અખાદ્ય તેલીબિયા પાકોમાં દિવેલા પ્રથમ સ્થાન ધરાવે છે. દવાથી માંડીને વિવિધ બનાવટોમાં તેનો ઉપયોગ થાય છે. તેના તેલની ચિકાસના ગુણને લીધે મશીનોમાં ઉજણ તરીકે, રંગ રસાયણ, સાબુ, શાહી, મીણ, કાગળ, પૂંઠા, રબર, સૌંદર્ય પ્રસાધનના સાધનો વગેરેની બનાવટોમાં ખૂબજ ઉપયોગી છે. આ ઉપરાંત જમીનમાં સેન્દ્રિય ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. દિવેલામાં રહેલા રેસીન નામા કેફી દ્રવ્યોને કારણે તે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી નથી.
જમીન અને આબોહવા : દિવેલાના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડુ અને રેતાળ જમીન માફક આવે છે. ભારે કાળી તથા ક્ષારીય જમીન દિવેલાના પાકને માફક આવતી નથી. જો કે, ઓછીથી મધ્યમ અમ્લીય જમીનમાં આ પાક લઈ શકાય છે. પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોઈ બિનપિયત પાક તરીકે ખેતી કરી શકાય છે. આ પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી.
જમીનની તૈયારી :પસંદ કરેલ જમીનમાં અગાઉ પાકની કાપણી કર્યા બાદ ઉનાળામાં હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઘોડીયા ઈયળ, કાતરા અને લશ્કરી ઈયળના કોશેટા તેમજ સુકારા તથા મૂળના કોહવારાના રોગની ફૂગ બહાર આવવાથી સૂર્યના તાપથી તેનો નાશ થાય છે.
જમીનમાં વિઘા દીઠ ૨થી ૨.૫ ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર આપી એક હળની અને બેથી ત્રણ કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી દિવેલા પાકનું વાવેતર કરવું.
જાતની પસંદગી : દિવેલાના પાકમાં જી.સી.એચ. ૭,૬,૫,૪,૨ અને ૧ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે.
બીજની માવજત : બીજને વાવતા પહેલાં બીજ જન્ય રોગોથી છોડના રક્ષણ માટે ફૂગનાશક દવા થાયરસ કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા કાબેgન્ડાઝીમ ૧ ગ્રામ પ્રમાણે બીજને પટ આપી વાવણી કરવી.
વાવણીનો સમય: બિન પિયત : ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી તુરંત વાવણી કરી દેવી જોઈએ, વાવણી મોડી કરવાથી ઉત્પાદન ઘટે છે.