Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

તંત છોડવો નહીં

 
Source: Zagmagat, Rupali Shah   |   Last Updated 5:45 AM [IST](07/09/2010)
 
 
 
 
 
‘ઓપ્ટિમિસ્ટિક્સ’ બેનર હેઠળ ‘ઈન્ડિયન આઈડલ-વન’ જેવા રિયાલિટી શોઝથી માંડીને સબ ટીવી પર ધૂમ મચાવી રહેલી કોમેડી સિરિયલ ‘પાપડ પોળ’ જેવા કેટલાય ટીવી શોઝના નિર્માતા વિપુલ ડી. શાહની સફળતાનો રાઝ શો છે?

કારકિર્દીની સફર વિશે વાત કરો.

હું ગુજરાતના લીંબડી તાલુકાના પરનાળા ગામનો. આઠમા ધોરણમાં હતો ત્યારે અમે મુંબઈ આવ્યા. બોરીવલીની ગોપાળજી હેમરાજ ગુજરાતી માઘ્યમની શાળામાં દાખલ થયો. ગામમાં માત્ર એબીસીડી શીખેલી એટલે અહીં અંગ્રેજી વાંચવાની મુશ્કેલી થતી. એક વાર ટીચરે મને અંગ્રેજીમાં બે લીટી વાંચવાની કહી. મને આવડી નહીં એટલે એમણે ગુસ્સે થઈ પૂછ્યું : ‘વોટ ઇઝ યોર એઈમ?’ મને સમજાયું નહીં. મને લાગ્યું કે મારું નામ પૂછે છે એટલે મેં જવાબ આપ્યો ‘વિપુલ શાહ’. એમણે ફરી પૂછ્યું એટલે મને એમ કે અટક પહેલા બોલવાની હશે એટલે ફરી જવાબ આપ્યો, ‘શાહ વિપુલ’. એમણે મને બેન્ચ પર ઊભો રાખ્યો અને ખૂબ ધધડાવ્યો. હું રડવા જેવો થઈ ગયો.

ઘરે જઈને કાકાને પૂછ્યું: એઈમ એટલે શું? છેવટે મને સાચો જવાબ સમજાયો. એ દિવસે મનમાં ગાંઠ વાળી કે નામ તો બનાવીશ જ પણ મારું ઘ્યેય એવું રાખીશ કે લોકોએ પૂછવું નહીં પડે. મીઠીબાઈ કોલેજમાં અનેક ઇન્ટર કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લીધો. ભણવા સિવાયનું બધું જ શીખ્યો. ‘આત્મસંતોષ’, ‘જસુબેન જાસૂસ’, ‘પોપટલાલ પાણીદાર’ જેવી કોમેડી અને ડિટેક્ટિવ ગુજરાતી સિરિયલો લખી. હિંદી સિરિયલ ‘દેખ ભાઈ દેખ’ જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. ૧૯૯૮-૯૯માં એ સિરિયલને ‘બેસ્ટ સિરિયલ ફોર ધ યર’નો અવોર્ડ મળ્યો. ત્યાર બાદ આપણાં લેખનને જસ્ટિસ થાય એટલે ડિરેક્ટર બન્યો અને ડિરેકશનને જસ્ટિસ મળે એટલે પ્રોડ્યુસર બન્યો.

સંઘર્ષ કેવોક કરવો પડ્યો?

ભાઇંદરમાં અમારી લુબ્રિકેટિંગ ઓઈલની દુકાન. વાણિયાનો દીકરો એટલે ધંધામાં જ ઝંપલાવવું એવો પપ્પાનો આગ્રહ. આર્થિક સંઘર્ષ ખાસ નહોતો, પણ એ વખતે ઈમોશનલ સંઘર્ષ અતિશય કરવો પડ્યો. એક તો સાત પેઢીમાંથી કોઈ આ ક્ષેત્રમાં નહીં એટલે કુટુંબનો સપોર્ટ નહીં. પપ્પાનો વિરોધ. એમને ડર કે છોકરો આડે પાટે ચઢી જશે. થોડો વખત માટે ઘરમાંથી નીકળી પણ જવું પડયું હતું. સામે પક્ષે, આ ક્ષેત્રમાં કોઈની ઓળખાણ નહીં, એટલે સાંજે ચાર વાગ્યે બોલાવ્યો હોય અને રાહ જોઈને બેસું ત્યારે રાત્રે છેક દસ વાગે સામેની વ્યક્તિ મળે.

હવે પછી તમારા કયા શોઝ આવી રહ્યા છે?

સોની અને સ્ટાર ટીવી બંને સાથે વચ્ચે વાતચીત ચાલે છે. ‘યે મેરી લાઈફ હૈ’, ‘લેડિઝ સ્પેશિયલ’, ‘સજન રે ઝૂઠ મત બોલો’, ‘પાપડ પોળ’ - મારા આ ચારેય શોઝ પોઝિટિવિટીથી ભરેલા રહ્યા છે, એટલે ફિલ ગૂડ કરાવે તેવી ડેઈલી સોપનું પ્લાનિંગ છે.

ટીવીના ક્ષેત્રે છવાઈ ગયેલા ગુજરાતીઓ વિશે શું કહેવું છે?

સેન્સ ઓફ હ્યુમર તો ગુજરાતીઓમાં ગળથૂથીમાં જ મળે છે. ગુજરાતી સાહિત્ય દુનિયાની કોઇ પણ ભાષાની બરોબરી કરી શકે એટલું સુંદર અને સમૃદ્ધ છે. એને પોતાનું વજન છે. આ ક્ષેત્રમાં આવવાની ક્ષમતા ગુજરાતીઓમાં હતી જ અને હવે તો વેપારી દ્રષ્ટિએ પણ આ ક્ષેત્ર સુરક્ષિત ગણાય છે.

આ ક્ષેત્રમાં આવવા માગતા નવા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને રાઈટરને શું કહેશો?

આ એક દરિયો છે. નવા લોકો જેટલા આવે તેટલા ઓછા. જેટલી સ્પર્ધા વધશે એટલો સારો માલ મળશે. એકતાને જ જુઓ. સ્પર્ધા વધી તો ‘પવિત્ર રિશ્તા’ જેવી સિરિયલ બનાવવાની શરૂ કરી.

તમારો સકસેસ મંત્ર શો છે?

નવો ચીલો ચાતરવો હોય, સ્વપ્ન સાકાર કરવું હોય તો તમારી સ્ટ્રેન્થ અને વિકનેસ આ બે બાબતોનું ઘ્યાન રાખવું જોઈએ. મારી વાત કરું. હું અભિનેતા બનવા આવેલો, પણ અભિનય માટે જરૂરી રૂપ, રંગ અને એ પ્રમાણેની લાયકાત હોવાં જોઈએ. ‘શોલે’ના સાંભા જેવો એકાદ રોલ કદાચ મળી જાય, પણ પછી શું? મને લાગ્યું કે અભિનય કરતાં લેખનમાં મારી ક્ષમતા વધુ છે. યોગ્ય સમયે તમારી અંદરની શક્તિ અને નબળાઈને સમજી લો. જાતમાં વિશ્વાસ મૂકી તંત મૂકો નહીં તો સફળતા અને ઓળખ બંને મળે છે. મારો તકિયા કલામ છે - લાઈફ ઈઝ બ્યુટીફુલ એન્ડ ફ્યુચર ઈઝ ‘ઓપ્ટિમિસ્ટીકસ’.

ઝગમગાટ, રૂપાલી શાહ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.