બાળક જન્મે તે પછીના પહેલાં ત્રણ મહિના સામાન્ય રીતે એકથી ત્રણ કલાક રડતાં હોય છે. બાળકના રૂદનથી જ માતા-પિતાને બાળકને શ્રેષ્ઠ રીતે સમજવાનો અને તેની જરૂરિયાત જાણવાનો મોકો મળે છે. રડવાનાં સામાન્ય કારણો જેવાં કે ભૂખ, તરસ, પેટમાં ગેસ થવો, શરદીને કારણે નાક બંધ થવું, પેશાબ પહેલાં કે પછી રડવું વગેરે ગણી શકાય. શરૂઆતમાં બાળક શેના કારણે રડે છે તે મા-બાપ કે કુટુંબીજનો સમજી શકતાં નથી. આથી તેમને ચિંતા સતાવે છે, પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેના રૂદનના પ્રકાર પરથી માતા બાળકની જરૂરિયાત સમજી જાય છે.
એવું કહેવાય છે કે બાળકને વધુ સમજવા તેને હસતું જોવા કરતાં તેને રડતું વધુ સાંભળવું પડે. અમુક ચોક્કસ પ્રકારના રડતા અવાજથી માતાની છાતીમાં તરત ધાવણ ભરાવા લાગે અને અમુક રડવાના અવાજ પરથી માતા સમજી જાય છે કે બાળકને હવે ઊંઘ આવે છે કે હવે તે પેશાબ કરશે. લગભગ ત્રણ મહિનાથી બાળક હસીને તથા તેને બોલાવો તો પ્રતિભાવ આપતું થાય ત્યારથી તેનું રડવાનું પણ ઓછું થઇ જાય છે.
નવજાત શિશુ જો ૨૦ કલાક સારી રીતે રમે અને અન્ય ૩-૪ કલાક રડે કે અકળામણ અનુભવે તો આખો દિવસ સારો જ ગણવો. ઘણી માતા કહેતી હોય છે કે આખો દિવસ શાંતિ, પણ સાંજે મારું બાળક ૬ થી ૧૦ રડે, તો કોઇ માતા કહે મારું બાળક ફક્ત રાત્રે ૧૨થી ૪માં જ રડે છે, બાકીનો દિવસ સારો જાય. ઉપરોકત બંને કિસ્સામાં બાળકને ખભે રાખી વધુ થાબડી, તેના કપડાં અથવા નેપી બદલી, ઘરમાં હળવું સંગીત ચાલુ કરવા જેવા પ્રયત્નો કરી શકાય. છતાં જો બાળક રડે તો તેને શરદીને કારણે નાક બંધ હોય તો નાકનાં ટીપાં કે ડોક્ટરની સલાહ પ્રમાણે ચૂંકના ટીપાંનો ઉપયોગ કરી શકાય.
દેશી ઘસારા, કાન કે નાકમાં ઘરના તેલના ટીપાં પાડવાં જેવા પ્રયત્નો ન કરવા. બાળક ખૂબ રડવાનું ચાલુ રાખે તો ડોક્ટરને બતાવવું. બને ત્યાં સુધી બાળકને બેસીને જ ધાવણ આપવું. ફક્ત નપિલ ચૂસતા બાળકને ગેસ થવાની સંભાવના વધુ રહે છે. ધાવણ લેતી વખતે નપિલ, તેની બાજુનો કાળો ભાગ તથા સ્તનના ભાગથી બાળકનું મોં પૂરેપૂરું બંધ થાય તો તેને ગેસ થવાની સંભાવના ઓછી રહે છે. ધાવણ આપી ખભે રાખી ૮-૧૦ મિનિટ થાબડી તેને ઊંધું સુવાડવાથી પણ સારું રહે છે. ખૂબ રડતાં બાળકોમાં તેની માતાનું ધાવણ ઓછું પડે છે આથી ઉપરનું દૂધ એક-બે વખત આપીએ અથવા તેને સંતોષ થાય માટે દિવસમાં એક-બે વખત બોટલથી દૂધ આપીએ તેવી જૂની વિચારધારાથી દૂર રહેવું. ઉપરથી દૂધ આપવાથી બાળક અને માતા બંનેને તકલીફ પહોંચશે.
ઘણી વખત બાળક પણ અમુક સમયે તેને ઊંચકાવવા માટે જ રડતું હોય તેમ જેવું તેને ઊંચકો, બોલાવો, ગીતો ગાવ કે તરત જ શાંત થઇ જાય. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ ઘરના સભ્યોને પણ હાલરડાં, લોકગીતો આવડતા જતાં હોય છે. છેલ્લાં થોડા વર્ષોમાં જન્મેલા બાળકો નાનપણથી જ મોબાઇલના અવનવા રિંગટોનથી શાંત થતાં શીખ્યાં છે.
કોઇ પણ કારણસર પોતાના બાળકનું રૂદન સાંભળતાં જ માતાના રોમેરોમમાં સંવેદના અને વાત્સલ્યનું ઝરણું વહેવા લાગે છે. રડતા બાળકને શાંત કરવા થોડા સમય માટે માતા દુનિયાને ભૂલી જાય છે. તેનું માતૃત્વ ચરમસીમાએ પહોંચે છે અને અંતે પોતાના લાડકવાયાની જરૂરિયાત પૂરી કરી તેને શાંત કરવામાં સફળ થાય છે.