મોડાસા તાલુકાના મડાસણાકંપા ખાતે ગ્રામજનોએ દેશી ગાયોની ગૌશાળા બનાવી: ગાયના દૂધ, છાણ અને મૂત્રથી જીવન જરૂરિયાતની વસ્તુઓની બનાવાશે
વેદોમાં જેને માતા કહી છે તે ગાયના અસ્તિત્વને ટકાવી રાખવા માટે દેશભરમાં વિશ્વમંગલમ ગૌગ્રામ યાત્રા શરૂ કરવી પડે છે. ત્યારે સાબરકાંઠાના મોડાસા તાલુકાના મડાસણાકંપા ખાતે આ પ્રેરણાને પશુપાલકોએ ફરજ સમજી લીધી છે. ગ્રામજનોએ દેશી ગાયના અસ્તિત્વને ટકાવી રાખવા સહીયારા પ્રયાસથી ગૌશાળા બનાવી છે. સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે ખેતીમાં પણ આમુલ પરિવર્તન લાવવા હાલ ૧૮ ગાયોનું જતન કરવામાં આવી રહ્યું છે. અને ગાયના છાણ અને મૃત્રમાંથી જીવામૃત નામની દવા બનાવી ખેતીમાં પણ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. આગામી સમયમાં ગાયના દુધ, છાણ અને મૃત્રમાંથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પેદા કરી રોજબરોજના વપરાશમાં લેવા માટેની પણ શરૂઆત કરવામાં આવનાર છે.
આ અંગે માહિતી આપતાં મડાસણાકંપાના જીવદયા પ્રેમી નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશી ગાયોનું અસ્તિત્વ જોખમાયુ રહ્યું છે. રાસાયણીક ખાતરો, હાયબ્રીડ બિયારણની જેમ પશુપાલકો હવે દેશીની જગ્યાએ અન્ય ઔલાદોની ગાય પસંદ કરતા થયા છે. પરિણામે દેશી ગાયનું મહત્વ સમજાય અને તેના ફાયદાઓથી પશુપાલકો વાકેફ થાય તે માટે જિલ્લામાં પ્રથમવાર ગ્રામજનો દ્વારા સહીયારા પ્રયાસથી ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કૃષિ ગૌ સંવર્ધન સંસ્થાન ના નામે શરૂ કરાયેલ આ ગૌશાળામાં હાલ ૧૮ જેટલી દેશી ગાયોનું જતન કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનો દ્વારા જ સહીયારા પ્રયાસથી ગાયોનો ઉછેર કરી તેનું દુધ તેમજ બનાવટો વેચી એક સરખો નફો વહેંચવામાં આવે છે. આ ઉપરાંત રાસાયણીક ખાતરોના વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે ત્યારે દેશી ગાયના છાણ અને મૃત્રમાંથી જીવામૃત નામની દવા પણ બનાવવામાં આવી રહી છે. આ દવા છંટકાવ કે ડ્રીપ દ્વારા પણ પાકને આપી શકાય છે. રાસાયણીક ખાતરોના વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે સાથે આવા ખાતરોથી પાકેલા ધાન્ય ખાવાથી લાંબાગાળે રોગો પણ શરીરમાં પ્રવેશતા હોય છે. ત્યારે દેશી ગાયના છાણ અને મૃત્રમાંથી બનેલી દવા ખેતીમાં પણ સો ગણો ફાયદો આપે છે. સાથે જમીનમાં બેકટરીયા પ્રવેશતા ફળદ્રુપતા પણ વધે છે.
દેશી ગાયોનો ઉછેર કરી શુધ્ધ દુધ અને બનાવટો સાથે છાણીયુ ખાતર વાપરી સજીવ ખેતી તરફ ખેડૂતો વળે તેવા અભિગમ સાથે ગૌશાળાની શરૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત દેશીગાયના દુધ, ઘી, છાણ, પેશાબ અને દહી જેવા પંચગવ્ય દ્રવ્યોમાંથી આગામી સમયમાં સાબુ, અગરબત્તી, ધુપસળી, શેમ્પુ અને ફીનાઇલ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ બનાવવાની શરૂઆત કરવામાં આવનાર છે. પરંતુ આગામી સમયમાં આ તમામ બનાવટો તાલુકામાં ઘેર ઘેર પહોંચાડવાની નેમ રખાઇ છે.ઉલ્લેખનીય છે કે દુધ ન આપતી દેશી ગાયના છાણ અને મૃતમાંથી અનેક ચીજવસ્તુઓ બને છે. જેનાથી માસીક પાંચહજારથી વધુની આવક થઇ શકે છે. ત્યારે જે ગાયને માતા કહીને સંબોધીએ છીએ તેને કતલખાને ન ધકેલી દઇ યોગ્ય પધ્ધતિ દ્વારા વિવિધ દવાઓ અને ખાતર બનાવી પશુ પાલકો પગભર થાય અને ગાયોનું અસ્તિત્વ ટકી રહે તે માટે કરાયેલા આ પ્રયાસને જીવદયા પ્રેમીઓ પણ બિરદાવી રહ્યા છે.