વિશ્વમાં ભારત એવો દેશ છે જ્યાં સાંસ્કૃતિક વારસો અને વિવિધ ધર્મ અને વિધારધારા એક અનોખું સ્થાન ધરાવે છે. લગ્ન, છુટાછેડા, વારસો, દત્તક અને ભરણપોષણને લગતી બાબતો અંગે આપણા દેશમાં દરેક નાગરિકને તેના ધર્મ અનુસાર કાયદાનો અમલ કરવાની છુટ છે. ઉપરોક્ત દરેક વિષય પર દરેક ધર્મએ સ્ત્રીઓને જુદા જુદા અધિકારો આપેલા છે. લગ્ન બાબતે પણ જુદા જુદા ધર્મ પર આધારિત જુદા જુદા કાયદાઓ અને નિયમો છે. જેમ કે, હિન્દુઓ માટે હિન્દુ લગ્ન ધારો ૧૯૫૫, મુસ્લિમો માટે મુસ્લિમ લો, ખ્રિસ્તીઓ માટે ક્રિશ્વિયન લગ્ન ધારો ૧૮૭૨ અને પારસીઓ માટે પારસી લગ્ન ધારો. આ દરેક લગ્ન ધારાનું જે તે ધર્મ પ્રમાણે લગ્નની શરતો મૂકવામાં આવેલી છે.
૧૯૫૪માં સ્પેશિયલ મેરેજ એક્ટ પણ ઘડવામાં આવેલ જેનો હેતુ ધર્મ નિરપેક્ષ લગ્ન માટે કરવામાં આવેલ. આ કાયદા હેઠળ થયેલા લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ કહેવામાં આવે છે. ભારતમાં લગ્ન અંગે તો વૈયિકતક કાયદા છે, પણ લગ્નની વ્યવસ્થામાં જો કોઇ ગુનો બને તો તે માટે ભારતીય ફોજદારી ધારો લાગુ કરવામાં આવેલ છે.
સ્ત્રીને લગ્નમાં કે લગ્નને લીધે થતાં તેની સામેના ગુના માટે ભારતીય ફોજદારી ધારામાં એક ખાસ પ્રકરણ મૂકવામાં આવેલું છે, પ્રકરણ ૨૦ અને તેમાં લગ્ન સંદર્ભે થતા ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. કલમ ૪૯૩ થી ૪૯૮ એ લગ્નસંબંધિત ગુનાઓ ખાસ કરીને જે સ્ત્રી સામે થાય છે તેને માટે જોગવાઇ કરવામાં આવેલ છે. આપણને વિચાર આવે કે લગ્નજીવન તો એક અંગત વ્યવસ્થા છે, તો શા માટે આવા એક અંગત પ્રશ્નને ફોજદારી ધારામાં મૂકીને સજાપાત્ર બનાવવામાં આવ્યું? કાયદાના ઘડવૈયાઓએ આના ઉપર ચોક્કસ ઉંડાણપૂર્વક વિચારવિમર્શ કરી આ જોગવાઇઓ સ્ત્રીના રક્ષણાર્થે બનાવેલી છે.
લગ્ન અંગે તો વળી કેવા ગુના હોઇ શકે? એવો એક પ્રશ્ન ચોક્કસ ઉપસ્થિત થાય. કાયદાના ઘડવૈયાઓએ જ્યારે આ કાયદો બનાવ્યો હશે ત્યારે કદાચ એમને ખ્યાલ નહીં હોય કે એકવીસમી સદીમાં ભારતમાં આ ગુનાઓ પુષ્કળ વધશે અને સ્ત્રીએ આ ધારા હેઠળ રક્ષણ માંગવું પડશે. લગ્નને લગતા ગુનામાં કોઇ પુરુષે છેતરપીંડીથી કાયદેસર લગ્ન થયાં હોવાનું માનવા પ્રેરીને પત્નીભાવે સ્ત્રીને સહવાસ કરાવ્યો હોય, આગલા લગ્નની હકીકત છુપાવી હોય એટલે કે પતિ કે પત્નીની હયાતીમાં બીજું લગ્ન કર્યું હોય, આગલા લગ્નની હકીકત જે વ્યક્તિ સાથે બીજું લગ્ન કર્યું હોય તેનાથી છુપાવવી, જે વિધિથી કાયદેસરનું લગ્ન થયું ન ગણાય તેવી લગ્નવિધિ કપટપૂર્વક કરવા બાબત, વ્યભિચાર, પરિણીત સ્ત્રીને ગુનાહિત ઇરાદાથી ભગાડી જવી, લઇ જવી અથવા રોકી રાખવા બાબત અને પતિ કે તેનાં સગાં સ્ત્રી પ્રત્યે ક્રૂરતા બતાવે આ બધાંનો સમાવેશ થાય છે. આ દરેક માટે ભારતીય ફોજદારી ધારા નીચે એક કલમ છે અને આ ગુનો કરનાર વ્યક્તિ સજા અને દંડને પાત્ર થાય છે.
લગ્ન જેવા સંબંધમાં છેપરપીંડી કે વિશ્વાસઘાત કરીને જો સામેની વ્યક્તિને અંધારામાં રાખી હોય અને આ બાબતની જ્યારે તે વ્યક્તિને જાણ થાય ત્યારે તેને ફોજદારી કેસ કરવો પડે એ જ બતાવે છે કે આપણા સમાજમાં હવે લગ્ન એક અનુકૂળ બંધન તરીકે ગણાવા માંડ્યું છે એ જ અસંખ્ય ગુનાઓ લગ્નને લગતા નોંધાય છે તેનો પુરાવો છે. આપણે ઠેરઠેર જોઇએ છીએ કે આધુનિકતાના નામે વ્યભિચાર સરેઆમ ચાલે છે, ન તો વ્યક્તિ કોર્ટમાં જઇ શકે અને ન તો સમાજ આ અણછાજતું પાસું રોકી શકે છે.
દરેક ગુનો પુરવાર થવા માટે પુરાવો માગે છે અને સ્ત્રી એના ગુનાઓમાં પુરાવા એકઠા કરીને કેસ કરીને રજૂ કરી શકતી નથી તેથી ગુનો પુરવાર થતો નથી. એક બાજુ લગ્નને તકલીફ કરતાં બધાં જ પાસાં માટે કે ગુના માટે એક કલમ છે પણ ભારતની નારી ભાગ્યે જ આ કલમનો ઉપયોગ કરી શકી છે. જે કરે છે તે ક્યાંક ને ક્યાંક કાયદાની આંટીઘૂંટીમાં જ રહી જાય છે. છેવટે લગ્ન વેરવિખેર થઇ જાય છે.
કાયદો કાયદો જ રહે છે અને સમાજ લગ્ન અંગેના ગુનાઓને મૂકપણે સંમતિ આપ્યે રાખે છે. આ બધામાં લગ્નના ભાગરૂપે જે પેઢી જન્મે છે તે બાળકનો ક્યારેય ક્યાંય વિચાર કરવામાં આવતો નથી અને આ નવી પેઢી પણ આ કારમી વાસ્તવિકતાને સ્વીકારીને એક જુદી જ પેઢી તરીકે બહાર આવી છે. લગ્નને લગતા દરેક ગુના વિશે વાસ્તવમાં બનતા કિસ્સાઓ સાથે હવે પછી મળીશું.