Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

અક્કલ હોવા છતાં ઉલ્લુ શીદને બનવું?

 
Source: Dhanlabh, Jayesh Chitalia   |   Last Updated 2:22 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ઇન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય રિલેશન કે ઇમોશનને કારણે નહીં, પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગના ભાગરૂપ લેવાવો જોઇએ.

રોકાણ શેરમાર્કેટમાં કરવાનું હોય કે પછી ઇન્શ્યુરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, કંપની ડિપોઝિટ અથવા તો સરકારી બચત યોજનાનો મામલો હોય - આપણે ઘણી વાર પૂરી સમજ વિના સંબંધના નામે કે શરમેધરમે, સમયના અભાવે યા તો કથિત ટેક્સ પ્લાનિંગના હેતુસર રોકાણ કરી નાખતા હોઈએ છીએ. ચાલો, અહીં જોઇએ કે આપણે કેવી-કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટના નિર્ણય લેવામાં ભૂલ કરી બેસતા હોઇએ છીએ.

ટેક્સ બચાવવાના નામે ઇન્વેસ્ટમેન્ટ: અગાઉ મોટેભાગે લોકો એલઆઇસી (લાઇફ ઇન્શ્યુરન્સ)ની પોલિસી માત્ર કર બચે એટલે લઇ લેતા હતા. ખરેખર તો એ ગેરસમજ છે. જીવન વીમાનો હેતુ બચત કરતા ખાસ તો અવસાન પછી પરિવાર માટે આર્થિક ટેકો ઊભો કરવાનો હોવો જોઇએ, જેના માટે ટર્મ પ્લાન બેસ્ટ ગણાય. પરંતુ મોટે ભાગે લોકો એવા વીમો લે છે, જેમાં અમુક વર્ષે પૈસા પાછા આવે. તેમાં ખોટું નથી, પણ અહીં મામલો વીમા કરતાં ઇન્વેસ્ટમેન્ટનો વધારે બની જાય છે. ટેક્સ બચાવવાના હવે તો અનેક રોકાણ સાધનોના વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સેવિંગ સ્કીમો પણ હવે વધુ પોપ્યુલર થઇ છે. અલબત્ત, એપ્રિલ ૨૦૧૧થી ડાયરેકટ ટેક્સ કોડનો અમલ થશે ત્યારે આ ચિત્ર પણ બદલાઇ શકે.

મિત્ર-સગાં એજન્ટ કહે છે તેથી ઇન્વેસ્ટમેન્ટ કરો: આપણા ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યેના અભિગમમાં ઘણીવાર ઇમોશન્સ ભળી જાય છે. મિત્ર, પડોશી કે સગાંમાં કોઇ વ્યકિત વીમા કે ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ છે તેથી તેને ના ન પડાય એમ વિચારી આપણે તેમની મારફત ઇન્વેસ્ટમેન્ટ કરી લેતા હોઇએ છીએ. અલબત્ત, આમ ન જ કરવું જોઇએ એવું કહેવાનો આશય નથી, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય રિલેશન કે ઇમોશનને કારણે નહીં, પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગના ભાગરૂપ લેવાવો જોઇએ.

બહુ લોકો કહે છે કે કરે છે તેથી ઇન્વેસ્ટ કરો: શેર હોય કે સ્કીમ, સામાન્ય રીતે આપણે લોકપ્રવાહમાં વહી જઈએ છીએ. જાન્યુઆરી ૨૦૦૮માં રિલાયન્સ પાવરનો ઇસ્યૂ આવ્યો ત્યારે ગાડરિયા પ્રવાહમાં લોકોએ કેટલીય અરજીઓ કરી નાખી હતી. અગાઉ મોર્ગન સ્ટેનલી મ્યુ. ફંડની સ્કીમમાં પણ લોકપ્રવાહમાં જ મોટું રોકાણ થયું હતું. તે પહેલાં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કહો કે હર્ષદ મહેતાની તેજી કહો, સીઆરબી મ્યુચ્યુઅલ ફંડ જુઓ અથવા તો પ્લાન્ટેશન કંપનીઓની ઝાડને નામે પૈસો ઉગાડતી કલક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ જુઓ - બહુ બધા લોકો રોકાણ કરે છે એટલે આપણેય કરવા જેવું છે એવી મનોવૃત્તિ ઇન્વેસ્ટમેન્ટ જગતમાં યોગ્ય નથી.

પ્રચારઝુંબેશથી અંજાઈને રોકાણ ન કરો: જમાનો માર્કેટિંગ અને પબ્લિસિટીનો છે. ટી.વી. કે પ્રિન્ટ મીડિયામાં કે પછી અન્ય કોઇ જાહેર માઘ્યમ મારફત પ્રચારઝુંબેશ ચાલે ત્યારે આપણને એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું આકર્ષણ થઇ જાય છે. આજકાલ તો જાહેરખબરોની રજૂઆત પણ એટલી બધી અસરકારક રીતે થઈ હોય છે કે ભલભલાને તે પોતાના પ્રત્યે ખેંચી લે છે. લોકોનું ઘ્યાન ખેંચવા ક્રિકેટરો અને ફિલ્મસ્ટારો જેવી લોકપ્રિય સેલિબ્રિટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાય છે કે તેમની પાસે મોડલિંગ કરાવાય છે. સેલિબ્રિટીઝને મોટે ભાગે પોતાની તોતિંગ ફીમાં રસ હોય એટલે પ્રોડક્ટ કેટલી જેન્યૂઈન છે તેની ચકાસણીમાં તેઓ પડતા નથી. આખરે રોકાણકારો જાહેરખબરની જાળમાં ફસાઇ જાય છે અને પછી કડવો અનુભવ થાય ત્યારે જ ભાન થાય છે કે ચળકે છે તેટલું સોનું નથી હોતું.

એજન્ટ કહે છે તે આખ બંધ રાખી માની ન લો: સામાન્ય રીતે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ એજન્ટની વાતો આંખ બંધ કરીને માની લે છે, પોતાની રીતે એનાલીસિસ કે ચકાસણી કરતાં નથી. માની લઇએ કે રોકાણકાર પાસે એટલી સમજ કે સમય નથી પણ તે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ તો કરી શકે છે ને! એજન્ટના ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ કે સ્કીમના દાવા વિશે વિચારો. કોઇ બહુ ઝડપી નાણાં કમાવી આપવાની, નાણાં ડબલ કરી આપવાની, બજારના પ્રવર્તમાન દરો કરતાં અનેકગણું વધુ વ્યાજ-વળતર અપાવવાની વાતો કરતું હોય તો સવાલો કે સંદેહ કરી શકાય છે. કહેવાતા ઇન્વેસ્ટમેન્ટ એજન્ટોની જાળમાં ફસાઇને હજારો-લાખો ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયા કાયમ માટે સાફ થઇ જતા આપણે ક્યાં નથી જોયા!

એજન્ટોની સેવા અને કવોલિફિકેશન પણ જુઓ: ઇન્વેસ્ટમેન્ટ એજન્ટને તમારાં રોકાણ પર કમિશન મળતું હોય છે, એટલે મોટેભાગે તેને પોતાના કમિશનમાં રસ હોય એ સહજ છે, પરંતુ આમ કરતી વખતે તે રોકાણકારોની મૂડી-રોકાણની સલામતીની કાળજી ન રાખે એ વાજબી ન કહેવાય. બીજું, એજન્ટની ફરજ છે કે તે રોકાણકારને ઇન્વેસ્ટમેન્ટ માટે સમજાવતી વખતે તેનાં જોખમી પાસાં પણ બરાબર સ્પષ્ટ રીતે સમજાવે. તેની ફાઇન-પ્રિન્ટ પણ બતાવે. આફ્ટર સેલ સર્વિસ પર કમિશન ન મળવાનું હોય તો પણ એજન્ટ રોકાણકારને તેની સેવા સમયસર આપે એવો હોવો જરૂરી છે. એજન્ટ પોતે બાહોશ, સ્માર્ટ અને કવોલિફાઇડ તેમ જ પોતાના વિષયમાં સુસજજ હોવો જોઇએ. કેવળ ઊંચાં કમિશન માટે કામ કરતા કેટલાક એજન્ટો રોકાણકારોને યોજનાઓનું મિસ-સેલિંગ કરીને, સ્વાર્થ માટે રોકાણકારોની કમાણી ડુબાડી દેતા હોય છે.

લક્ષ્ય અને ઉદ્દેશ સાથે રોકાણ કરો: રોકાણ તમે જાતે કરો કે એજન્ટ મારફત કરો, તે તમારા જીવનનાં લક્ષ્યો-ઉદ્દેશો પામવાની દિશા તરફનું હોવું જોઈએ. ઈન્વેસ્ટમેન્ટ કરો ત્યારે એ રોકાણમાં સલામતી અને જોખમની માત્રા સમજી લો, વળતરનો દર જાણી લો, કેટલા સમયગાળા માટે તેને જાળવવા ઇરછો છો તે નક્કી કરી લો. વચ્ચેથી તમારે એ રોકાણ ઉપાડી લેવાની સ્થિતિ સર્જાય તો કેટલાં નાણાં કપાય એ સમજી રાખો, ઇમર્જન્સી માટે અમુક પ્રવાહિતા રાખીને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો. તમારાં લક્ષ્યોને પામવા એ નાણાં પાછાં ક્યારે જોઇશે એ સમયગાળો ઘ્યાનમાં રાખો.

મહત્તમ જોખમ શું અને કેટલું હોઇ શકે તે જાણી લો. એ રોકાણને વચ્ચેથી બીજા રોકાણસાધનમાં બદલી ટ્રાન્સફર કરી શકાય છે કે કેમ એ માહિતી પણ લઈ લો. રોકાણ સામે લોન વગેરે જેવી સવલત હોય તો એ સમજી લો. ઊંચાં વ્યાજનું કોઇ દેવું ઊભું હોય (હોમ લોન વગેરે) ત્યારે એનાથી નીચા દરે રોકાણ કરવાને બદલે એ ઊંચા દરનું દેવું ચૂકવી દેવામાં સાર છે. માત્ર ટેક્સ બચાવવાના ઉદ્દેશથી રોકાણ કરવા કરતાં ક્યારેક ટેક્સ ભરી દેવામાં સાર હોય છે. રોકાણ એ સટ્ટો નથી કે કામચલાઉ બાબત નથી. અલબત્ત, શોર્ટ ટર્મ રોકાણ કરવું હોય કે ચોક્કસ સ્વરૂપે જોખમો ઉઠાવવાની તૈયારી હોય તો તે રકમને અલગ ફાળવી રાખો.

બચત કે રોકાણ નાની ઉંમરથી શરૂ કરી દો. તેની શરૂઆત R ૫૦ કે ૧૦૦ જેવી નાની રકમથી પણ થઇ શકે. ભવિષ્યને વધુ સુરક્ષિત અને સુવિધાપૂર્ણ બનાવવા યુવાનીમાં થોડી વાજબી કરકસર કરી લેવામાં સાર છે. ઇન્વેસ્ટમેન્ટ તમારી વૃદ્ધાવસ્થાનો ટેકો બનવાનું છે એમ સમજીને તેનું જતન કરો.

શબ્દજ્ઞાન

એવરેજિંગ: શેરબજારમાં સોદા કરનારા માટે એવરેજિંગનું અનેરું મહત્ત્વ છે. સાદા શબ્દોમાં તેને ‘સરેરાશ કરવી’ એમ કહેવામાં આવે છે. ધારો કે તમે કોઈ શેર રૂપિયા ૫૦માં ખરીદો છો. એના ભાવ ઘટીને R ૪૦ થઇ જાય ત્યારે તમને શેરદીઠ રૂ ૧૦ની ખોટ દેખાય છે. માનો કે તમારે આ શેરો જાળવી રાખવા છે. હવે જો તમે ઘટેલા ભાવે આ શેરો ફરી ખરીદો તો તમારો ખરીદભાવ શેરદીઠ નીચે આવી જશે, જેને એવરેજિંગ કર્યું કહેવાય. મઘ્યમ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો આ માર્ગ અપનાવતા હોય છે. આમ કરીને તમે કોસ્ટ નીચે લાવો છો અને પ્રોફિટ વધારી શકો છો.

બોટમ ફિશિંગ : સહેજે સવાલ થાય કે શેરબજારમાં માછલીઓ અને ફિશિંગ ક્યાંથી આવી ગયાં? શેરનો ભાવ નીચી સપાટીએ હોય ત્યારે તમે તેની ખરીદી કરી હોય અને તે પછી એ શેરનો ભાવ નીચે ન ઊતરે તો તમે બોટમ ફિશિંગ કર્યું કહેવાય. આ પ્રવૃત્તિમાં સૌને રસ હોય છે અને સ્માર્ટ ઇન્વેસ્ટરો બોટમ ફિશિંગ માટેની સ્ક્રિપ્સ શોધતા રહેતા હોય છે.

અપસાઇડ : ‘અપસાઇડ’ સૌને ગમતો શબ્દ છે. શેરના ભાવ વધતા રહે એ કોને ન ગમે? શેરોના ભાવો કે બજારનો ઇન્ડેક્સ ઉપર જવાની સંભાવના દેખાય ત્યારે તેને અપસાઇડ કહેવામાં આવે છે. આ જ રીતે નીચે જવાની સંભાવના ઊભી થાય ત્યારે તેને ડાઉનસાઇડ કહેવાય છે. આ એક ધારણા હોવાથી ખેલાડીઓ પોતાના નફા અને નુકસાનનો અંદાજ આ ચાલને જોઇને બાંધે છે. અપસાઇડની સંભાવના હોય તે વખતે ભવિષ્યમાં ડાઉનસાઇડની સ્થિતિ વખતે કયા શેરો વેચવા કે ખરીદવા તે વિશેનો વ્યૂહ અપનાવી શકાય છે. તેમ જ પ્રોફિટ કે લોસ બુક કરવાનો નિર્ણય પણ લઇ શકાય છે.

ધનલાભ, જયેશ ચિતલિયા
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.