મનપાએ R ૪૭.૬૮ કરોડની જોગવાઇ સાથે નક્કી કરેલા ૧૪ પ્રોજેક્ટમાંથી મોટાભાગના માત્ર ચોપડે જ ચિતરાયા !
મહાપાલિકામાં જ્યાં મલાઇ કાઢવાની જોગવાઇ ન હોય એવા વિકાસ કામોમાં અધિકારીઓ કે પદાધિકારીઓને રસ ન હોય એવુ પી. પી. પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) અને બી. ઓ. ટી. ના ધોરણે નક્કી કરેલા પ્રોજેક્ટના હાલહવાલ પરથી સ્પષ્ટ માની શકાય છે. ચાલુ વર્ષના બજેટમાં R ૪૭.૬૮ કરોડના ખર્ચના અંદાજ સાથે આવા ૧૪ પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી એકાદ-બે પ્રોજેક્ટ જ હાથ પર લેવાયા છે.
પી. પી. પી. પ્રોજેક્ટ એટલે જેમાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચરની જવાબદારી જ મનપાની હોય જ્યારે બી. ઓ. ટી. એટલે ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડી સંપૂર્ણ જવાબદારી જે તે એજન્સીની બને છે. બન્ને પ્રોજેક્ટમાં શરૂઆતના વર્ષોમાં તંત્રને આવકનો અમુક હિસ્સો મળે છે અને લાંબાગાળે માલિકી સંપૂર્ણપણે મહાપાલિકાની થઇ જાય છે. પરંતુ કમનસીબી એ છે કે, અધિકારીઓ-ઇજનેરોને મલાઇદાર કામોમાં જ રસ છે. પદાધિકારીઓની નીતિ પણ આવી જ ‘ટકાવારી’ જેવી જ છે.
ચાલુ વર્ષના બજેટમાં મલ્ટી લેવલ પાર્કિંગ, ન્યારી ડેમ સાઇટ અને આજી ડેમ સાઇટનું ડેવલોપિંગ, સેટેલાઇટ બસ સ્ટેશન, આયુર્વેદિક પાર્ક સહિતના ૧૪ પ્રોજેક્ટ થવાના હતા. જેમાંથી એકાદ-બેને બાદ કરતા બધા ચોપડે રહી ગયા છે. આ અંગે મ્યુ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મલ્ટીલેવલ પાર્કિંગ સ્થળ નક્કી ન થવાના કારણે યોજના અટવાઇ છે. સેટેલાઇટ બસ સ્ટેશન માટે ૧૦ હજાર મીટર જગ્યા જોઇએ અને મનપા પાસે માત્ર ૪ હજાર મીટર જ હોય રૂડામાંથી બાકીની જગ્યા મેળવવી પડે તેમ છે.
લોકભાગીદારીના નામે સ્કાયવોક જેવા કૌભાંડોનું ગ્રહણ –
લોકભાગીદારી લોકઉપયોગી જેવા કામોમાં થાય તો વ્યાજબી છે પરંતુ આવી યોજનાઓમાંથી સીધી રીતે મલાઇ તારવી શકાય તેમ ન હોવાથી મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ સ્કાયવોક જેવા કૌભાંડો કરી લોકભાગીદારીથી શહેરનો વિકાસ કરવાની દ્રષ્ટિને ગ્રહણ લગાડી રહ્યા છે. સ્કાયવોકમાં પ્રોજેક્ટના મૂળ સ્થળમાં ફેરફાર કરી પ્રજાનું હિત કોરાણે મૂકી માચડો ઊભો કરવાની નીતિ દાખવી હતી અને અંતે બધું છતું થઇ જતાં આબરું બચાવવા અંતે પ્રોજેક્ટ પડતો મૂકવાની ફરજ પડી હતી.
૧૮ સ્થળે પે-એન્ડ યુઝ ટોયલેટનો પ્રોજેક્ટ, કોન્ટ્રાક્ટરે માત્ર ૬ જ બનાવ્યા -
બી. ઓ. ટી. ના ધોરણે પે-એન્ડ-યુઝ ટોયલેટ માટે મનપાએ ૧૮ જગ્યા નક્કી કરી એજન્સીને કામ આપ્યું હતું. એ પૈકી માત્ર છ જ સાઇટ પર સ્ટ્રકચર ઊભું થયું છે અને એ પછી કોન્ટ્રાક્ટરે કોઇ કારણોસર બાકીના સ્થળે બનાવવાની ઘસીને ના પાડી દીધી છે.