સાચું કરિયર પસંદ કરવું બહું સહેલી વાત નથી. ઘણા વિદ્યાર્થીઓ માટે ૧૨ ધોરણ પછી કારકિર્દીમાં ઝંપલાવી દેવું જરૂરી હોય છે પણ આ કેવી રીતે શક્ય બને કારણકે આજકાલ તો ગ્રેજયુએશનની ડિગ્રી પણ પૂરતી નથી ગણાતી ત્યારે ૧૨મા પછી સારા ક્ષેત્રનો કોર્સ કરવાની પસંદગી અઘરી બને. પરંતુ જો તમને તમારી ક્ષમતા અને આવડતો અંગે ખબર હોય તો આ પસંદગી તમારે માટે અઘરી નથી.
તમને જે કામ કરવાની મજા આવે તે કામ માટે તમે તમારી જાતને તૈયાર કરીને આગળ વધશો તો સફળતા હાથ વગી રહેશે. આજે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અથવા તો ફુડ ઇન્ડસ્ટ્રી એક એવું ક્ષેત્ર છે જેમાં સતત માત્ર વિકાસ જ થઇ રહ્યો છે. તમે શહેરમાં જ જુઓ તો ખાઉ ગલીથી માંડીને રેસ્ટોરાં રોડ્ઝ વધી ગયાં છે તો બિઝનેસ હોટલ્સની મોટામાં મોટી બ્રાંડ આજે શહેરમાં સ્થપાઇ ચૂકી છે.
૨૦૦૫ની સાલમાં એવી વાત હતી કે આશરે ૧૨ કરોડ લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે પણ ૨૦૧૦માં આ આંકડો કમસેકમ ૨૫-૩૦ કરોડ થઇ ચૂકયો છે. ફુડ સર્વિસ પર્સોનલ માટે સામાન્ય સંજોગોમાં ૧૦-૧૨ જેટલી પોઝીશન્સ ઉપલ્બધ હોય છે. કયુલિનરી સ્કિલ્ઝ અને હોસ્પિટાલીટી એજ્યુકેશન મેળવીને ૨૧મી સદીની અવનવી માંગને પહોંચી વળે તેવા યંગસ્ટર્સની બહુ ઉંચી માંગ છે.
જો તમારામાં આવડત હશે, ટેલન્ટ હશે, વર્ક અથિકસ સારા હશે તો પછી તમારો વિકાસ ખૂબ ઝડપથી થશે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટના આકર્ષક ક્ષેત્રમાં તમારા સ્વગે અને મહત્વકાંક્ષાઓ પુરાં કરવા માટે ‘સ્કાય ઇઝ ધી લિમીટ’ જેવો ઘાટ છે. જરૂરી છે કે તમારા સ્વપ્નાંને તમે ઉઘાડી આંખે જુઓ અને તે પૂરાં કરવાના રસ્તે ક્યાંય થોભો નહીં. આ ક્ષેત્રમાં સફળતાના મામલે કહી શકાય કે, ‘ તમે ક્યાંથી શરૂ કરો છો તે નહીં બલ્કે ક્યાં પૂર્ણ કરો છો તે જ અગત્યનું છે.’
અઢળક જોબ ઓપશન્સ
ગ્રેજયુએશન પછી, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને કયુલિનરી આટ્gસના વિદ્યાર્થીઓ હોટેલ્સ, રેસ્ટોરાં, કેટરિંગ, રિસોર્ટ, ક્રૂઝશીપ, વિદેશી કસીનોઝ અને એન્ટરટેઇનમેન્ટ વેન્યુઝ પર સારામાંની જોબ મેળવી શકે છે. હોસ્પિટાલીટીને લગતાં ઘણાં બધાં વિકલ્પો છે. વિદેશમાં પણ યુએસએ અને સિંગાપોરથી માંડીને તમામ દેશોમાં આ ક્ષેત્રે ઉત્તમ નોકરીની તકો છે. પગાર ધોરણો, વિકાસ વગેરે તો વ્યક્તિની આવડત અને આગળ વધવાની વૃત્તિને આધારે નિશ્વિત થતાં હોય છે.
માત્ર પગાર નહીં, સવલતો પણ
શરૂ્આતમાં પાંચથી આઠ હજાર (તમે કરેલા કોર્સ અને જોબ પ્રોફાઇલને આધારે આ આંકડામાં ફેરફાર થઇ શકે છે.)નું પગાર ધોરણ સમય જતાં અને અનુભવ મળતાં પાંચથી છ આંકડામાં ફેરવાઇ જાય છે. જો તમે હાઇપ્રોફાઇલ હોટલ્સમાં કે મેટ્રોસિટીની પંચતારક હોટલ્સમાં કામ કરતા હોય તો તમને તમામ પ્રકારની સવલતો મળી શકે છે. આટલું જ નહીં પણ ઘણી હોસ્પિટાલિટીની પોઝિશન્સમાં પેઇડ વેકેશન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એકોમોડેશનના ડિસ્કાઉન્ટેડ ભાવ, ફુડ, ટ્રાવેલનો ખર્ચ જેવી સવલતો પણ મળે છે. ટ્રાવેલ-ટુરિઝમ અને હોેસ્પિટાલિટી સાથે સંકળાયેલી વ્યક્તિ સારામાં સારો પગાર પોતાની પર્સનાલિટીને આધારે મેળવી શકે છે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી યંગસ્ટર્સને મેનેજર સ્તરે બઢતી આપવા માટે પ્રચલિત છે.
પાર્ટ ટાઇમ જોબ બને તમારો ટેસ્ટ ડ્રાઇવ
જરૂરી છે કે તમે જાણી લો કે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં તમે કેટલી હદે ‘ફીટ છો.’ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી મળતાવડા, ખુશનુમા, કર્ટસી સમજનારા, મદદરૂપ થવા તેયાર હોય તેવી વ્યક્તિઓથી બને છે અને તમારા કલાયન્ટ-ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવાની તમારામાં ઇચ્છા-ધગશ અને પેશન હોય તે પણ બહુ જ જરૂરી બાબત છે.
જો તમારામાં આ તમામ આવડતો હોય અને સારી કોમ્યુનિકેશન સ્કિલ હોય તો પછી હોસ્પિટાલિટી મેનેજમેન્ટના ક્ષેત્રે સફળતા તમારી રાહ જોઇને ઊભી છે. જો તમે અગાઉ ક્યારેય હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કામ ના કર્યું હોય તો ટેસ્ટ ડ્રાઇવની માફક એક ટ્રાયલ માટે પાર્ટ ટાઇમ જોબ લઇ જુઓ. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સ્કૂલમાં તમે પૈસા અને સમયનું રોકાણ કરો પછી તમને લાગે કે યાર આમાં તો ના મજા આવી, તે પહેલાં તમને સમજાઇ જશે કે તમે આ જોબ્ઝમાં ખરેખર કઇ હદ સુધી સફળ થઇ શકશો.
ઇન્ટરનેટની મદદથી તમે પાર્ટ ટાઇ જોબ શોધી શકશો. ઘણી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સાઇટમાં આ ક્ષેત્રની બહુ સારી લિંક મળી શકે છે. વળી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સ્કૂલ્ઝની આગવી વેબ સાઇટ પર પણ આ માહિતી મળી શકે છે.
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ભણવા માટે ઇન્સ્ટિટ્યૂટની પસંદગી કઈ રીતે
આ ક્ષેત્રમાં તાલિમના પ્રકાર અલગ અલગ હોઇ શકે. તમે પારંપરિક માર્ગ અપનાવો તો ૧૨ પ્લસ ૩ દરમિયાન તમે અલગ અલગ વિષયો ભણો અને ક્ષેત્રની સમજ કેળવો, પણ જો તમે વોકેશનલ કોર્સ કરો તો તમે પસંદ કરેલા કોર્સમાં તમને હાથ પરની તાલીમ મળશે. ઘણા વોકેશનલ કોર્સમાં તમને સંસ્થા તરફથી ઇન્ટર્નશીપ કરવાનો પણ મોકો મળશે. આ તક મળે તો તમને માત્ર પ્રેક્ટિકલ અનુભવ મળે એટલું જ નહીં પણ માર્કેટમાં તમે જશો ત્યારે તમારા રિઝ્યુમેનું વજન પણ આપોઆપ વધી જશે.
તમારી ડિગ્રી અને પ્રોફેશનલ અનુભવ કોઇપણ એમ્પ્લોયર-નોકરી આપનારા માટે બે સૌથી મહત્વનાં મુદ્દાઓ હોય છે. તમારી પસંદગીમાં બંધ બેસતી હોસ્પિટાલીટી સ્કૂલ તમે શોધી લો પછી નક્કી કરો કે ગ્રેજયુએશન પછી તમારે કરવું છે શું? પછી તે સ્કૂલના સિલેબસ-કરિકયુલમ પર નજર નાખી નક્કી કરો કે શું તમારા આખરી લક્ષ્ય માટે તે યોગ્ય છે? ક્ષેત્રની સાચી સમજ ધરાવનારા કેટલાક એક્સપર્ટને મળો અને તેમની પાસેથી જાણો કે તેઓ કેવા પ્રકારની હોસ્પિટાલિટી સ્કૂલ સૂચવે છે. સ્થાનિક સારી હોટલ્સ અને શેફ એસોસિયેશનનો સંપર્ક કરી જાણો કે કઇ સ્કૂલ તેઓના ધારાધોરણો અનુસાર બેસ્ટ છે.