા ચારે સામાન એકઠો કરી, ઊતરવાની તૈયારી કરતાં હતાં. ઊંઘમાંથી ઊઠયા પછી તરત અને કોઇ સંદર્ભ વિનાય તમે કહેલું, ‘આટલી નાની સફરમાંયે ઊતરવાનો સમય આવે એટલે આપણે કેવા બધું સમેટવાની તૈયારી કરવા લાગીએ છીએ અને જિંદગીની ટ્રેનમાંથી ઊતરવાની કોઇ તૈયારી નહિ કરવાની?’
હું આખેઆખી પ્રશ્નાર્થ બની ગઈ હતી...

સ્મરણોની પોથી ફરીફરીને વાંરયા પછીયે તમારી આ ઠોઠ વિધાર્થિની-પત્નીને કંઇ નથી સમજાતું. એ આ એકના એક સવાલનો પહાડ નથી ઓળંગી શકતી. કોઇ અગમચેતી, અણસાર, બીમારી, સારવાર નહિ, બસ થોડો દુખાવો અને તમે સૂઇ ગયા... ન કોઇ વાતચીત, ન કોઇ સૂચના, ન જરાસરખું વહાલ... અરે, છત્રીસ વર્ષના સહજીવન પછી એક નાનકડું ‘ચાલ આવજે અંજુ’ પણ નહિ?

થોડીક આપણી સાવ અંગત ક્ષણો... ફૂલો બધાં જ મને ગમે પણ મોટાં લીલાં પાંદડાં વરચે આછાં પીળાશપડતાં ચંપાનાં ફૂલોનાં ગુરછદાર ઝૂમખાં મને કેવાં પ્રિય! આપણા પૌત્ર આર્યનના જન્મને વધાવી સ્કોટલેન્ડથી હું પાછી આવી અને ઘરમાં પગ મૂકતાં જ આંખ સુગંધી થઇ ગઇ હતી... બાલ્કનીના કૂંડામાં હળવું હળવું હસતો, પીળચટ્ટા પ્રકાશને ઝીલતો, ટટ્ટાર ઊભેલો ચંપો ફૂલો સાથે ફોર્યો’તો! ...તમારા અનેક પ્રવાસો દરમિયાન હોટલની રૂમમાં તમારી બેગમાંથી શર્ટ-પેન્ટ કે રૂમાલ-મોજાં કાઢતાં અંદરથી જુદી જુદી રીતે ‘આઇ લવ યુ’ કહેતાં હસીને સરી પડતી નાની નાની ચિઠ્ઠીઓ તમને હજીય નજરે તરવરતી હશે...

નેશનલ બુક ટ્રસ્ટના વર્કશોપમાં છેલ્લી ઘડીએ જાણ થતાં, બસમાં સમયસર પહોંચાય નહિ અને તમે કેટલી સહજતાથી કહી દીધું, ‘એમાં શું? ગાડી લઇને પહોંચી જા!’ વાત વલ્લભવિધાનગરથી અમદાવાદ પહોંચવાની હતી. મારા રસના ક્ષેત્રે હું પહોંચી વળું એ તમારી હોંશ. એમ તો કન્સલ્ટન્ટ તરીકેની તમારી કારકિર્દીમાં શરૂઆતનો કેટલો સમય, વઢકણા બોસના મારા હંમેશના રોલ ઉપરાંત સેક્રેટરી, કલાર્ક, પ્યુન અને ડ્રાઇવર થઇને તમારી પડખે રહી’તી એ તમે થોડા ભૂલો! તોયે...

છેલ્લાં થોડાં વરસોમાં કયો અભાવ આપણને પીડતો હતો? જીવનમાં યાંત્રિકતા પેસી ગઇ હતી. એમાંથી છૂટવાનો પ્રયત્ન એ જ આપણા બંનેનું કામગરાપણું? આપણી વરચેનો સેતુ નિ:શબ્દ કેમ બનતો જતો હતો? મૌન મુખર કેમ થતું ગયું! વિધાનગર ADIT કેમ્પસનાં ફૂલોની તમે બનાવેલી વીડિયોમાં ફૂલોનો સ્પર્શ ગુમાવ્યાનું ગાન કેમ અનુભવું છું! સુખના છલોછલ સરોવર પર ઇરછાઓનાં વૃક્ષ પરથી ખર્યા કરતાં નાની નાની ફરિયાદોના સેંકડો સૂકાં પાંદડાં એની તરલતાને અંધારે ઢબૂરી જ રાખે! એની ઠંડકથી, એની ભીનાશથી અસ્તિત્વને અળગું જ રાખે!

સવારમાં ઊઠતાંવેંત ‘ગૂડ મોર્નિંગ ડિયર’ કહેતાં ભેટી પડવાનો ઉમંગ કયારે ઓછપાઇ ગયો, મને ખબર નથી રહી! સાંજ પડે ઘરે આવતાં, રસોડામાં ડાઇનિંગ ટેબલ પર બેસીને આખા દિવસની વાતો કરવાનો ક્રમ ડીલિટ થઇને એની જગ્યાએ સોફા પરની એકલી બેઠકમાં ટીવી અને લેપટોપના સ્ક્રીનનો સહવાસ કયારે પેસ્ટ થઇ ગયો, મને જાણ ન રહી... સૂવાના સમયે તમારાં પડખાંમાં મારી જગ્યાએ ઓશિકું કયારે મુકાઇ ગયું એની મને સુઘ્ધાં નથી રહી!

મ્યુઝિક સિસ્ટમમાં લાઉડ વોલ્યુમ રાખી એની સાથે હું ગાયા રાખતી હોઉં ને તમે સાંભળ્યા રાખતા હો, એ દિવસો કયારે, કેમ ગાયબ થઇ ગયા? યાદ છે, એક વાર મેં તમને પૂછ્યું હતું, ‘મને ગાવાનો આટલો શોખ છે, અને તમે કદી કહેતા નથી કે તું ગા!’
તમે કહ્યું હતું, ‘તું ગાતી બંધ થા એટલે કહું ને!’

ખરાં સુખને નગણ્ય બનાવી દઇ, નાની નાની નજીવી વાતો જીવને કેમ જકડયા કરતી હતી! કેમ એટલું નહોતું કહી શકાતું, જે જીવનનું પરમ અને એકમાત્ર સત્ય હતું કે ‘હું તમને અનહદ પ્રેમ કરું છું.’ ઉપરનો વાદ અને અંદરનો સંવાદ ઓછોવત્તો બંને છેડે હતો. અલબત્ત તમારે પક્ષે સમતા ઘણી હતી. એમ તો રાગદ્વેષથી તમે ઘણા દૂર હતા. રાગ ખરો પણ દ્વેષ તો મેં તમારામાં કદી નથી ભાળ્યો. મૌન બેઉ તરફી હતું. અસંખ્ય ફરિયાદોની વરચેય ટહુકા મનમાં જરૂર ઊગ્યા કરતા હતા... તોયે શબ્દોથી વ્યકત થવા આડે કે એને કોરાણે મૂકી, વહાલથી ભેટી પડવાને આડે કયો પહાડ આવીને ઊભો રહેતો હતો? આ વલોપાત તમારોય હોત જૉ આવી વરવી એકલતા તમારે જીરવવી પડી હોત!

કોઇ કહેશે, ‘આવા શબ્દોની જરૂર નથી હોતી.’
‘ના, હોય છે. શબ્દોનીય જરૂર હોય છે. મનને કેવી અગાધ શાંતિ આપે છે આવા શબ્દો! અથવા તો વહાલથી ભરેલો સ્પર્શ! કેમ કે વાંધા-વિરોધની વાત બહાર નીકળવાની એકેય તક નથી ચૂકતી હોતી, (એય મારા તરફથી જ) તો પછી આ સાચા મરહમ કેમ ચુકાય?’

તમે હતા શાલીન, સમજણભર્યા ને સંવાદી. હું રહી અધૂરી, આકરી ને ઉતાવળી. આ સાથેય આપણે બંન્ને નયાં માનવી હતાં. મારામાં જરા જેટલી સારપ તો ખરી ને તમારીય થોડીક મર્યાદાઓ પણ પ્રેમ પામવાની અને પ્રેમ વહાવવાની ઝંખના આપણા બેયની એકસરખી તીવ્ર! એટલે હવે મને અહીં ને તમને ત્યાં, એકલા રહ્યા રહ્યા, પાર વગરનો સંતાપ પીડે છે ને? એમ થાય છે ને કે બીજું કંઇ ચૂકયા હોત તો ચાલત પણ છેલ્લે છેલ્લે રહી ગયું, અરસપરસ બસ વહાલ કરવાનું જ રહીં ગયું...

લગ્નસંસ્કારમાં ગોર મહારાજ ચાર કોળિયામાં કંસારનું પ્રાશન કરાવે છે. ‘તારા માંસ સાથે મારું માંસ જૉડાઓ.’ ‘તારા રુધિર સાથે મારું રુધિર જૉડાઓ.’ ‘તારી ત્વચા સાથે મારી ત્વચા જૉડાઓ.’ ‘તારા આત્મા સાથે મારો આત્મા જૉડાઓ.’ ... ‘આત્મના આત્મનમ તે સંદધામિ’ આપણો શરીરયોગ સધાયો. મનોયોગ સધાયો. આત્મયોગ સધાવાની પ્રક્રિયા ચાલતી હતી અને તમે અચાનક... એ હવે આ રીતે પૂર્ણ કરવાનો?

પ્રેમની અનુભૂતિની અઢળક ક્ષણો આપણે જીવનભર માણી. કદીક શબ્દોમાં તો કદીક મૌનમાં. ભાવમાં ને અભાવમાં. પ્રત્યેક પળે સ્નેહનું ઝરણું અતલ ઊંડાણમાં વહ્યાં જ કર્યું, એનાં સ્પંદનો, એની ભીનાશ પણ અનુભવાતી રહી પણ એ અહેસાસને અનેકાનેક રીતે વ્યકત કરી શકવાની કેટલીય પળો કેટલીયે વાર ચૂકી પણ જવાઇ. હવે તમે મને નરી અનુભૂતિના જગતમાં મૂકી દીધી છે ત્યારે કહું છું, ‘હું તમને પ્રેમ કરું છું. કોઇ જ ફરિયાદ વગર, કોઇ જ અપેક્ષા વગર, ભરપૂર પ્રેમ કરું છું.’

ધર્મ કહે છે, સંસારનાં મોહ માયા, રાગદ્વેષ, મમતા છોડો. એ વાત મને નહોતી સમજાઇ. કેટલો સુંદર આ સંસાર છે! હું વારંવાર આ જગતમાં જ જન્મ માગું અને કદી મુકિત નહિ! ભગવદગીતાની વાતને પ્રમાણ માનીને ચાલીએ કે આત્મા અવિનાશી છે અને આપણે હજી જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલા માનવી! દેહ છૂટયા પછી જીવની મર્યાદા દૂર થઇ જાય. એ સઘળું જાણી શકે, તો એ જીવને ફરી જન્મ ન મળે ત્યાં સુધી એને પોતાના પૂર્ણ થયેલ જન્મની સ્મૃતિઓ, કદાચ આગલા જન્મોનીયે, કેટલો સંતાપ આપે? કેમ કે જીવન આખુંયે રાગ-અનુરાગ, તૃષ્ણાઓથી ભરેલું હોય છે. મૃત્યુ તો સાવ અચાનક જ આવે છે, ત્રાટકે છે અને પલકવારમાં ઊંચકીને લઇ જાય છે.

અંતકાળ સુધી માનવીને ઇરછાઓ પૂરેપૂરી વળગેલી હોય એટલે મૃત્યુ પછી આત્મામાં જીવભાવ રહે. બધા જ ભાવો, જે સ્વભાવ સાથે જડાયેલા હોય એને એ સાથે લઇને જાય. અધૂરી ઇરછાઓ-ઝંખનાઓ, અધૂરું વહાલ... પોતાનાં સ્વજનોનું સાચું સ્વરૂપ દેખાય, કેમ કે આત્માને પાર્થિવ શરીરની સીમાઓ નથી નડતી. એ ભાવો અનુભવે પણ સ્થૂળ દેહ વગર એ કંઇ કરી ન શકે... એ કેવી ગુંગળાવનારી, પીડાદાયક સ્થિતિ બને! શું આ જ ગતિ કે અગતિ હશે? શું આ જ સ્વર્ગ કે નરક હશે? શું આટલા માટે જ જીવનને ધીમે ધીમે વિતરાગ, અનાસકિતની અવસ્થાએ પહોંચાડવાનું ગીતામાં કહ્યું હશે?

અનેક ઇરછાઓ હોવા છતાં, પરિસ્થિતિના સ્વીકારની, વિરકિતની એક ચોક્કસ અવસ્થા તમારામાં હંમેશાં જળવાયેલી હતી. મારા જેવા તદ્દન સામાન્ય માનવ કરતાં ખાસ્સી ઊંચી કક્ષાનો તમારો જીવ હતો અને એટલે જ તમારા જીવને એટલી પીડા નહિ હોય. તમે એ જગતમાંયે સઘળું સ્વીકારી લીધું હશે.

દાદાજી કહે છે, ‘ઇશ્વર એમની સાથે છે. મોત તો બધાને એક દિવસ આવવાનું જ છે પરંતુ અનેક લોકો મૃત્યુ પહેલાં કેટલી લાચારી ભોગવે, જયારે એમણે એમની તમામ સાંસારિક જવાબદારીઓ પૂરી કરી. કોઇ બીમારી કે પીડા વગર એમનો દેહ છૂટયો. ભાગ્યશાળીને જ આવું મોત મળે!’ દાદાજીની વાત સાચી છે. પણ હું અધૂરી, કાચી અને ઉતાવળી. માયાથી ભરપૂર અને સ્વાર્થી પણ ખરી. આ પત્ર પૂરો કરું છું ત્યારે, આજે પંદર મે, આપણા લગ્નની સાડત્રીસમી વર્ષગાંઠ, અને અત્યારે આ સમયે આપણે છલકાતાં હૈયે મંડપમાં જવાની તૈયારી કરતાં હતાં! માગી લઉં તમારી પાસે કંઇક?

એક સાંજે આપણે પરદેશ જવાની વાત કરતાં હતાં. બંને દીકરાનાં ઘર, નિસર્ગનું સ્કોટલેન્ડમાં અને પાર્થનું અમેરિકામાં. મને યાદ છે, તમે કહ્યું હતું, ‘નિસર્ગ-પાર્થ મોટા થઇ જાય એ પહેલાં એમના ઘરે જઇને રહેવું છે...’
જયુ, પાર્થ હજી નાનો છે, અને હવે એ ઇન્ડિયામાં પાછો આવી ગયો છે. હું રાહ જૉઉં છું, તમે એના ઘરે રહેવા આવશો ને!...
- તમારી અંજુ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.