જેતે પાકને કેટલા ખાતરોની જરૂરિયાત છે, તે જમીન ચકાસણીની ભલામણ મુજબ સોઇલ હેલ્થકાર્ડના આધારે નકકી કરીને જરૂરિયાત હોય તેટલા જ ખાતરો આપવા જોઇએ. ખાતરની કુલ જરૂરિયાતથ્ની ગણતરી કરી કુલ જરૂરિયાતના તત્વોના ૬૫ ટકા તત્વો રાસાયણિક ખાતરોમાંથી, ૨૫ ટકા સેન્દ્રિય ખાતરોમાંથી અને ૧૦ ટકા જૈવિક ખાતરોમાંથી મળે તેવું આયોજન કરવું જોઇએ જેથી જમીનની સતત તંદુરસ્તી જળવાઇ રહેશે અને ખેતી ખર્ચ ઘટાડી શકાય.
કઠોળ તથા તૈલી વર્ગના પાકો મરી મસાલા અને શાકભાજીના પાકો કે જેમાં રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી હોય તેવા પાકોમાં ફક્ત સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયું, વર્મીકંપોસ્ટ, દિવેલી ખોળ કે પ્રેસમડ વાપરવું, જેથી આર્થિક બચતની સાથે જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. ફોસ્ફરસ કે પોટાશયુક્ત ખાતરો વાવણી વખતે જ આપવા, પાછળથી પૂર્તિ ખાતર તરીકે આપવા નહી, પાકને પિયત આપ્યા બાદ અથવા જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે પૂર્ત ખાતર તરીકે યુરિયા આપવું.