પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા
અમરેલીના ચકચારી અદિતી હસમુખભાઇ ત્રિવેદી હત્યા કેસમાં મંગળવારે અમરેલીની સેસન્સ કોર્ટે આરોપી અર્જુન પ્રદીપભાઇ સોજિત્રા અને નિલેષ પ્રવીણભાઇ મહેતાને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. અનેક કાનૂની દાવપેચ બાદ સાડા ત્રણ વર્ષે આ ચુકાદા આવ્યો હતો. હત્યામાં વપરાયેલી છરી, ફિંગર પ્રિન્ટ, ડીએનએ ટેસ્ટ, મોબાઇલ જેવા પુરાવા પોલીસ સાબિત કરી શકી ન હતી.
અમરેલી સેશન્સ કોર્ટે મંગળવારે બપોરે આ ચુકાદો આપ્યો હતો. ગત ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ અમરેલીના હસમુખભાઇ કેશવલાલ ત્રિવેદીની પુત્રી અદિતીની બાબરા તાલુકાના મોટા દેવિળયા ગામની સીમમાં ઘાતકી હત્યા થઇ હતી. આ બારામાં પોલીસે અર્જુન પ્રદીપભાઇ સોજિત્રા તથા નિલેષ પ્રવીણભાઇ મહેતાની ધરપકડ કરી હતી. અદાલતે પૂરતા પુરાવાના અભાવે બન્નેને છોડી મૂક્યા હતા. અર્જુન સોજિત્રા અદિતીને પ્રેમ કરતો હતો. પરંતુ અદિતીને અન્ય યુવક સાથે સંબંધ છે તેવી શંકાના કારણે તેણે અદિતીની હત્યા કરી હતી. બનાવના દિવસે અદિતી રાજકોટથી આવતી હતી ત્યારે અર્જુન પોતાના મિત્ર નિલેષ સાથે તેની કાર લઇ સામો બાબરા ગયો હતો. બન્ને જણા અદિતીને કારમાં બેસાડી દેવિળયાની સીમમાં લઇ ગયા હતા. ઢળતી સાંજે ટેકરા પાછળ બેસી અર્જુન અને અદિતીએ નિલેષને દેવિળયા મોકલી દીધો હતો. બન્ને વાતો કરતા હતા ત્યારે અર્જુને પહેલેથી પોતાની સાથે લઇ ગયેલી છરીના નવ ઘા અદિતીને ઝીંકી દઇ તેનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધી હતી.
નિલેષે પોતાની કારની સર્વિસ કરાવી નાખી હતી. જ્યારે અર્જુને અદિતીનું પર્સ અને મોબાઇલ બાળી નાખી કૂવામાં ફેંકી દીધા હતા. કેસ દરમિયાન ૫૧ વ્યક્તિની જુબાની લેવામાં આવી હતી અને ૧૨૬ દસ્તાવેજી પુરાવા પોલીસે રજુ કર્યા હતા. જ્યારે બચાવ પક્ષે બે પુરાવા રજુ કર્યા હતા. અમરેલી સેશન્સ અને હાઇકોર્ટમાં ચાલુ કેસે અનેક અરજીઓ થઇ હતી. જે તે સમયે આ હત્યા પ્રકરણે ખાસ્સી ચર્ચા જગાવી હતી.
ડીએનએ ટેસ્ટમાં મૃતક યુવતી અદિતી હોવાનું સાબિત ન થયું -
અમરેલી પોલીસે આ કેસમાં તપાસ શું કરી તે તો ભગવાન જાણે પણ વૈજ્ઞાનિક પુરાવા જોતાં ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતક યુવતી અદિતી છે તેવું પ્રસ્થાપિત થયું ન હતું. તો શું મૃતક યુવતી કોઇ અન્ય હતી? અદિતીનો ડીએનએ ટેસ્ટ કેમ મેચ થતો નથી વગેરે જેવા યક્ષ પ્રશ્નો ઊભા થયા છે. બીજી તરફ પોલીસે પુરાવા રૂપે જે છરી કબજે લીધી તેના પરનું લોહી અદિતીનું જ નહીં. એટલું જ નહીં તેના પગની ફિગર પ્રિન્ટ પણ અર્જુનની ન હતી. હત્યા થઇ તે દિવસે અર્જુન ઘટનાસ્થળે હાજર હતો તેવો પુરાવો પોલીસને મળ્યો ન હતો.
મોબાઇલ અદિતીનો હતો તે પણ સાબિત થયું ન હતું. બનાવના દિવસે અદિતી અલ્ટો કારમાં બન્ને સાથે ગઇ હતી. અર્જુન અને અદિતી સાથે હતા. અર્જુને તેના મોઢે ડૂચો મારી મારી નાખ્યા બાદ સળગાવી દીધી છે વગેરે જેવા પુરાવા ન હોવાના કારણે અદાલતે મંગળવારે બન્ને આરોપીને છોડી મૂક્યા હતા.