હળદરની ખેતીમાં ટપક પદ્ધતિથી સિંચાઈથી પાણીનો બગાડ અટકાવવા સાથે ઉપજ પણ સારી
આણંદ શહેર પાસેના હાઈવે પરના બોરીઆવી ગામના વતની અને સીમમાં ર૦ વીઘાં જમીન ધરાવતા રમેશભાઈ છોટાભાઇ પટેલના પુત્ર દેવેશ પટેલ ૧૮ વર્ષથી ઓર્ગેનીક ફાર્મિંગ કરી ઉત્તમ પ્રકારનું આદુ, સુરણ, હળદર, બટાટા અને રતાળુ પેદા કરી મુલ્યવર્ધન કરી, ગ્રેડીંગ, પેકીગ, કરી માર્કેટિંગ કરી ખુબ જ મોટા પ્રમાણમાં આવકો મેળવી ચરોતરના ખેડૂત સમુદાયને પ્રેરણારૂપ બની રહ્યા છે. તેઓ સહિત તેમ ના પરિવારના અન્ય સભ્યો વર્ષોથી આણંદ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના સતત સંપર્કમાં રહી નવી કૃષિ તજજ્ઞતાઓ જાણી, માહિતી મેળવી પોતાની ખેતીમાં પહેલ કરી અપનાવી સફળ અને ઉત્તમ પ્રકારની ઓર્ગેનીક ખેતી કરી રહ્યા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. પી. પટેલ તથા પ્રો. મુકેશ આર. પટેલ, ડૉ. જે.જી.પટેલ વગેરે સાથે સંપર્કમાં રહી માહિતી-માગર્દશન મેળવી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી ઉત્તમ ખેતપેદાશ કરી, આદુ, હળદરનું મુલ્યવર્ધન કરી પાવડર રૂપે રૂપાંતર કરી પેકીગ કરી તેનું વેચાણ ભારત કક્ષાએ કરી રહ્યા છે. દેવેશ પટેલ સ્વાધ્યાયી અને પ્રકૃતપિ્રેમી હોઈ ઓર્ગેનીક ખેતી કરી સાથે સાથે પશુપાલન વ્યવસાય પણ છે. દૂધ ઉત્પાદન સાથે મળતા છાણિયા ખાતરનો કમ્પોસ્ટ ખાતર, વર્કીકમ્પોસ્ટ બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે. લીલો પડવાશ કરે છે. જેથી જમીનની ફળદ્રુપતા, છીદ્રાળુતા, ભેજસંગ્રહશકિત, શારનિયંત્રણ, માઈક્રોબીયલ એક્ટીવીટી, અળસીયાની સંખ્યામાં વધારો થતાં ખેતી માટે અસરકારક વાતાવરણ પેદા થાય છે, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ બિલકુલ વાપરતા નથી.
જળ સંચય માટે તેઓ મઘા નક્ષત્રમાં પડતા વરસાદના પાણી પોતે ટાંકામાં સંગ્રહ કરી પોતાના કુટુંબને પીવા માટે તથા ખેતી પાકોમાં ટપક પદ્ધતિથી પિયત રૂપે આપવા વાપરે છે. જે ખૂબ ફાયદાકારક છે. જેથી ખેતી ખર્ચ ઘટે છે. પર્યાવરણ નુકશાન અટકે છે. ઓર્ગેનીક ખેત પેદાશની સંગ્રહ શકિત વધારે હોય છે. તેનો રંગ, ગંધ, સ્વાદ સુંદર હોય છે, ઉત્તમ કવોલીટીની ખેત પેદાશ તૈયાર થાય છે. જેનાથી બજાર ભાવ પણ વધારે મળે છે અને કુદરત આફતોમાં (જેવું કે પાણી ભરાઈ જવું, અસહ્ય ગરમી, ઠંડી) ખેતી પાક ટકી શકે છે અને ખેત ઉત્પાદન સારૂ આપે છે.
આ ઉપરાંત દેવેશ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના સંપર્કમાં રહી નવી કૃષિ તજજ્ઞતાઓ જેવી કે ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત, બાયોફર્ટીલાઇઝર્સનો ઉપયોગ, લીલો પડવાશ (શણ, ઈક્કડ) તો ઉપયોગ, ઓર્ગેનીક ફાર્મિંગ સ્વીકારી દિવેલી ખોળ, લીબોળી ખોળનો ઉપયોગ, વર્મીકંમ્પોસ્ટનો ઉપયોગ, આઈબીએનએમનો ઉપયોગ, મલ્ચગ કરવું, વૈજ્ઞાનિક ઢબે રોપણીનો સમય વાવણી ખંતર, પિયત, કાપણી, સંગ્રહ, ગ્રેડીંગ, પેકીગ, મૂલ્યવર્ધન, માર્કેટિંગ વગેરે તજજ્ઞતાઓનો ઉપયોગ કરી ખૂબ સારી આવક મેળવે છે.
ઉપજનું મૂલ્યવર્ધન જરૂરી
હળદર અને આદુ જેવા પાકને તૈયાર થયે ખેતપેદાશરૂપે વેચતાં જે ભાવ અને આવક મળે છે તેના કરતાં આદુ, હળદરનું મૂલ્યવર્ધન કરી સૂંઠ, સૂંઠ (પાઉડર) હળદર પાવડર બનાવી, પેકીગ કરી વેચાણથી લગભગ દોઢથી બે ગણો ભાવ વધારે મળે છે અને નફાનું પ્રમાણ વધે છે. બોરીઆવી યુવાન ખેડૂત દેવેશ પટેલ ભારતભરના યુવાનોને એકમ વિસ્તારમાં થતી વધુ ઉત્પાદન મેળવવા, નવી કૃષિ તજજ્ઞતાઓ અપનાવવા, પશુપાલન વ્યવસાય અપનાવવા અને ખેતી દ્વારા પોતે સ્વનિર્ભર થવા તથા કુટુંબ, સમાજ અને દેશને પ્રેરણારૂપ બની રહેવા સાથે અમદાવાદ સ્થિત આઈએમએમમાં વિધાર્થીઓ માટે પણ પથદર્શક બની રહ્યા છે.’