શુક્રવારે અમદાવાદ ખાતેથી સત્તાવાર જાહેરાત કરાઈ
ભાવનગર દક્ષિણ વિધાનસભાના ક્ષેત્રમાં બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુનિલભાઈ ઓઝાએ આજથી ફરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. જેની વિધિવત જાહેરાત આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી.
વર્ષ-૨૦૦૭માં સુનિલ ઓઝાએ ભાજપને અલવીદા કરી મહાગુજરાત જનતા પાર્ટીમાં જોડાયા હતા. જોકે તેઓએ છેલ્લા ત્રણ મહિનાથી મ.જ.પા.ને છોડી દીધું હતું. અને આજરોજ અમદાવાદ ખાતે ભાજપના જનરલ સેક્રેટરી વિજયભાઈ રૂપાણી, બાડાના ચેરમેન અમોહભાઈ શાહ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ બાબુભાઈ જેબલિયા તથા સુનીલભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં સુનીલભાઈ ઓઝા વિધિવત ભાજપમાં જોડાયાની જાહેરાત કરાઈ હતી.
સુનીલભાઈ ઓઝા ભાજપનાં એક માત્ર અગ્રણી હતા જેઓએ મુખ્યમંત્રી વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મને એવો અહેસાસ થયો છે કે કોોંગ્રેસ લોકોનો સૌથી મોટો દુશ્મન છે. તે લોકવિરોધી નીતિમત્તા રાખતા હોવાથી હું ભાજપમાં જોડાયું છું. આમ સુનીલભાઈ ઓઝાએ ફરી પોતાના સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કરતાં રાજકીય સમીકરણો બદલાશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું હતું.