ખેતરમાં ઊભા પાકને વન્યજીવો દ્વારા થતા નુકસાનને લીધે ખેડુતોની હાલત કફોડી બની છે ત્યારે ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા (ઐઠોર)ના પ્રયોગશીલ બાગાયતી ખેડુતે પોતાની આગવી શ્વાનસેના તૈયાર કરીને કૃષિપાકોને રક્ષણ પુરૂ પાડ્યું છે. આ ખેડુતે જીવદયાના હેતુ માટે પાંચ વર્ષ પહેલા પોતાના ખેતરે આઠ થી દસ કુતરાઓને નિયમિત ભોજન આપવાની શરૂઆત કરી હતી. આજે આ કુતરાઓની ટીમ આ ખેડુતના ખેતરનું દિવસ-રાત રક્ષણ કરીને પોતાની વફાદારી અદા કરી રહ્યા છે.
કુતરાને માનવ માટે સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવતો હોવાથી લોકો પોતાના ઘરની ચોકી માટે કુતરાઓનો સહારો લેતા હોય છે. જોકે, ઐઠોર પાસે આવેલ લક્ષ્મીપુરા ગામાના ખેડુત પ્રહલાદભાઇ પટેલે પોતાના ખેતરની રક્ષા માટે અનોખી શ્વાનસેના તૈયાર કરીને અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પાંચેક વર્ષ પહેલા માત્ર એક વિઘાના ખેતરમાં વિવિધ પ્રયોગોના આધારે પ્રહલાદભાઇએ ચંદન અને દાડમની ખેતી કરવાની શરૂઆત કરી હતી. જોકે, નાનકડા એવા આ ખેતરમાં નિલગાય, ભૂંડ, ગાયો, વાંદરા સહિતના વન્યજીવોનો સતત ઉપદ્રવ રહેતો હતો.
આ દરમિયાન જીવદયાના હેતુ સાથે તેઓએ પોતાના ખેતરે કુતરાઓને નિયમિત રીતે ખવડાવવાનો નિત્યક્રમ બનાવ્યો હતો. સતત પાંચ વર્ષથી ચાલતા આ નિત્યક્રમની અસરથી હાલ આઠ થી દસ કુતરાઓની ટીમે પ્રહલાદભાઇના ખેતરને જ પોતાનું નિવાસ્થાન બનાવી લીધુ છે. આથી કોઇ વન્યપ્રાણી આ ખેતરમાં પ્રવેશે તો ખેડુતની શ્વાનસેના દોટ મુકીને તેને ભગાડે છે. આ શ્વાનસેનાને નિયમિત ભોજન પુરૂ પાડવા માટે પ્રહલાદભાઇ લોકોના ઘરે જઇને વધેલો ખોરાક ઉઘરાવીને પણ પોતાનો નિત્યક્રમ પુરો કરે છે.