શાળામાં કોઇ વિષય શીખ્યાં હોઇએ એ વિષય ગૃહિણી બન્યાં બાદ ઉપયોગી થાય ખરો? હા, અપેક્ષાબહેન કોન્ટ્રાક્ટરના કિસ્સામાં એવું બન્યું છે. મૂળ અમદાવાદનાં જ અપેક્ષાબહેનને શાળામાં હતાં, ત્યારે અભ્યાસમાં સીવણનો વિષય આવતો. એ સમયે સામાન્ય રીતે શાળામાં જે ભરત કે સિલાઇકામ શીખવવામાં આવે તે પોતાની હોંશ પ્રમાણે એ શીખ્યાં. અલબત્ત, તેમને અભ્યાસમાં માતાપિતા તરફથી પૂરતો સહયોગ મળ્યો ખરો, પણ બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી એમનાં લગ્ન અમદાવાદમાં જ રહેતાં પુલીનભાઇ સાથે થયા.
અપેક્ષાબહેનના લગ્ન થયાં ત્યારે તેમના પતિ એક શોરૂમમાં નોકરી કરતાં હતાં. લેડીઝ ગાર્મેન્ટનો શોરૂમ હોવાથી તેઓ ઘણી વાર ત્યાં આવતા ડ્રેસીસ ઘરે બતાવવા માટે લઇ આવતાં. અપેક્ષાબહેનને એ ડ્રેસમાં કરેલા વિવિધ પ્રકારના વર્ક જોઇને પોતે પણ એ વર્ક કરી શકે એવો વિચાર આવ્યો. એમણે પતિને આ અંગે વાત કરી અને અપેક્ષાબહેનની વાતને એમના સાસુ તરફથી પણ સમર્થન મળ્યું. એમણે પોતાની પુત્રવધૂને સંપૂર્ણ સાથ આપ્યો અને ઘરમાં એક સીવણમશીન હતું તેનાથી શરૂઆત કરીને આજે પાંચ સીવણમશીન વસાવીને અપેક્ષાબહેન સાસુ સાથે મળી પોતાનું બુટિક પણ ચલાવે છે. તેઓ હાથભરતમાં સાદા ટાંકાથી લઇને પોલો ટાંકો, રબારી, કાશ્મીરી વગેરે એમ્બ્રોઇડરી ડ્રેસ તથા સાડી પર અત્યંત સુંદર રીતે કરે છે.
આ સાથે તેઓ ખાટવર્ક, પિતાવર્ક, પાચીવર્ક, સ્ટોનવર્ક, લેધરવર્ક પણ કરે છે. તેમની પાસેથી કુર્તી પર પિતાવર્ક કેવી રીતે કરવું તે જાણીએ. પિતાવર્ક માટે સામગ્રીમાં જોઇશે, એન્ટિક દોરો, રેશમી રંગીન દોરા, મોતી કે સ્ટોન. સૌપ્રથમ કુર્તીના યોક પર તમને ગમતી હોય એવી ડિઝાઈન દોરો. ત્યાર બાદ એન્ટિક દોરાથી ભરત ભરો. આ એન્ટિક દોરા ગોલ્ડન, સિલ્વર, કોપર કલરના આવે છે અને તેને કસબના દોરા તરીકે પણ કહે છે.
ડિઝાઈન પ્રમાણે આ દોરાથી ભરતકામ કર્યા બાદ આસપાસ રેશમી દોરાથી આઉટલાઇન આપો. પિતાવર્કમાં ડિઝાઈન કાપડની ઊંધી બાજુએ દોરવામાં આવે છે અને તેમાં આડા અને ઊભા ટાંકા લેવામાં આવે છે. આખું વર્ક થઇ ગયા પછી તેને નાની હથોડીથી પીટી લેવામાં આવે છે. આ પિતાવર્ક ખાસ કરીને કોટન, કોટનસિલ્ક, ખાદીસિલ્ક જેવા મટિરિયલ પર વધારે સારું લાગે છે. તમે ઇચ્છો તો ડિઝાઈનમાં ક્યાંક ક્યાંક મોતી કે સ્ટોન પણ લગાવી શકો છો.