યુવક અને બે બાળકી કોળીયાકના સમુદ્રમાં ન્હાવા પડતા યુવકનો આબાદ બચાવ
શિતળા સાતમે કોળીયાકના દરિયામાં સ્નાન કરવા માટે ગયેલ ભાવનગરના પટેલ પરિવાર ઉપર કાળનું તેડુ આવતા જેમાં માસુમ બાળકીઓ અને એક યુવક દરિયાના મોજામાં ભરતીના સમય ઉપર ખેંચાઈ ગયા બાદ યુવકને બચાવી લેવાયો છે જ્યારે બે માસુમ બાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જે પૈકી એકની લાશ મળી આવી છે.
શહેરના શાસ્ત્રીનગરમાં પારસમણી એપાર્ટમેન્ટમાં એમઆઈજી ૭રાં રહેતા પટેલ રમેશભાઈ મગનભાઈ જાળીયા પોતાની મારૂતીવાન લઈને કણબીવાડ ખાતેથી તેમના સગા-સ્નેહીઓને લઈને કુલ ૧૧ જણા કોળીયાકના નિષ્કલંક મહાદેવના દર્શન અર્થે ગયા હતાં. જ્યાં ઓટલા ઉપર દરીયાનું પાણી વહેતુ હોયને, દરીયામાં સ્નાન કરવા માટે પટેલ પરેશ અશ્વીનભાઈ (ઉં.વ.૨૧) બે માસુમ બાળકી ટ્વીંકલ (૧૧) અને પ્રિયંકા (૧૪)ને સાથે રાખીને સ્નાન કરવા દરીયાના પાણીમાં ઉતયાઁ હતાં.
દરીયામાં ભરતી હોયને પાણીના મોજા વચ્ચે પરેશ પટેલના હાથમાંથી બે માસુમ બાળકીનો હાથ છુટ્ટો પડી જતા બન્ને બાળકીઓ તણાવા લાગી, બચાવો-બચાવોની બુમો શરૂ થતા, કેટલાક સેવાભાવી તરવૈયાઓએ દરીયામાં ઝંપલાવીને પરેશ પટેલને હેમખેમ બહાર કાઢ્યો અને પછીથી માસુમ બાળકીને બચાવવા દોડી ગયા.
તરવૈયાઓ પાણીમાં ઊંડે સુધી શોધખોળ કરતા જેમાં ટ્વીંકલ રમેશ પટેલ (૧૧)ની લાશ મળી આવી હતી માસુમ બાળકી ટ્વીંકલ સરદાર પટેલ સ્કુલમાં છઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી, જ્યારે બીજી બાળકી પટેલ પ્રિયંકાબેન નરેન્દ્ર ભુત (રે.ડૉ.વિકાસના દવાખાના પાસે, કણબીવાડ, ખારગેટ)ની ડેડબોડી મળી આવી નથી.
આ બાળકીની લાશ શોધવા માટે ભાવનગરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ ગયેલ છે. સાંજના ૭ વાગ્યા સુધી પ્રિયંકાની લાશ મળી આવેલ નથી. આ ઘટનામાં કોળીયાક આઉટ પોસ્ટના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર ડી.બી. જાની અને તેમનો સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો.