જ્યારે કોઈપણ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ જતો હોય છે. આવી જ ઘટના પોરબંદરમાં બની છે. સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ શરૂ થયું ત્યારથી જ સલામતિના નિયમોને ઘોળીને પી જવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તેમ છતાં કોઈ પગલા લેવાયા નહીં. હવે જ્યારે પુલ દુર્ઘટનાગ્રસ્ત થયો ત્યારે તપાસના ઘોડા દોડાવવામાં આવ્યા છે. જવાબદારો સામે પગલા લેવાશે ? તેવા અનેક સવાલો શહેરીજનોના મનમાં ઉઠી રહ્યા છે.
પોરબંદરમાં આમ તો અનેક વિકાસના કામો હાથ ધરાયા છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે R ૬પ કરોડના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ મંજુર કર્યું છે. અંદાજે એક કિ.મી. લાંબો આ ફ્લાય ઓવરનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. આ કામ પ્રારંભે જ તકેદારી રાખ્યા વિના જ અને નિયમોને નેવે મુકીને કરવામાં આવતું હોય તે અંગેની રજુઆતો મુખ્ય ઈજનેર અને અધિક સચિવને અગાઉ કરવામાં આવી હતી. જેમાં આ કામમાં કોઈ કવોલીફાઈડ સુપરવિઝન માટેનો સ્ટાફ સબડિવીઝનમાં ન હોવાનું અને નિયમીત સુપરવિઝન કરવામાં આવતું નથી. તેમજ કોન્ટ્રાક્ટર પાસે કવોલીફાઈડ સ્ટાફ પણ નથી.
જેને કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાશે. તેવી રજુઆતો કરવામાં આવી હતી. જે ગઈકાલે ફ્લાય ઓવર ધરાશયી થવાની ઘટના બાદ ચરિતાર્થ થઈ છે.
આ ઉપરાંત લોકોની સલામતિને પણ ધ્યાનમાં રાખવામાં આવી નથી. કારણ કે જે પાઈલના ખાડા ખોદવામાં આવ્યા ત્યારે પણ કોઈ સાઈન બોર્ડ કે આડશ મુકવામાં આવી નથી. તેમજ પીલોર ઉપર મુકવામાં આવેલા બીમ લાકડાના આધારે મુકવામાં આવ્યા છે, જે ગમે ત્યારે ધરાશયી થાય તેવી ભીતી પણ વ્યક્ત થઈ હતી. અંતે લોડ બેરિંગ કરતી વેળાએ આ ગડર ધરાશયી થયા અને દુર્ઘટનામાં એક મજુરને જીવ ગુમાવવો પડ્યો હતો.
દુર્ઘટના બાદ હવે તપાસ તો શરૂ થઈ ગઈ તપાસમાં જે ફલિત થાય ત્યારબાદ પગલા લેવાશે. હાલ તો એવી સ્થિતિ છે કે આ બાયપાસ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ જીવ મુઢ્ઢીમાં લઈને નીકળે છે. હજુ પણ આ બાબતે સાવચેતી રાખવામાં આવશે કે કેમ ? તેવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે તેમજ આ દુર્ઘટના પાછળ જવાબદારો સામે પગલા લેવાશે કે કેમ ? તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. અત્રે નોંધનીય છે કે આ ઘટના બાબતે સમગ્ર પોરબંદરની પ્રજામાં જવાબદાર સામે રોષ ભભૂકયો છે.
કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર રજુઆતો કરી -
ફ્લાય ઓવર ધરાશયી થવાની ઘટના બાદ આજે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ દોડી આવી હતી. વિલા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના અંગત મદદનીશ લાખણશીભાઈ ગોરાણીયા, ધીરૂભાઈ ઓડેદરા, રમેશભાઈ વિંઝુડા, લખન મોઢવાડિયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ સેફ્ટી સહિત ગુણવત્તાના તમામ નિયમોનું પાલન કરવામાં આવે તેવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
દુર્ઘટના અંગે પોલીસે હજુ સુધી ગુન્હો નોંધ્યો નથી -
પોરબંદરમાં ગઈકાલે ફ્લાય ઓવર ધરાશયી થવાની ઘટનામાં એક મજુરનું મોત નિપજ્યું હતું, જ્યારે ચાર ઘાયલ થયા હતા. આ ઘટનાના ર૪ કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હાલ નિવેદનો લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના અંગેનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગે આપ્યા બાદ ગુન્હો નોંધવામાં આવશે.
પોરબંદરમાં સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ જ્યારે શરૂ થયું ત્યારે બેદરકારી દાખવવામાં આવતી હોય, આ બાબતે અગાઉ પણ દિવ્ય ભાસ્કરે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું જેમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. હવે જ્યારે આ ફ્લાય ઓવરની દુર્ઘટના સર્જાઈ છે ત્યારે આ બાબતે આપના પ્રતિભાવો દિવ્ય ભાસ્કરને મોબાઈલ નં. ૯૮૭૯ર ૧૧૦૧૦ ઉપર મોકલી શકો છો.
દુર્ઘટના પાછળ બેદરકારી કારણભુત : ધીરૂભાઈ
ફ્લાય ઓવરની દુર્ઘટના સર્જાયાની થોડી જ ક્ષણોમાં ઘટના સ્થળે પહોંચેલા જી.આઈ.ડી.સી. એસો. ના સેક્રેટરી ધીરૂભાઈ કક્કડે એવું જણાવ્યું હતું કે, આ ફ્લાય ઓવરનું કામ જે પ્રકારે થતું હતું તે જોતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવું લાગી રહ્યું હતું. ગઈકાલે જે દુર્ઘટના સર્જાઈ તેની પાછળ માત્ર અને માત્ર બેદરકારી જ કારણભુત છે.
પાંચ મિનીટ પૂર્વે જ આ બીમ નીચેથી પસાર થયો હતો : જયેશ
જયારથી આ ફ્લાય ઓવરનું કામ શરૂ થયું છે ત્યારથી દુર્ઘટના સર્જાય તેવો ભય મનમાં સતાવી રહ્યો હતો. ગઈકાલે બીમ પડવાની ઘટના બની તેના પાંચ મિનીટ પૂર્વે જ હું આ બીમ નીચેથી પસાર થયો હતો. જે મજુર મોતને ભેટ્યો છે તે ગોપીરાવ બીમ નીચે કુદકો મારતો મે મારી નજરે જોયો હતો, તેવું આ ફ્લાય ઓવરની નજીક જ દુકાન ધરાવતા જયેશભાઈ થાનકીએ જણાવ્યું હતું.
હજુ નજર સામે તરવરે છે : ભીખુભાઈ
જી.આઈ.ડી.સી. નજીક ફ્લાય ઓવર ધરાશયી થયો તેમની સામે સિમેન્ટની દુકાન ધરાવતા ભીખુભાઈ કેશવાલાએ એવું જણાવ્યું હતું કે, બીમને લોડ બેરિંગ કરતી વેળાએ નમી જઈને જે ધડાકાભેર અવાજ આવ્યો અને મજુરોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ દુર્ઘટના નજરે નિહાળી હતી જે હજુ પણ મારી આંખની સામે તરવરી રહી છે.