લગ્નના એક દશકામાં પતિ મૃત્યુ પામે, પતિ ન હોવાનો ગેરલાભ ઘરની જ વ્યક્તિ ઊઠાવતાં એ આત્મહત્યા કરે ત્યારે માની વેદના ક્યાં અટકે....
ગુજરાતના એક ગામમાં ભૂમિકા પટેલ રમેશ સાથે લગ્ન કરી સાસરે આવી. આઠ સભ્યોના સંયુક્ત પરિવારમાં મળતાવડા સ્વભાવની ભૂમિકા સરળતાથી ભળી ગઇ. સમય જતાં એને ખોળે દીકરી કૃતિનો જન્મ થયો. તેમના કુંટુંબમાં કેટલીય પેઢી પછી દીકરી અવતરી હોવાથી કૃતિને હાથમાંને હાથમાં રાખવામાં આવતી. કૃતિ દસ વર્ષની થઇ ત્યાં તાવમાં રમેશભાઇનું અવસાન થયું. અચાનક પતિનું અવસાન થતાં ભૂમિકા ભાંગી પડી.એ અરસામાં જેઠાણીએ ભૂમિકાને અને જેઠે કૃતિને સાચવી લીધા કેમ કે કૃતિને પિતા ગુમાવવાનો આધાત લાગ્યો હતો. જેની ખોટ પૂરી કરવાનું કામ ભૂમિકાના જેઠે કર્યું.
કૃતિ ધીરે ધીરે આધાતમાંથી બહાર આવવા લાગી તો બીજી બાજુ ભૂમિકા પણ સ્વસ્થ થવા લાગી. ભૂમિકાએ જોયું કે, પતિને ગુમાવ્યા પછી પરિવારના સભ્યોમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. ઉલ્ટાનું કૃતિને પિતાની ખોટ ન સાલે એનું લોકો ખાસ ધ્યાન રાખે છે. એમાંય જેઠ તો તેમના બે દીકરા કરતાં કૃતિનો પડ્યો બોલ ઝીલે છે. દિવસો પસાર થવા લાગ્યાં. દસ વર્ષની કૃતિ ચૌદ વર્ષની થઇ, પરંતુ તે પહેલાં જેવી નહોતી રહી. તેના વર્તનમાં નોંધપાત્ર પરિવર્તન ભૂમિકા નિહાળી શકતી હતી.
ભૂમિકા કહે છે,‘તેનું પહેલાંની જેમ ઉછળકૂદ કરવાનું બંધ થઇ ગયું હતું. કામ પૂરતી જ બધાં સાથે વાત કરતી. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતી એટલે મને એમ કે ભણવાનું વધ્યું હોવાથી તેનામાં આ પરિવર્તન આવ્યું હશે. અમને મા-દીકરીને ઘરમાં કોઇ તકલીફ નહોતી. નહીંતર ગામડાંમાં તો વિધવાનું જીવવું મુશ્કેલ થઇ જતું હોય છે. એક રાત્રે મેં જોયુ કે, કૃતિ પથારીમાં બેઠી બેઠી રડતી હતી. તેના રડવાનું કારણ પૂછ્યું તો તેણે જે કહ્યું એ સાંભળી મારા પગ તળેથી જમીન ખસી ગઇ. હવે શું કરવું એ મને સૂઝતું નહોતું, પરંતુ દીકરીનું શારિરીક શોષણ કોઇ પણ ભોગે અટકાવવાનું નક્કી કર્યું. મેં સાસુને વાત કરી. સાસુ ઉકળી પડ્યાં. તેઓ જેઠ વિરુદ્ધ એક શબ્દ સાંભળવા માંગતા નહોતાં. દીકરી પ્રત્યેના જેઠના પ્રેમને હું ખોટી રીતે મૂલવું છું એવો આરોપ મૂકાયો.
મારા નામનો હોબાળો મચાવ્યો. હું અને મારી દીકરી નિર્દોષ હોવા છતાં ઘરમાં જીવવું અમારા માટે હરામ થઇ ગયું. તેના લીધે દીકરી કરમાતી જતી હતી. તેની અસર તેના અભ્યાસ પર વર્તાઇ રહી હતી. કંઇ રસ્તો મળેે એ માટે ભાઇ-ભાભીની મદદ લીધી, પણ તેમણે આડકતરી રીતે અમને સાસરિયામાં રહેવાની સલાહ આપી. ઘરનું વાતાવરણ એટલું ખરાબ હતું કે, જીવવું મુશ્કેલ હતું. પરંતુ ક્યાં જવું? ન માથે છત હતી, ન હું આર્થિક રીતે પગભર હતી. દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકવાનો મેં નિર્ણય કર્યો.
આ નિર્ણય સામે જેઠ સિવાય કોઇએ વાંધો ન ઉઠાવ્યો, પણ સાસુ-સસરા સંમત થતાં કૃતિ હોસ્ટેલમાં ભણવા ગઇ. હું દસ ધોરણ સુધી ભણી હતી. તેથી ઘરે બેઠાં અગિયાર-બારની પરીક્ષા આપી. તે પાસ કર્યા બાદ બાજુના ગામમાં આંગણવાડી ખોલવા માટે અરજી કરી. અરજી મંજુર થતાં મેં ભાડે મકાન રાખી આંગણવાડી શરૂ કરી.
મહિલા સંસ્થાઓ દ્વારા ઘરે બેઠાં કરી શકાય એવા ગૃહઉદ્યોગોની તાલીમ લઇને આંગણવાડીની સાથે ગૃહઉદ્યોગ શરૂ કર્યો. આ બધું કરવા પાછળ પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો, પણ હું મક્કમ રહી. મારે દીકરીને ભયમુક્ત વાતાવરણમાં ઉછેરવી હતી. દીકરી હાલમાં એમબીએ કરે છે અને હું ગામની બીજી વિધવા મહિલાઓને પગભર કરવા સાથે દીકરીના શોષણને કઇ રીતે અટકાવી શકાય? એ અંગે જાગૃત કરી રહી છું.’ (પાત્રોની ઓળખ બદલી છે.)