Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

એક ચંદુ મુંબઇનો, એક ચિંતુ દિલ્હીનો

 
Source: Kya Swad Hai Jindagi Ka, Paresh J. Shah   |   Last Updated 4:41 AM [IST](22/08/2010)
 
 
 
 
Advertisement
 
ચંદુ આઠ-દસ વર્ષનો ટિપિકલ મહારાષ્ટ્રીયન છોકરો, ઇન્ડિયન એકસપ્રેસ અખબારની કચેરીઓનાં મકાનની ફૂટપાથ પરની ચાની ટપરી પર કામ કરતો હતો. એને ઘ્યાનથી જુઓ તો કોઇ કાળે ગોરો હશે એવું માની લેવામાં કોઇ શક ન થાય. એનું આખું નામ કદાચ ચંદ્રકાંત, ચંદ્રહાસ હશે. કદાચ કશું નામ નહીં હોય ને એને લોકો ચંધો કહીને બોલાવતા તેનું નામ ચંદુ થઇ ગયું હશે. એની મા ચાવાળા મોરારની ટપરીની બાજુમાં રામન્નાની ઇડલી-ઢોસાની લારી પર પ્લેટો ઉપાડવાનું અને ધોવાનું કામ કરતી હતી.

તે આ છોકરાને અઢી વર્ષનો મૂકીને રામન્નાના ઢોસા ઉતારનારા કારીગર સાથે પલાયન થઇ ગઇ ત્યારથી ચંદુનો વસવાટ નરીમાન પોઇન્ટની એ ફૂટપાથ પર હતો. મીઠડો હતો, ભોળો દેખાતો, પણ મહાચતુર હતો. મોઢા પર સતત દયા ઉપજાવતા ભાવ જાળવી રાખવામાં માહેર હતો. ભલભલા એકટરો તેની આગળ આ મામલે ઝાંખા પડી જાય. ગમે તેટલી સૂચના આપો પણ પાણીના ગ્લાસમાં આંગળા બોળીને જ લાવતો. કોઈ ગુસ્સે થઇને એના ગાલ પર સટાક અવાજ કરતી થપ્પડ મારીને ગ્લાસ પાછો લઇ જવાનું કહો તો તરત જ ‘નેકશ્ટ ટૈમ અઇસા નંઇ લાયગા, પન મારો મત’, એમ કહીને એ જ ગ્લાસ પકડાવી જાય અને પેલો માણસ થપ્પડ માર્યાનો ગુનો અનુભવતો એ પાણીમાંથી ઘૂંટડો ભરે, એ તે જુએ પણ ખરો.

એ ગાળો બહુ બોલતો હતો. કદાચ એ પોતાનો આક્રોશ એ રીતે વ્યકત કરતો હતો. જૉ કે મોટું કોઇ આવે એટલે મોં સીવી લઇને ફરી ગરીબડો બની જતો હતો. સ્કૂલમાં જવા માટે એ કહેતો ‘ટૈમ કિસકો હૈ ભેજા ફ્રાય કરને કુ’ પાકિટમાંથી સિગારેટ કાઢનારા સામે ફટ કરતો લાઇટર સળગાવીને ઊભો રહેતો. એનો માલિક મોરાર એને બહુ પ્રેમ કરતો. ચંદુને જૉઇને મોરારને પોતાનું બાળપણ કદાચ યાદ આવતું હતું. મોરારના કહેવા પ્રમાણે પોતે પણ રાજસ્થાનથી પિતાની સાથે ખીસાં વગરની ફાટેલી ચડ્ટી અને ચપ્પલ વગરના પગ લઇને મુંબઇમાં આવ્યો હતો. આજે તેની ચાની હોટેલ અને પાસે ચંદુનાં સ્મરણો છે.

આવો જ એક બીજૉ છોકરો નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ પર ઇન્ડિયા ટુડેની ઓફિસના મકાનની પાછળની ગલીના એક ધાબા પર મળ્યો હતો. ૧૪-૧૫ વર્ષનો ચિંતુ, ચિંટુબાબા બહુ ચોખ્ખો અને સુઘડ અને ફૂટડો હતો. તમે ધાબામાં જઇ બેસો એટલે સાફ હોવા છતાં ટેબલ પર સલૂકાઇથી કપડું ફેરવી જતો. આ માટે તમે એને ટોકો તો કહેતો, ‘કોઇ નંયી સાબ, કોઇ ફરક નંઇ પૈંદા. ડયૂટી તો ડયૂટી હૈ ના.’ તમારી સાથે દોસ્તી થઇ ગયા પછી તમારા બટરપરાઠામાં વધારાનું માખણ મૂકી આપતો. ફિલ્મ એકટર ઋષિ કપૂર એને બહુ ગમતો એટલે તે એના જેવી હેર સ્ટાઇલ કરતો, વારંવાર કાંસકી ભીની કરી વાળ સરખા કરતો અને એના જેવા જાંબલી-ગુલાબી-કેસરી-પીળા રંગનું પેન્ટ અને પ્રિન્ટેડ બુશશર્ટ પહેરતો. અને મોંઢે સતત ચિંટુ-ઋષિ કપૂરના ગીતો ‘બોલાતા’ રહેતાં. પોતાના માનીતા એકટરની ફિલ્મ જૉવા એ દૂર દૂર સુધી બસમાં જતો અને મોડી રાતે ઋષિ કપૂરની ફિલ્મનાં ગીતો-સંવાદો ગાતાં-બોલતાં ચાલતો પાછો આવતો.

આ ધેલછાએ જ તેને ચિંતુ નામ આપ્યું હતું. એને લોકો ચિંટુબાબા કહે તે બહુ જ ગમતું. એવું કહેનારનાં ભાણામાં કાંદા, ફુદીનાની ચટણી અને લીંબુની ચીર વધારે મૂકતો. ધાબાના માલિક કરતારાને પૂછો તો કહેતો કે ‘પતા નંયી સાહબ, છય-સાત સાલ કા થા તબ કહીં સે ભટકતા હુઆ યહાં આ ગયા થા તો હમને ખાને કે વાસ્તે દો રોટ્ટી દી તબ સે યહીં પર રહે લિયા.’ ચિંટુબાબાને ફિલ્મ એકટર થવું હતું, એ માટે તે મુંબઇ જવા માગતો હતો. અમને-મુંબઇવાળાઓને તે સતત મુંબઇ વિશે, ફિલ્મલાઇન વિશે પૂછ્યા કરતો... અને એક દિવસ તે ધાબા પરથી ગાયબ થઇ ગયો. કરતારાને એના વિષે કશી ખબર નહોતી, પણ ધાબા પરના બીજા છોકરાઓના કહેવા પ્રમાણે તે મુંબઇ જતો રહ્યો હતો.

કયાં ગયો હશે આ ચિંટુબાબા? કયાં જતા રહેતા હશે આ નાનકડાં, નિર્દોષતાને ફગાવીને પુખ્ત થઇ ગયેલાં, ચંચળતા ભૂલી ગયેલા અને નાની ઉંમરે પાકટ અનુભવો લઇ ચૂકેલાં બાળકો? અત્યારે તો આ બેઉ યુવાન થઈ ચૂકયા હશે. બન્ને ભણ્યા હોવાની શકયતા નહીંવત્ જ છે. તો શું કરતાં હશે એ બન્ને? કોઈ ઠેકાણે પાઉં-ભાજીની લારી કરીને કમાઈ લેતા હશે? કે કમરમાં બંદુકડી ખોસીને ભાઈગીરી કરતા હશે? કે વ્યસનોના બંદીવાન બનીને જીવન ખતમ કરી ચૂકયા હશે?ખબર નથી. ખબર પડશે પણ નહીં. છતાં, વિકાસ અને ચકાચૌંધના માહોલમાં આવાં બાળકોનું શું થતું હશે એવો ખયાલ કભી કભી મારા દિલ આવી જાય છે.

કયા સ્વાદ હૈ જિંદગી કા!, પરેશ જ. શાહ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.