ભાવનગર તાલુકાના સીદસર ગામના રહિશોએ વર્ષોથી સતાવતા જુના બાયપાસના રોડના પ્રશ્ને તંત્રવાહકો દ્વારા ઘટતુ ન કરાતા તેના વિરોધમાં શુક્રવારે સીદસરના ગ્રામજનો દ્વારા ચકકાજામ કરાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
સીદસરના વર્ષો જુના બાયપાસ રોડના મુદ્દે સ્થાનિક અગ્રણીઓ દ્વારા અગાઉ અનેક વખત સતાધીશોને રજુઆત કરાઇ હતી. તેમ છતાં તંત્ર દ્વારા ઘટતુ ન થતા અગ્રણીઓએ તાજેતરમાં અલ્ટીમેટમ આપી ચેતવણી આપ્યા મુજબ શુક્રવારે સીદસર હાઇવે પર ચકકાજામ કરાયા હતા.
સમગ્ર ગામમાંથી મોટાભાગના ગ્રામજનો અને ખેડુતો બળદગાડા સાથે રોડ પર એકત્ર થતા સીદસર હાઇવે પર ટ્રાફીક જામ થયો હતો. સીદસરના ૨૭ વર્ષ જુના પ્રાણપ્રશ્નના ઉકેલ માટે તમામ લોકો મતભેદો ભુલીને લડી લેવા એકઠા થયા હતા. હજુ પણ આ પ્રશ્ન ઉકેલાશે નહિ તો તા.૧૬-૨-૧૨ને ગુરૂવારે કલેક્ટર કચેરીએ લલ્લુભાઇ બેલડિયાનીસાથે ગ્રામજનો દ્વારા ધરણા થશે બાદ અલગ અલગ કાર્યક્રમો યોજવાની આગેવાનોએ ચિમકી ઉચ્ચારી છે.
દરમિયાનમાં રસ્તા રોકો આંદોલન અન્વયે સિદસરના સરપંચ સહિત પર અગ્રણીઓની વરતેજ પોલિસે અટકાયત કરી હતી.