પોરબંદરની એક મહેર મહિલાને ખોટી રીતે માર મારવા અંગે જબરો વિવાદ થયો હતો. ન્યાય મેળવવા માટે આ મહેર મહિલાએ ગઈકાલથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. તેમના સમર્થનમાં આજે મહેર હિતરક્ષક સમિતિએ પોલીસને સદબુધ્ધી માટે યજ્ઞનું આયોજન કર્યું હતું, તો આવતીકાલે તા. ૧૧ મી ફેબ્રુઆરીના રોજ રામધુનના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત આપવાની ચિમકી મહેર હિતરક્ષક સમિતિએ ઉચ્ચારી હતી.
પોરબંદરના વસુંધરા કોમ્પ્લેક્ષમાં રહેતી લીલુબેન નરેન્દ્રભાઈ ભુતિયા નામની મહેર મહિલાને આજથી ચાર માસ પૂર્વે પોલીસે ખોટી રીતે માર મારી પરેશાન કરી હતી. આ બાબતે મહેર મહિલાએ જવાબદાર પોલીસકર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવાની માંગણી ઉચ્ચ કક્ષાએ કરી હતી.
તેમ છતાં તેમની આ માંગણી નહીં સંતોષાતા ગઈકાલથી લીલુબેન ભુતિયાએ જુના કોર્ટ કમ્પાઉન્ડ બિલ્ડીંગમાં આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. આ મહેર મહિલાના સમર્થનમાં મહેર હિત રક્ષક સમિતિના પ્રમુખ દિલીપભાઈ મોઢવાડિયાની આગેવાની હેઠળ આજે પોલીસને સદબુધ્ધી મળે તે માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવતીકાલે તા. ૧૧ મી ફેબ્રુઆરીના રોજ રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવશે. દિલીપભાઇ મોઢવાડિયાના જણાવ્યા અનુસાર જ્યાં સુધી લીલુબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રાખવામાં આવશે.