આજકાલ અનેક પ્રકારનાં બ્રોચીસ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં સારામાં સારી ફિનિશિંગ કરવામાં આવી હોય છે, જે પચાસથી પાંચસો રૂપિયા સુધીમાં મળી રહે છે
એક સાદી સાડીને પણ જો તમે યોગ્ય રીતે પહેરો તો તમારો નિખાર અદ્ભુત રીતે દીપી ઊઠે છે. આ સાડી સાથે તમે જો એસેસરીઝ જોડો તો પછી કહેવું જ શું? સાડી એસેસરીઝમાં આજે અનેક વરાઇટીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. અગાઉ હેવી વર્કવાળી સાડીઓ એટલી ચલણમાં નહોતી અને એટલી પાર્ટીઓ પણ થતી નહોતી. જોકે હવે સ્ટેટસ મેન્ટેન કરવા ને મેચિંગ માટે અનેક પ્રકારની એસેસરીઝનો ઉપયોગ થવા લાગ્યો છે. સાદી સાડીમાં પણ પિન કે બ્રોચનો ઉપયોગ કરો સાડીનું પ્રાધાન્ય વધી જાય છે. પિન અને બ્રોચ અનેક ડિઝાઈન ને મટીરિયલમાં સહેલાઈથી મળે છે.
ડબલ લોકવાળાં બ્રોચીસ
આ બ્રોચ એવી મહિલાઓ માટે અનુકૂળ છે જેમને નાનાં બાળકો હોય. માર્કેટમાં બ્રોચનાં નવાં મોડલ દિનપ્રતિદિન આવતાં રહે છે. હમણાં બજારમાં ડબલ લોકવાળાં બ્રોચીસ પણ મળવાં લાગ્યાં છે. આ બ્રોચીસનો ઉપરનો ભાગ પ્લાસ્ટિકનો હોય છે. આ બ્રોચીસને તમે પિન લગાડીને ડબલ લોક કરી શકો છો. જેથી પિન ખૂલી જવાનો કોઈ ડર રહેતો જ નથી. ખાસ કરીને નાનાં બાળકો જ્યારે સાથે હોય ત્યારે કે તેમને તેડ્યાં હોય ત્યારે પિન ખૂલી જવાનો ડર હંમેશાં રહેતો હોય છે. ડબલ લોકમાં આવો ડર રહેતો નથી.
સિલ્વર રોડિયમ પોલિશ
સિલ્વર રોડિયમ પોલિશવાળાં બ્રોચીસ આજકાલ મહિલાઓ વધારે પસંદ કરે છે. આ બ્રોચીસ ખૂબ રિચ લુક આપે છે અને પાર્ટીવેર પણ લાગે છે. આ સિલ્વર બ્રોચીસ પર હવે થોડું થોડું સ્ટોનનું કામ પણ થવા લાગ્યું છે. હવે ફેશનેબલ મહિલાઓ આ બ્રોચનો સાડીની પિન તરીકે પણ ઉપયોગ કરે છે.
કપડાં પર જાણે તારા અને મોતી!
હવે તો ફેશન એટલી આગળ વધતી જાય છે કે આપણને આશ્ચર્ય થાય. બ્રોચીસ પણ હવે તો કપડાંમાંથી બનવા લાગ્યાં છે. મનગમતા આકારમાં કપડાને કાપવામાં આવે છે અને પછી તેના પર તારા કે મોતી કે સોનાનું વર્ક પણ કરવામાં આવે છે. કપડાંનાં બ્રોચીસનો ફાયદો એ છે કે તે વજનમાં ખૂબ હલકાં હોય છે અને સાડીના મેચિંગ પ્રમાણે સહેલાઈથી મળી રહે છે. જોકે પ્લાસ્ટિકનાં બ્રોચીસ પણ ઘણા બધા રંગ અને શેપમાં મળે છે, પણ તે રોજબરોજના ઉપયોગમાં જ પસંદ કરવામાં આવે છે.