ગૂગલે હવે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક સાથે બાથ ભીડવાની તૈયારી કરી લીધી છે. એક વેબસાઈટના જણાવ્યા અનુસાર વિશ્વમાં નંબર વન સર્ચ એન્જિન ગણાતી ગૂગલે ટૂંક સમયમાં ‘ગૂગલ મી’ નામથી એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
કહેવાય છે કે ગૂગલે પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઓરકૂટ અને બઝ ને પણ એક કરવાનો નિર્ણય લીધો છે. તજજ્ઞોના માનવા પ્રમાણે આમ થયા બાદ બંને વેબસાઈટ્સના કુલ યૂઝર્સની સંખ્યા ૪૦ કરોડથી વધી જશે. આમ ગૂગલ ફેસબુકના હાલના ૫૦ કરોડ યૂઝર્સને ટક્કર આપવા માટે તૈયાર થઈ જશે.
ગૂગલે આ મહિને જ ‘સ્લાઈડ’ ખરીદી છે. આ સાઈટ એપ્લિકેશન તૈયાર કરે છે. આશા છે કે ગૂગલ તેનો ઉપયોગ નવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ માટે કરશે. આ ઉપરાંત ગૂગલે વધુ એક વેબસાઈટ ઝિંગામાં પણ રોકાણ કર્યું છે. આ વેબસાઈટ ઓનલાઈન ગેમ્સ તૈયાર કરે છે.