Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Aha! Zindagi
 

અશ્વેત સૂર્ય

 
Source: Jivan Kitab, Nelson Mandela   |   Last Updated 12:35 AM [IST](09/09/2010)
 
 
 
 
 
સામ્રાજ્યવાદનો યુગ ખતમ થઈ રહ્યો હતો. આખી દુનિયામાં સ્વતંત્રતાની લહેર દોડતી હતી. માનવઅધિકાર અને સમાનતાના મુદ્દા પર વિશ્વના ખૂણેખૂણે આંદોલન ચાલતાં હતાં. ભારત આઝાદી માટે સંઘર્ષ કરતું હતું. મોહનદાસ કરમચંદ ગાંધી આખી દુનિયા માટે પ્રેરણાસ્રોત બની ગયા હતા. એમણે જ્યાં પહેલી વાર રંગભેદ વિરુદ્ધ આંદોલન ચલાવેલું તે દક્ષિણ આફ્રિકામાં આંદોલનની ગર્જના ઓર તેજ બની હતી. એનું સુકાન હવે એક અશ્વેત યુવાને સંભાળ્યું હતું. લોકો તેની વાતો ઘ્યાનથી સાંભળવા લાગ્યા હતા.

વિશ્વમંચ પર રંગભેદને ધૃણાની દ્રષ્ટિથી જોવાતો હતો. આ પરિવર્તનનું મોટું શ્રેય આ અશ્વેત નેતાને જ અપાતું હતું. એ અશ્વેત લોકો માટે પયગમ્બર જેવો હતો. એ એવો માણસ હતો, જે કેટલાય લોકોને પ્રાયિશ્ચત્ત કરવાની તક આપતો હતો. તે એવા લોકોને પસ્તાવો કરવાનો મોકો આપતો હતો જેમણે કાળા ગુલામો પર ગુજારેલા લોહિયાળ અત્યાચારોની કોઇ જ સીમા નહોતી. આમ તો આ અમાનવીય અત્યાચારોના કરવૈયાઓને કદી પણ માફ કરી શકાય એમ નહોતા, પણ નેલ્સન મંડેલાએ એમને માફ કર્યા, કેમકે, એમણે કોઇ પ્રકારના ભેદભાવ વગરની દુનિયાનું સપનું જોયું છે.

પહેલું કદમ

નેલ્સન રોહિલ્હાલા મંડેલાનો જન્મ મબાસા નદીની સમાંતરે વિસ્તરેલી ગાઢ હરિયાળી વચ્ચે ૧૯૧૮ની ૧૮ જુલાઈએ થયો હતો. પિતાએ નામ આપ્યું રોહિલ્હાલા, જેનો અર્થ છે, વૃક્ષની ડાળીઓને તોડનાર અથવા વહાલું લાગે તેવું નટખટ બાળક. નેલ્સનના પિતા ગેડલા હેન્રી ગામના મુખી હતા. એમના પરિવારનો આદમી જ મુખી બને તેવી પરંપરા હતી. નેલ્સનના કુટુંબનો સંબંધ એ વિસ્તારના રાજવી કુટુંબ સાથે હતો. યુરોપે આ વિસ્તાર પર અધિકાર કર્યો તે પહેલાં એટલે કે ૧૮મી સદી સુધી આ કુટુંબ આ વિસ્તાર પર શાસન કરતું હતું. બસ, અહીંથી જ રંગભેદ અને અત્યાચારોનો એ દોર શરૂ થાય છે, જે આજે પણ માણસાઇ પર કલંક સમાન છે.

નેલ્સન પિતાની ત્રીજી પત્ની નેક્યુફી નોસકેનીનું પહેલું સંતાન હતા. કુલ મળીને ૧૩ ભાઇઓમાં તેઓ ત્રીજા નંબરે. લોકોને આશા હતી કે કુટુંબની પરંપરા નિભાવતા નેલ્સન શાહી સલાહકાર બનશે. નેલ્સનની માતા મેથડિસ્ટ હતાં એટલે નાનકડા નેલ્સનને મેથડિસ્ટ મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયા. એમના નાનકડા પગ ધર્મના રસ્તા પર ચાલવા માંડયા. માત્ર ૧૨ વર્ષની વયે નેલ્સનના માથેથી પિતાનું છત્ર દૂર થયું. આ એક મોટો ધક્કો હતો પણ જિંદગી ક્યાં કોઇના માટે અટકે છે? નેલ્સને કલાર્કબેરી મિશનરી સ્કૂલમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું.

વિધાર્થી જીવનમાં એમને રોજ કહેવાતું હતું કે તું કામ ન કરી શકે, કારણ કે તું અશ્વેત છે, કાળો છે. એમને રોજ એ વાત ભારપૂર્વક યાદ કરાવાતી કે રસ્તા પર છાતી કાઢીને, ગરદન ઊંચી રાખીને ચાલશે તો જેલમાં જવાનો વારો આવશે. આવો અન્યાયભર્યોઅભિગમ એમનામાં અસંતોષ ભરી રહ્યો હતો. એમની ભીતર એક ક્રાંતિકારી તૈયાર થઇ રહ્યો હતો.
ખાસ અશ્વેતો માટે બનાવાયેલી હેલ્ડટાઉન કોલેજમાંથી તેઓ સ્નાતક થયા.

અહીં જ એમની મુલાકાત ઓલિવર ટોમ્બો સાથે થઇ, જે હવે આખી જિંદગી માટે એમના મિત્ર, સાથી, સહયોગી બની રહેવાના હતા. નેલ્સન મંડેલા અને ઓલિવર ટોમ્બોએ પોતાના રાજકીય વિચારો અને કાર્યોથી ૧૯૪૦ સુધીમાં નામના મેળવી લીધી હતી. કોલેજ સંચાલકોને આ વાતની ખબર પડી એટલે બન્નેને કોલેજમાંથી કાઢી મુકાયા અને કોલેજના પ્રાંગણમાં એમના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો. કોલેજમાંથી હકાલપટ્ટી થઈ પછી નેલ્સન માતા પાસે ટ્રાંસ્કી પાછા આવી ગયા.

ખુલ્લું આકાશ

દીકરાને ક્રાંતિના માર્ગે જતો જોઇને કુટુંબીઓ ચિંતિત હતા અને ઇચ્છતા હતા કે એ હંમેશને માટે એ રસ્તેથી પાછો આવી જાય અને સારી કન્યા શોધી ઝટ એને પરણાવી દેવાય. ઘરમાં લગ્નની તૈયારી જોરશોરથી ચાલતી હતા અને આ તરફ નેલ્સનનું મન અશાંત હતું. સમગ્ર અશ્વેત સમાજ માટે કશુંક કરવા અંગત જીવનનો ભોગ આપવાનો તેમણે નિર્ણય કરી લીધો. તેઓ ઘરેથી ભાગ્યા અને જોહાનિસબર્ગ પહોંચી ગયા. પોતાના સમાજ માટે લડવાની ઉત્કટ ઇરછા સાથે આ યુવાન જોહાનિસબર્ગની સડકો પર પરદેશી પંખીની જેમ રખડતો હતો.

ગુજારો કરવા નેલ્સને સોનાની ખાણમાં ચોકીદારની નોકરી સ્વીકારી. ત્યારે કોને ખબર હતી કે દેશનો ભાવિ પ્રમુખ ખાણ બહાર ચોકીદાર બનીને બેઠો છે? જોહાનિસબર્ગનો એલેકઝાન્ડ્રા વિસ્તાર એમનું ઠેકાણું બની ગયું. નેલ્સને પોતાની માતા સાથે જોહાનિસબર્ગમાં જ વસી જવાનો વિચાર કર્યો. અહીં જ એમની મુલાકાત વોલ્ટર સિસુબૂ અને વોલ્ટર એલ્બર્ટાઇન સાથે થઇ. આ બેએ નેલ્સનના રાજકીય જીવનને ખૂબ પ્રભાવિત કર્યું. જિંદગી પોતાની ગતિથી આગળ વધતી હતી. જીવન ચલાવવા નેલ્સને એક કાનૂની ફર્મમાં લહિયા તરીકે નોકરી લઇ લીધી.

જોકે, ખરેખર તો તેઓ સતત પોતાની જાત સાથે લડી રહ્યા હતા. પોતાના લોકો સાથે માત્ર એટલા માટે ભેદભાવ થઇ રહ્યો હતો કે પ્રકૃતિએ એમની ચામડીને અલગ રંગ આપ્યો હતો. આ શૂળ એમને હૃદયમાં સતત ભોંકાયા કરતું હતું. એમને માન જોઇતું હતું પણ એમને સતત અપમાનિત કરાતા હતા. એમને રોજ કેટલીય વાર યાદ કરાવવામાં આવતું હતું કે પોતે એક અશ્વેત છે... અને એ દેશમાં અશ્વેત હોવું એ અપરાધથી ઓછું નહોતું.

દરમિયાન ૧૯૪૪માં નેલ્સનની જિંદગીમાં ઇવલિન મેસ આવી અને બન્ને બહુ જલદી લગ્નના બંધનમાં બંધાઇ ગયાં. ઇવલિન એમના સહયોગી અને મિત્ર વોલ્ટર સિસુલૂની બહેન હતી. પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા અને એમને ન્યાય અપાવવા તેઓ આ દિવસોમાં જ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)માં જોડાઇ ગયાં. ટૂંક સમયમાં જ એમણે ટામ્બો, સિસુલૂ અને કેટલાક સાથીઓના સહકારથી આફ્રિકન નેશનલ કોંગ્રેસ યૂથ લીગની રચના કરી. ૧૯૪૭માં નેલ્સન આ સંસ્થાના મંત્રી ચૂંટાયા.

પોતાના લોકો માટે

નેલ્સનની વિચારસરણી અને કામ કરવાની ક્ષમતાથી લોકો પ્રભાવિત થવા લાગ્યા. એક મહાન નેતા ધીરેધીરે ઊપસી રહ્યો હતો. દરમિયાન કાનૂનની બહેતર જાણકારી માટે એમણે કાનૂની અભ્યાસ શરૂ કર્યો, પણ કામકાજમાં ખૂંપેલા રહેવાને કારણે તેઓ એલએલ.બી.ની પરીક્ષામાં પાસ ન થયા. એ પછી એમણે એટર્ની તરીકે કામ કરવા માટે જરૂરી પરીક્ષા પાસ કરવાનો નિર્ણય કર્યો. એ જ અરસામાં એઐનસીની ચૂંટણીમાં આકરા પરાજયનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના અઘ્યક્ષને હોદ્દા પરથી દૂર કરી કોઇ નવા અઘ્યક્ષને લાવવાની માગણી જોર પકડવા લાગી. યૂથ કોંગ્રેસના વિચારો અપનાવી મુખ્ય પક્ષને આગળ વધારવાનો વિચાર રજૂ થયો. વોલ્ટર સિસુલૂએ એક સ્ટ્રેટેજી ઘડી, જેનો એએનસીએ સ્વીકાર કર્યો.

૧૯૫૧માં નેલ્સનને યૂથ કોંગ્રેસના અઘ્યક્ષ ચૂંટવામાં આવ્યા. પોતાના લોકોની કાનૂની લડાઇ લડવા નેલ્સને ૧૯૫૨માં એક લીગલ ફર્મની સ્થાપના કરી. આ એ સમય હતો, જયારે આખી દુનિયા મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઇ ચૂકી હતી. નેલ્સન પણ એમાંના એક હતા. વૈચારિકરૂપે ગાંધીજીની નજીક હોવાનું તેઓ અનુભવતા હતા અને એ પ્રભાવ એમના દ્વારા ચલાવતાં આંદોલન પર સ્પષ્ટ રીતે દેખાતો હતો. થોડાક જ સમયમાં એમની ફર્મ અશ્વેતો દ્વારા ચલાવાતી દેશની પહેલી ફર્મ બની ગઇ.

જોકે, નેલ્સન માટે વકીલાતનો વ્યવસાય અને રાજનીતિ, બન્નેને એકસાથે ચલાવવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું જતું હતું. દરમિયાન એમને ટ્રાન્સવાલ કોંગ્રેસના અઘ્યક્ષ બનાવી દેવાયા. જવાબદારીઓ વધતી જતી હતી. સરકારને નેલ્સનની વધતી લોકપ્રિયતા ખૂંચી રહી હતી. નેલ્સન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. વર્ગભેદના આરોપસર એમને જોહાનિસબર્ગની બહાર ધકેલી દેવાયા અને એમના પર કોઇપણ જાહેર કે ખાનગી બેઠકમાં ભાગ લેવા પર પાબંધી મૂકી દેવામાં આવી.

આફ્રિકન નેશનલ કોંગ્રેસનું ભાવિ દાવ પર મુકાઇ ગયું હતું. સરકારના દમનચક્રથી બચવા નેલ્સન અને ટોમ્બે પ્લાન-‘ઐમ’ બનાવ્યો. અહીં ‘એમ’ એટલે મંડેલા. કોંગ્રેસને બે ટુકડામાં વિભાજિત કરીને તથા જરૂર પડે તો ભૂગર્ભમાં રહીને કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પ્રતિબંધ છતાં નેલ્સન ભાગીને કિલપટાઉન પહોંચી ગયા અને પીપલ્સ કોંગ્રેસના કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યા. અશ્વેતોની સ્વતંત્રતા માટે આકરો સંઘર્ષ કરી રહેલાં બધાં જ સંગઠનો સાથે એમણે લોકોની ભીડમાં છુપાઇને કામ કર્યું.

આ સમયગાળા દરમિયાન એમને આમજનતા સાથે વધુ ને વધુ સમય ગાળવાનો મોકો મળ્યો અને જનમાનસ અંગેની એમની સમજ વિકસતી ગઈ. અશ્વેતોના અધિકારો માટે ચલાવતાં આંદોલનોમાં એમની સક્રિયતા ક્રમશ: વધતી જ ગઇ. આંદોલનમાં વધુ વ્યસ્ત રહેવાને કારણે તેઓ પોતાના કુટુંબને સમય આપી જ નહોતા શકતા. પત્ની એલ્વિન સાથેનું અંતર વધતું ગયું અને એક સમય એવો આવ્યો, જયારે એલ્વિને એમનો સાથ કાયમને માટે છોડી દીધો. નેલ્સન માટે વ્યક્તિગત રીતે આ ખૂબ પીડાદાયી હતું, પરંતુ એમની સામે અનેક લક્ષ્યો હતાં જે અંગત જીવનની વેદનાઓ કરતાં અનેકગણાં મોટાં હતાં.

આશાનું કિરણ

તેઓ પોતાના લોકો માટે એક આશાનું કિરણ બનીને આવ્યા હતા અને પોતાના અંગત સ્વાર્થ માટે એમની આશાઓને મરવા દેવા માગતા નહોતા. આંદોલન જ નેલ્સનનું જીવનસાથી બની ગયું. નેલ્સનના નેતૃત્વમાં આંદોલનની તીવ્રતા વધતી જતી હતી. સરકાર ખાસ્સી ગભરાઇ ઊઠી હતી. આ દરમિયાન એએનસી દ્વારા એવું કશુંક બન્યું કે ધ્રૂજી ઊઠેલી સરકારનો સંયમ તૂટી ગયો.

આખા દેશમાં બેફામ ધરપકડનો દોર શરૂ થયો. એએનસીના અઘ્યક્ષ અને નેલ્સનની સાથે દેશને રંગભેદી શાસનથી મુક્ત કરવા જોરદાર આંદોલન ચલાવી રહેલા કુલ ૧૫૬ નેતાઓને ગિરફતાર કરી લેવાયા. હવે આંદોલન નેતૃત્વ વગરનું થઇ ગયું. નેલ્સન અને સાથીઓ પર દેશ સામે યુદ્ધે ચડવા અને દેશદ્રોહના આરોપ લગાડવામાં આવ્યા. આ અપરાધની સજા મૃત્યુદંડ હતી. બધા નેતાઓ સામે કેસ ચલાવાયો અને નેલ્સન તેમ જ ૨૯ સાથીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી દેવાયા.

આ ખટલા દરમિયાન નેલ્સનની મુલાકાત નોમજામો વિની મેડીકિજાલા સાથે થઇ, જે બહુ જલદી એમની બીજી જીવનસંગિની બનવાની હતી. સરકારનું દમનરાજ એએનસી અને નેલ્સનનો જનાધાર વધારતું હતું. વધુને વધુ લોકો જોડાવા લાગ્યા હતા અને આંદોલન રોજબરોજ મજબૂત બનતું જતું હતું. રંગભેદી સરકાર આંદોલન તોડવા તમામ સંભવિત પ્રયાસ કરતી હતી. દરમિયાન કેટલાક એવા કાયદા પસાર કરવામાં આવ્યા, જે અશ્વેતોને બિલકુલ અસ્વીકાર્ય હતા. નેલ્સને આ કાયદા સામે દેખાવો કર્યા.

આવા એક દેખાવમાં શાર્પવિલે શહેરમાં દક્ષિણ આફ્રિકી પોલીસે દેખાવકારો પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ૧૮૦ નિર્દોષનાં મરણ થયાં અને ૬૯ ઘાયલ થયા. દરેક દેશને પોતાનો જલિયાંવાલા કાંડ હોય છે. શાર્પવિલે દક્ષિણ આફ્રિકાનું જલિયાંવાલા બની ગયું. આવી ઘટનાઓ અને સરકારના અત્યંત ક્રૂર દમનચક્રે નેલ્સનના અહિંસા પરના વિશ્વાસને ડગાવી દીધો. રંગભેદી સરકાર બધી સીમા પાર કરતી જતી હતી. એએનસી અને બીજાં મુખ્ય જૂથોએ હથિયારોથી જ જડબાંતોડ જવાબ આપવાનો નિર્ણય કર્યો.

બધાએ પોતપોતાનાં લડાયક દળો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી. નેલ્સન પોતાનો મૌલિક રસ્તો છોડી બીજા જ રસ્તે નીકળી પડયા, જેનો એમના સિદ્ધાંત સાથે મેળ નહોતો ખાતો. એએનસીના લડાયક દળનું નામ રખાયું - સ્ફિયર ઓફ ધ નેશન. નેલ્સનને આ નવા જૂથના અઘ્યક્ષ બનાવી દેવાયા. રસ્તો ભલે નવો હતો, મંજિલ એ જ હતી - પોતાના લોકો માટે ન્યાય અને સન્માન. આ પગલાએ રહીસહી કસર પૂરી કરી નાખી. રંગભેદી સરકારે નેલ્સનના દળ પર પ્રતિબંધ ઠોકી દીધો. જુલમીઓ પૂરી તાકાતથી અશ્વેતો પર તૂટી પડયા. હચમચી ઊઠેલી સરકાર લેશમાત્ર ઢીલ નહોતી મૂકતી. આખી દુનિયામાં આવા કામ બદલ સરકારની આકરી ટીકા થઈ રહી હતી. માનવઅધિકાર સંગઠનો રંગભેદી સરકારની આ હેવાનિયત તરફ દુનિયાનું ઘ્યાન વધુ ને વધુ ખેંચતાં હતાં.

નેલ્સન અધિકારપૂર્વક વૈશ્વિક નેતા તરીકે ઊપસી રહ્યા હતા. સરકારનું બધું ઘ્યાન અને સંપૂર્ણ શક્તિ નેલ્સનની ધરપકડ કરી સંગઠનને ખતમ કરવા તરફ હતાં. આ અત્યાચારથી બચવા નેલ્સનને ચોરીછૂપીથી દેશબહાર મોકલી દેવાયા, જેથી તેઓ સ્વતંત્ર રહીને પોતાના લોકોનું નેતૃત્વ સંભાળી શકે. દેશની બહાર આવતાં જ સૌથી પહેલા એમણે એડિસ અબાબામાં આફ્રિકી નેશનલિસ્ટ લીડર્સ કોન્ફરન્સને સંબોધી અને બહેતર જીવનના પોતાના મૂળભૂત અધિકારની માગણી કરી. ત્યાંથી તેઓ અલ્જીરિયા જતા રહ્યા.

ત્યાં એમણે લડવાની ગેરિલા ટેક્નિકની ઊંડી સમજ મેળવી. એ પછી એમણે લંડનનો રસ્તો પકડયો. ત્યાં ઓલિવર ટોમ્બો એમને પાછા મળ્યા. લંડનમાં વિપક્ષી દળો સાથે ચર્ચા-વિચારણા કરી. આ ઉપરાંત પોતાની વાત આખી દુનિયાને સમજાવવાની કોશિશ કરી. એ પછી તેઓ પાછા દક્ષિણ આફ્રિકા પહોંરયા. ત્યાંની સરકાર એમના ‘સ્વાગત’ માટે એકદમ તૈયાર હતી અને દેશમાં પગ મૂકતાં જ એમની ધરપકડ કરવામાં આવી.

સપનાંને શક્તિ મળી

નેલ્સનને પૂરાં પાંચ વર્ષની કેદ થઈ. આરોપ એ હતો કે તેઓ ગેરકાયદે દેશની બહાર ગયેલા. સરકાર હજી પણ એમને કોઇ ક્રાંતિના આગેવાન માનવા તૈયાર નહોતી. એક માણસે આટલી પ્રચંડ તાકાતવાળી સરકારને ડરાવી દીધી હતી. એવામાં જોહાનિસબર્ગના લીલી સલિફમાં એમકેના વડા મથક પર ત્રાટકી એને છિન્નાભિન્ના કરી નાખ્યું. એમકેના બધા મોટા નેતાઓને પકડી લેવાયા. નેલ્સન સહિત બધા આગેવાનો પર દેશ સામે લડવાનો આરોપ મુકાયો. નેલ્સન અને બીજા પાંચ નેતાને જન્મટીપ થઇ.

આમજનતાથી દૂર રાખવા એમને રોબન ટાપુ પર મોકલી દેવાયા. ત્યાં મોકલી દેવા એનો મતલબ થયો કે કાળાપાણીની સજા. જેલમાં જતાં પહેલાં અદાલત સમક્ષના પોતાના નિવેદનમાં નેલ્સને કહ્યું, ‘આફ્રિકી લોકોને ન્યાય અપાવવા માટેના સંઘર્ષમાં મેં મારું જીવન, મારું સર્વસ્વ હોમી દીધું છે. હું શ્વેત રંગભેદ સામે લડ્યો છું અને હું અશ્વેત રંગભેદ સામે પણ લડ્યો છું. મેં હંમેશાં એક મુક્ત અને લોકતાંત્રિક સમાજનું સપનું જોયું છે, જ્યાં સૌ પૂરા પ્રેમ અને સન્માનથી રહે, જ્યાં સૌને આગળ વધવા માટે એકસમાન તક મળે. આ જ આદર્શ મારા માટે જીવનની આશા બન્યો છે અને હું એ પ્રાપ્ત કરવા માટે જ જીવું છું. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મરવાનું હોય તો હું એ માટે પૂરેપૂરો તૈયાર છું.’ અદાલતમાં હાજર દરેક માણસ નેલ્સનની વાતનું સમર્થન કરતો હતો. આ શબ્દોએ દક્ષિણ આફ્રિકાના આંદોલનને નવી શક્તિ આપી.

૧૯૭૬માં પોલીસ ખાતાના પ્રધાન જિમ ક્રુગર નેલ્સન પાસે સરકાર તરફથી એક દરખાસ્ત લઇને આવ્યા કે જો તેઓ આંદોલન સમાપ્ત કરી દે તો સરકાર એમને મુક્ત કરીને ટ્રાંસ્કીમાં રહેવાની રજા આપી દેશે. એક આગિયો સૂર્યને પ્રકાશનું દાન કરવાની ચેષ્ટા કરતો હતો. નેલ્સને સ્પષ્ટ ભાષામાં તરત ઇનકાર કરી દીધો.

રંગભેદી સરકાર પર આખી દુનિયામાંથી દબાણ વધતું જતું હતું. આ દબાણનો પ્રભાવ દેખાયો તથા નેલ્સન અને સિસુલૂને રોબન ટાપુ પરથી આફ્રિકા લાવી કેપટાઉન પાસે પોલ્સમૂર જેલમાં રાખવામાં આવ્યા. આ નેલ્સનના નેતૃત્વનોે વિજય હતો. પોતાના પ્રભાવથી સરકારને ઝુકાવવામાં તેઓ સફળ થયા. દરમિયાન એમની તબિયત બગડી. સરકારે કટોકટી જાહેર કરી દીધી. નેલ્સનને તત્કાળ હોસ્પિટલમાં લઇ જવાયા. પ્રોસ્ટેડ ગ્લેન્ડનું સફળ ઓપરેશન થયું. આ ઘટના પછી સરકાર નેલ્સન તરફ થોડી નરમ થઇ.

ડૂબતો સૂરજ અને લોકસંગીત

કાયદાપ્રધાન કોબી કોએત્જીએ એમને અનુરોધ કર્યો કે આઝાદી પ્રાપ્ત કરવાના લક્ષ્ય માટે તેઓ હિંસાના રસ્તાનો ત્યાગ કરે. જોકે, નેલ્સને એનો ફરીથી ભારપૂર્વક ઈનકાર કરી દીધો એ છતાં, સરકારે એમની સાથે નરમાશ ભર્યો વ્યવહાર કર્યો. કુટુંબને મળવાની એમને છૂટ અપાઇ. તેઓ હવે એક જેલ વોર્ડન સાથે કેપટાઉન ફરવા જઈ શકતા હતા. ઘણા લાંબા સમય પછી નેલ્સનને બહારથી ખુલ્લી હવામાં શ્વાસ લેવાની તક મળી. આ પ્રેમાળ વ્યક્તિએ ડૂબતા સૂરજનું સૌંદર્ય જોવાની અને મનગમતું લોકસંગીત સાંભળવાની ઇચ્છા પૂરી કરવા કેટલી લાંબી પ્રતીક્ષા કરી હતી!

એક મુલાકાતમાં નેલ્સને સ્વીકારેલું કે એમણે પોતાના જીવનમાં આ બે ચીજની કમી ખૂબ અનુભવેલી, પણ લક્ષ્ય એથી ઘણું મોટું હતું. ૧૯૮૩માં મોત ફરી એકવાર નેલ્સનની નજીક પહોંચી ગયું. તપાસમાં ખબર પડી કે એમને ટીબી થયો છે. સારવાર માટે બહેતર જગ્યાની જરૂર હતી. એમને પાર્લ નજીક વિકટર વેસ્ટર જેલમાં ખસેડવામાં આવ્યા. જિંદગી હાથમાંથી સરકી રહી હતી.

સંઘર્ષ ચરમસીમા પર પહોંચી રહ્યો હતો અને છેવટે રંગભેદી શાસનના દિવસો ઢળતા દેખાવા લાગ્યા. ૧૯૮૯માં દક્ષિણ આફ્રિકામાં સત્તાપરિવર્તન થયું અને ઉદારમતવાદી એફ.ડબ્લ્યુ. કલાર્ક દેશના પ્રમુખ થયા. સત્તા સંભાળતાં જ એમણે તમામ અશ્વેત સંગઠનો પરનો પ્રતિબંધ હટાવી દીધો, જેમની સામે કોઇ ફોજદારી ગુનો નહોતો એવા બધા રાજકીય કેદીઓને આઝાદ કરી દીધા. નેલ્સન પણ એમનામાંના એક હતા. જીવનના સંઘ્યાકાળે આઝાદીનો સૂર્ય નેલ્સનનું જીવન પ્રકાશિત કરી રહ્યો હતો. છેવટે ૧૯૯૦ની ૧૧ ફેબ્રુઆરીએ નેલ્સનને સંપૂર્ણપણે આઝાદ કરી દેવાયા.

અન્યાયથી આઝાદી ભણી...

અશ્વેતોને એમના અધિકારો અપાવવા માટે ૧૯૯૧માં કન્વેન્શન ફોર અ ડેમોક્રેટિક સાઉથ આફ્રિકાની રચના થઇ. તેનું કામ દેશના બંધારણમાં જરૂરી ફેરફારો કરવાનું હતું. ડી. કલાર્ક અને મંડેલાએ આ કામમાં પોતાની સરખી ભાગીદારી નિભાવી. એમના આ ઉત્કૃષ્ટ કાર્ય માટે જ બન્નેને ૧૯૯૩માં સંયુકત રીતે નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. પછીના જ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રંગભેદરહિત ચૂંટણી થઈ. આફ્રિકન નેશનલ કોંગ્રેસે બધાને પછાડી ૬૨ ટકા મત કબજે કરી લીધા.

૧૯૯૪ની ૧૦ મેએ દક્ષિણ આફ્રિકા માટે સુવર્ણ અવસર આવી પહોંરયો. નેલ્સન મંડેલાએ પોતાની જનતાને સંબોધતાં કહ્યું: ‘છેવટે આપણે આપણું રાજકીય લક્ષ્ય સિદ્ધ કરી જ લીધું. આપણે આપણી જાતને વચન આપીએ કે આપણા સૌ લોકોને ગરીબી, મુશ્કેલીઓ, તકલીફો, લિંગભેદ અને તમામ પ્રકારનાં શોષણથી આઝાદી આપીશું. આ ખૂબસૂરત ધરતી પર કયારેય કોઈની સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ નહીં થાય. સ્વતંત્રતાને માણો... ઇશ્વર આફ્રિકા પર પોતાની કૃપા કાયમ રાખે.’

દક્ષિણ આફ્રિકામાંના બહુમતી અશ્વેતોનું પ્રતિનિધિત્વ કરતી એ સરકારને કારણે દેશના શ્વેત લોકોના મનમાં જે ડર પેદા થયો હતો એ મંડેલાના આ પ્રવચનથી નીકળી ગયો. આ જ શ્વેત લોકોએ યુગોથી અહીં અશ્વેતો પર બર્બરતાની પરાકાષ્ઠા સમાન અત્યાચારો કર્યા હતા.

૧૯૯૭માં મંડેલાએ સક્રિય રાજકારણને અલવિદા કરી દીધી અને ૧૯૯૯માં તો એમણે પક્ષનું અઘ્યક્ષપદ પણ છોડી દીધું. વિની મંડેલા સાથે છૂટાછેડા લીધા પછી ૮૦મી વર્ષગાંઠના દિને ગ્રેસ મેકલ સાથે લગ્ન કર્યા. નેલ્સને આઝાદીના જંગમાં પોતાનું ૧૦૦ ટકા સમર્પણ કર્યું. લોકો માને છે કે નેલ્સન હવે નિવૃત્ત થઇ ગયા, પરંતુ તેઓ પોતે એવું નથી માનતા. એમણે કહ્યું છે, ‘મેં એક સપનું જોયું છે, એક નવી દુનિયાનું, જ્યાં બધાને માટે ન્યાય હોય, શાંતિ હોય, રોજગાર હોય, ભોજન હોય અને પાણી હોય. એવી દુનિયા જ્યાં આપણે બધાના આત્મા, શરીર અને મગજને સમજી શકીએ અને એકમેકની જરૂરિયાતો પૂરી કરી શકીએ. આવી દુનિયા બનાવવા માટે હજી માઇલોના માઈલો ચાલવાનું બાકી છે. આપણે હજી ચાલવાનું છે, ચાલતા જ રહેવાનું છે...’

રજૂઆત : આલોક આનંદ

આધાર સંદર્ભ : વિવિધ ફિચર / લેખ / વિશ્લેષણ અને સંદર્ભકોશ

જીવન-કિતાબ, નેલ્સન મંડેલા
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.