ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં બે કોળી શખ્સોએ એક સસલાનો શીકાર કરી રાંધીને ખાઇ જતા વનતંત્રના સ્ટાફે બન્નેની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત સસલાના લોહીવાળો કોથળો પણ વનતંત્રએ કબજે લીધો હતો.
ગીરકાંઠાના ગામડાઓમાં સસલાનો શીકાર થતો હોવાની લાંબા સમયથી ચર્ચા છે ત્યારે આજે ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં બે શખ્સો દ્વારા સસલાનો શીકાર કરાયો હોવાનું બહાર આવ્યુ હતું. બાતમીના આધારે તુલશીશ્યામ રેંજના ફોરેસ્ટર જે.બી. ભટ્ટી, બીટગાર્ડ પલાસભાઇ વગેરેએ મોટાબારમણ ગામની સીમમાંથી બાવચંદ ભગવાન પરમાર અને ભગા વાલા નામના શખ્સોની સસલાનો શિકાર કરવા સબબ ધરપકડ કરી હતી.
વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર બન્ને શખ્સોએ સસલાનો શિકાર કરી રાંધીને ખાઇ ગયા હતાં. તેમની પાસેથી સસલાના લોહીવાળો કોથળો કબજે લેવાયો છે. પ્રાથમીક પુછપરછ દરમીયાન આ બન્ને શખ્સોએ પત્થરનો ઘા મારી સસલાનો શિકાર કર્યો હોવાનું જાણવા મળેલ છે.
વનતંત્ર દ્વારા બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળેલ છે. અત્રે નોંધનીય છે કે, ખાંભા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સસલા સહિતના અન્ય પ્રાણીઓનો પણ શિકાર થતો હોવાની રાવ ઉઠી હતી.