ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરનાર પશાભાઇ કહે છે ખેતીમાં કાળી મજૂરીના દિવસો હવે ગયા
એક વીઘા જમીનમાં પાકનું વાવેતર કરવામાં પરંપરાગત સિંચાઇ પધ્ધતિથી ૫ હજારથી પણ વધુ ખર્ચ આવે છે. આ ઉપરાંત પિયત બાંધવાનો અને પાણી વાળવાની મજુરી અલગ. પરંતુ વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામના ખેડૂત પશાભાઇ પટેલે ભાગીદારીમાં બોર હોવા છતાં પાંચ વર્ષ પહેલાં ટપક સિંચાઇપધ્ધતિ અપનાવી હતી અને આજે તે ફક્ત ૪૦૦ રૂપિયાના સિંચાઇ ખર્ચમાં એક વીઘો જમીનમાંથી પાક પકવે છે. ટપક પધ્ધતિ અપનાવનાર પશાભાઇ પટેલ માને છે કે ખેતરમાં કાળી મજુરી કરવાના દિવસો હવે રહ્યા નથી. છેલ્લા પાંચ વર્ષથી તેમને પાવડાઓને તિલાંજલી આપી દીધી છે અને ટપક સિંચાઇ પધ્ધતિના કારણે આજે તેમના ઉત્પાદનમાં અગાઉ કરતાં સવાગણો વધારો પણ થયો છે.
વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામના પરષોત્તમભાઇ શીવરામભાઇ પટેલ વર્ષોથી ખેતી કરે છે. ગામની સીમમાં તેમની ૧૮ વીઘા જમીન છે અને ભાગીદારીમાં આ જમીનમાં સિંચાઇ માટે ટ્યુબવેલ બનાવેલ છે. આજથી પાંચ વર્ષ પૂર્વે ઊંઝા ખાતેના કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છોડને પાણીની નહી ભેજની જરૂર હોવાની વાત તેમને સ્પર્શી ગઇ. ટ્યુબવેલમાં અપૂરતા પાણીને કારણે બધા ખેતરમાં વાવણી થઇ શકતી ન હતી. આથી તેમને પાંચ વર્ષ પૂર્વે તેમને તેમની બધી જ જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી. પરષોત્તમભાઇએ ખેતીમાં અખતરા કરતાં ઘઉ, રાયડો, ડુંગળી જેવા પાકોમાં પણ ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કર્યો. અને તેમાં સફળતા પણ મળી છે.
ટપક સિંચાઇને કારણે આજે ખેતીમાં મજુરી રહી નથી. છેલ્લા પાંચ વર્ષથી મે પાવડાઓને તિલાંજલી આપી દીધી છે. અગાઉ ખેતી કરવાનો રસ ન હતો પરંતુ હવે ખેતી કરવાનો રસ જાગ્યો છે અને એક ઉદ્યોગપતિ હોય તેવું લાગે છે. આજથી પાંચ વર્ષ પૂર્વે તેમને વાર્ષિક ૭૦ હજાર રૂપિયા જેટલું પિયત બિલ બનતું હતું. જેમાં બધી ખેતી થઇ શકતી ન હતી. પરંતુ આજે વાર્ષિક માત્ર ૩૦ હજાર રૂપિયાના ખર્ચે જ બધી જમીનમાં પિયત થાય છે. પરષોત્તમભાઇએ ૪૦૦ પિયતનો ખર્ચ કરી એક વીઘામાંથી ૬૦ મણ ઘઉનો ઉતારો લીધો હતો જે માટે તેમનું સન્માન પણ કરાયું હતું.
વળી ટપક સિંચાઇ પધ્ધતિને કારણે ખેતીમાં પિયત બાંધવાનો, પાણી વાળવાનો, દવા-ખાતર નાંખવાની અને નિંદામણની મજુરી પણ બચે છે. પરષોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે જે રીતે ખેડૂતો ભેગા થઇને ટ્યુબવેલ બનાવે છે તેવી રીતે સામૂહિક રીતે ટપક સિંચાઇ માટે પહેલ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે આજે નહી તો કાલે ટપક સિંચાઇ પધ્ધતિ જ એક માત્ર વિકલ્પ છે.