અઢાર હજાર પપૈયાના રોપાના વાવેતર થકી R ૯૦ લાખનું આર્થિક ઉપાર્જન મેળવ્યું:નવી અટાલમાં કરાયેલી ખેતી જોવા અનેક ખેડૂતોએ મુલાકાત લીધી:માત્ર છ ધોરણ ભણેલા નાગજીભાઇએ શરૂઆતમાં માત્ર દોઢ એકર જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરી હતી
દાંતીવાડા તાલુકાના નવીઅટાલ ગામના ખેડૂત નાગજીભાઇએ સજીવખેતીના પ્રયોગ દ્વારા આ વર્ષે પપૈયાનું અઢળક ઉત્પાદન મેળવ્યું છે. જેના થકી આર્થિક ઉપાર્જન મેળવ્યું છે અને તાલુકાના ગામોમાં અનોખું સમાજોત્થાનનું અભિયાન પણ ઉપાડ્યું છે.માત્ર છ ધોરણ ભણેલા નાગજીભાઇએ શરૂઆતમાં માત્ર દોઢ એકર જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરી હતી. ત્યારે સીપુ ડેમમાં જમીન ડુબમાં જતા સરકારે નવી જમીન ફાળવી હતી. જેથી નવી અટાલ ગામની જમીનમાં નાગજીભાઇએ ખેતી શરૂ કરી હતી. જેમાં તેમને વર્ષ ૨૦૦૪ માં ટામેટાંનું વિક્રમી ઉત્પાદન કરીને તેની પાકિસ્તાન નિકાસ પણ કરી હતી.
આ અરસામાં પંજાબથી ૮૦ જેટલી સંકરગાયો લાવીને પશુપાલન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું અને દરરોજના ૪૫૦ લીટર દૂધ ભરાવીને અનેકવાર બનાસડેરીનો ‘બનાસ લક્ષ્મી એવોર્ડ’ મેળવ્યો હતો. અત્યારે નાગજીભાઇ પોતાની ૧૮ એકર જમીનમાં મહારાષ્ટ્રથી R ૮ ના ભાવે લાવેલા પપૈયાનું વાવેતર કર્યું છે. કુલ ૧૮,૦૦૦ પપૈયાના રોપા વાવ્યા હતા. આ રોપાઓનો સંપૂર્ણ સજીવ ખેતી દ્વારા ઉછેર કરવામાં આવ્યો હતો. જેમાં દેશી ગાયનું ગૌમૂત્ર, ચુનાનું પાણી, ગોળનું પાણી, ગાયનું દૂધ તેમજ ચણાનો લોટ અને છાણ વગેરે આપવામાં આવ્યું હતું.
ખેતરમાં ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરીને પપૈયાના ૧ છોડ પર અંદાજે ૨૦ કિલો પપૈયાનું ઉત્પાદન મેળવ્યું છે. આમ કુલ ૩૬૦૦ટન ઉત્પાદન મેળવ્યું છે. આ અંગે નાગજીભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘વર્ષો પહેલાં પપૈયાની ખેતી પાછળ રૂ.૮૦,૦૦૦ ખર્ચ થતો હતો પરંતુ આ વર્ષે વૈજ્ઞાનિક અભિગમ સાથે ટપક પદ્ધતિ અને સજીવ ખેતીની મદદથી માત્ર રૂ.૩૦,૦૦૦ ખર્ચે ઉત્પાદન મેળવી શકાયું છે. નાગજીભાઇએ આ વર્ષે રૂ.૨૬ કિલોના ભાવે પપૈયાનું વેચાણ કરીને રૂ.૯૩,૬૦,૦૦૦નું આર્થિક ઉપાર્જન કર્યું હતું.
ખેતી થકી અનોખું સમાજોત્થાનનું કાર્ય
- ૧૦ વનવાસી ભાઇઓને માર્ગદર્શન આપી નફાકારક ખેતી કરતાં શીખવી.
- તાલુકાનાં ૧૧ ગામના ૨૫ ખેડૂતોને દત્તક લઇને આધુનિક ખેતીનું માર્ગદર્શન આપી સદ્ધર બનાવ્યા.
- ગામમાં શાળાના નિર્માણ માટે જમીન દાનમાં આપી.
- ૧૨-૧૫ દિવસે ગામની શાળામાં બાળકોને તિથિ ભોજન આપવું.
‘ પોતાના ખેતર પર ૮૫૦ થી વધુ આયુર્વેદિક વૃક્ષોનો ઉછેર કરવો.
- વર્ષ ૨૦૦૬-૦૭ માં ૧૫૦ ટન ટામેટાંની પાકિસ્તાનમાં નિકાસ કરી.
- વર્ષ ૨૦૦૮-૦૯ માં ૭૩૦૦ કિલો દાડમનું ઉત્પાદન મેળવ્યું.
- વર્ષ ૨૦૦૯-૧૦ માં ૩૬૦૦ ટન પપૈયાનું ઉત્પાદન મેળવ્યું.
ખેતીથી વિદેશીઓ પણ અચરજ પામ્યા
દાંતીવાડા તાલુકાના નાગજીભાઇ માળી દ્વારા અપનાવવામાં આવેલી સજીવ ખેતી પદ્ધતિ તથા તેમના ખેતીના વ્યવસ્થાપનને દેખીને વિદેશના ઘણા વૈજ્ઞાનિકો અચરજ પામ્યા છે. જેમાં ઇઝરાઇલ અમેરીકા અને નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ તેમના ખેતરની મુલાકાત કૃષિ યુનિવર્સિટી માધ્યમથી લીધી છે.