ક્યારેક આપણા સ્વજનની સ્થિતિ વિશે જાણતાં હોવા છતાં આપણે એમને પ્રેમના કે કદરના બે બોલ કહેવામાં ખચકાઇએ છીએ. એવામાં ભલે વાણી દ્વારા લાગણીની અભિવ્યક્તિ ન થઇ શકે, પણ લખાણ થકી સંવાદનો વણદેખ્યો સેતુ રચાઇ શકે છે.
અનુરાગ ઘણી વાર જોતો કે સ્નેહા જ્યારે ઓફિસેથી આવે ત્યારે અત્યંત થાકી ગયેલી હોય. ઘરે આવીને પાછી સંયુક્ત પરિવારને કારણે ઘરનું કામ અને બાળકોની સંભાળની ચિંતા તો હોય જ. એને ક્યારેક કહેવાની ઇચ્છા થતી કે ‘અત્યારે રહેવા દે, કાલે કામ કરજે.’ પણ એ કહી શકતો નહીં. બીજી તરફ સ્નેહાને થતું કે અનુરાગ પોતાની મુશ્કેલી સમજી શકતો નથી. એ ક્યારેય કહેતો નથી કે, ‘સ્નેહા, તને ક્યારેય થાક નથી લાગતો? તું થોડો આરામ તો કર.’ આને કારણે ધીરે ધીરે બંને વચ્ચે માનસિક અંતર વધતું જતું હતું. આવું ઘણા દંપતીઓ વચ્ચે બનતું હોય છે. આ તો વાત થઇ દંપતીની, પણ આપણા દરેક સંબંધમાં આવી પરિસ્થિતિ ક્યારેક ને ક્યારેક તો ઊદ્ભવતી હોય છે. એ સંબંધ દંપતીનો હોય, સાસુ-વહુ વચ્ચેનો હોય કે અન્ય કોઇ પણ.
તમે પોતે જ વિચાર કરી જુઓ. તમારા પરિવારમાં જે તમારી સૌથી નિકટ હોય, જેની તમને અંગત રીતે અત્યંત ચિંતા હોય તેને તમે ક્યારેય તમારા મનમાં રહેલી ચિંતા શાબ્દિક રીતે દર્શાવી છે ખરી? ચાલો, એક કિસ્સો જોઇએ. રીમાના માતા-પિતાના અવસાન બાદ એનો ભાઇ એને ખૂબ જ પ્રેમ કરે, એની દરેક પ્રકારની કાળજી રાખે, ક્યારેય એને મા-બાપની ખોટ ન સાલે એ ધ્યાન રાખે. રીમા પ્રત્યેના એના પ્રેમમાં કોઇ ભાગ ન પડાવે એટલા માટે એણે લગ્ન પણ નહોતા કર્યા. રીમા આ વાત સમજતી હતી, પણ એ પોતાના મનમાં રહેલી લાગણી ભાઇ સમક્ષ વ્યક્ત કરી શકતી નહીં. એના ભાઇને ક્યારેક મનમાં લાગી આવતું કે પોતે બહેન માટે આટઆટલું કરે છે, પણ બહેને ક્યારેય પોતાની કદર નથી કરી. આમાં સમસ્યા શું હતી? રીમાને પોતાની લાગણી શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતાં ફાવતું નહોતું. તેથી એ વિચારતી કે પોતે ભાઇને કેવી રીતે કહે?
આવું આપણામાંના ઘણા લોકો સાથે બનતું હોય છે. કેટલીય વાર આપણી નિકટના લોકો માટે આપણે અનહદ પ્રેમ અને લાગણી ધરાવતાં હોઇએ, તેમણે આપણા માટે શું ભોગ આપ્યો છે કે આપણા માટે શું કરે છે એ જાણતાં હોવા છતાં તેમને લાગણીભીના બે શબ્દો કહી શકતાં નથી. સ્ત્રીઓને તો જાણે આવી સમસ્યા નડે જ છે, પણ પુરુષોને તો આ સમસ્યા વધારે સતાવે છે. સ્ત્રી ક્યારેક પોતાની બહેનપણી, ભાભી કે અન્ય સંબંધી સમક્ષ પોતાના મનની વાત રજુ કરી શકે છે. જ્યારે પુરુષને માટે આમ કરવાનું મુશ્કેલ છે. આપણા સમાજમાં પુરુષને મક્કમ હોવાનું જ શીખવવામાં આવે છે. એ ક્યારેય પોતાની લાગણી શાબ્દિક રીતે કે અન્ય રીતે વ્યક્ત કરે તો એને ‘વેવલાવેડા’માં ખપાવી દેવામાં આવે છે. એવું નથી કે અહીં હું પુરુષોની તરફેણ કરું છું. આ વાસ્તવિકતા છે.
શું આપણે લાગણીના બે મીઠા બોલ કહી ન શકીએ આપણી નિકટની વ્યક્તિને અથવા જેને આપણે અનહદ પ્રેમ કરીએ છીએ, જેની આપણને રાત-દિવસ ચિંતા રહે છે તેના માટે? અહીં સવાલ એ થાય કે કેવી રીતે કરવી? તો એનો સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે, તમારા મનમાં રહેલી લાગણીને લખાણમાં વ્યક્ત કરી દો અને જુઓ તમારી અને તમને જેની ચિંતા છે તે વ્યક્તિ વચ્ચે લાગણીનો કેવો વણદેખ્યો સેતુ રચાઇ જાય છે. જેમ કે, અનુરાગના કિસ્સામાં જોયું. તેમાં અનુરાગે જો એક નાનકડો પત્ર કે એસએમએસ રીમાને કરી દીધો હોય કે ‘ટેક કેર’ તો? એ બે શબ્દોથી રીમાને અનુરાગ પોતાની કેટલી ચિંતા કરે છે, તેનો પણ ખ્યાલ આવી જાત.
તમે ભલે સંયુક્ત પરિવારમાં રહેતાં હો કે વિભક્ત પરિવારમાં, સ્વજન પ્રત્યેની લાગણીને તમે ભલે વાણી દ્વારા વ્યક્ત ન કરી શકતાં હો. તો પણ તેનો ઉકેલ તો છે. એક નાનકડી ચિઢ્ઢી, એસએમએસ તમારા કામને સરળ કરી દે છે. એ માટે ખાસ કંઇ કરવાની જરૂર નથી. આજકાલ એવા રાઇટિંગ પેડ મળે છે જે ઘરમાં દીવાલ પર રાખી શકાય અને તેના પર એક વાર નહીં અનેક વાર લખી શકાય. આવું એક પેડ ઘરમાં એવી જગ્યાએ લગાવો કે જ્યાં સૌની નજર જાય. તમારા માટે ઘરની કોઇ પણ વ્યક્તિએ કંઇ કર્યું હોય તેનો આભાર કે પ્રશંસા કરતાં બે વાક્યો આ પેડ પર લખો. પછી જુઓ કે તમારા લાગણીનો પ્રવાહ આપમેળે તમે જેના સુધી પહોંચાડવા ઇચ્છો છો તેના સુધી પહોંચી જાય છે કે નહીં?
આ ઉપરાંત, અત્યારે મોબાઇલ અને ઇન્ટરનેટ જેવા સાધનો દ્વારા તમે તમારા મનની વાત તમારી નિકટતમ વ્યક્તિ સુધી સહેલાઇથી પહોંચાડી શકો છો. એક નાનકડો એસએમએસ જેના મોબાઇલ પર જાય, તેના દિવસની સ્મિતસભર શરૂઆત કરી શકે છે, તો એક ઇ-મેલ તે મેળવનારને આખા દિવસ માટે હોંશભેર અને આનંદથી કામ કરવાનો સ્ત્રોત બની શકે છે. આ રીતે તમને જેના પ્રત્યે લાગણી હોય, તેને તમારા મનની વાત કેવી રીતે કહું એની સમસ્યા સતાવતી હોય તો એનો ઉકેલ લાવવાનું સરળ છે.