રાજકોટમાં સવાર-બપોર દોડતી સ્કૂલ બસો અને વેન તેમ જ રિક્ષાઓ આરટીઓ અને પોલીસના કાયદાના કાર્યક્ષેત્રની બહાર હોય તેવા દ્રશ્યો દરરોજ જોવા તો મળે જ છે પરંતુ આ વાહનો એટલી બેફામ રીતે દોડે છે કે તેને લીધે થતા નાના-મોટા એક્સિડન્ટનું પ્રમાણ પણ વધી ગયું છે. રાજકોટમાં આજે બપોરે સનસાઇન સ્કૂલની બસે એક સ્કૂટર ચાલકને અને જિનિયસ સ્કૂલની બસના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી, જેમાંનો એક બનાવ પોલીસ ચોપડે પણ નોંધાયો છે.
બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં કિસાનપરા ચોક નજીક જિનિયસ સ્કૂલ લખેલી પીળા રંગની એક બસે ત્યારે પણ બ્રેક મારવાનું તેના ચાલકને યોગ્ય જણાયું નહીં હોય તેથી સામેથી આવી રહેલી રિક્ષાને તેણે હડફેટે લઇ લીધી હતી. આ બનાવ સત્તાવાર રીતે નોંધાયો નથી.
બપોરે અઢી વાગ્યે એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટી પાસે સનસાઇન સ્કૂલ લખેલી જી. જે ૩એટી ૬૧૨૩ નંબરની પીળા રંગની બસ શેરીમાંથી ગતિશીલ રીતે આવી હતી અને જી. જે ૩ડીસી ૪૦૧૪ નંબરના એક્ટિવાના ચાલકને હડફેટે લીધા હતા. આ સમયે ત્યાં લોકો પણ એકઠાં થઇ ગયાં હતાં. બે કલાકની રકઝકના અંતે ગાંધીગ્રામ પોલીસને બોલાવાઇ હતી. સ્કૂટર ચાલકને પગમાં ઇજા થઇ હતી.
સ્કૂલ વેનના દરવાજા ખુલ્લા -
શાળા સંચાલકો કે વાહન ચાલકો ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને ભરે છે તેથી તેમને ઘરે પહોંચાડવા માટે, બીજી શિફ્ટ માટે ઝડપથી જતા હોય છે તેમની સવારની ઝડપ તો અત્યંત જોખમી હોય છે. વેનના બારણા પણ ખુલ્લા રખાય છે અને વીસ-બાવીસ વિદ્યાર્થીઓને લઇને રેસ કારની જેમ વેન-રિક્ષા જતા હોય છે ત્યારે સ્કૂલ સંચાલકો તેમજ વાલીઓની જાગૃતિ મહત્વની છે.