ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા વેપારીને ચુનો લગાવી પલાયન : પોલીસ તપાસનો ધમધમાટ
મહુવાના એક સોની વેપારીને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ રૂ.૨,૨૨,૫૦૦ની તફડંચી કરી હોવાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્તવિગતો મુજબ ગત તા. ૧-૧૧ના બપોરના ૨.૪૫ કલાક આસપાસ સોના ચાંદીના શરાફ બજારમાં વેપાર કરતા પરેશભાઇ કનૈયાલાલ વાવડીયાના કે.આર. સન્સ નામના શોરૂમમાં બે અજાણ્યા શખ્સો ગ્રાહક બની આવ્યા હતા અને સોના ચાંદીના દાગીના જોવા માંગ્યા હતા.
આ બન્ને અજાણ્યા શખ્સોએ પોતાની વાકચાતુર્ય વાપરી પરેશભાઇનો વિશ્વાસ જીતી લીધો હતો અને દાગીના જોતા જોતા ૪૯ ગ્રામનો એક, ૨૯ ગ્રામનો એક એમ કુલ ૭૮ ગ્રામના બે સોનાના સેટ જેની કિંમત રૂ.૨,૨૨,૫૦૦ થવા જાય છે તે નજર ચૂકવી ઓળવી ગયા હતા. જેની બાદમાં સોની વેપારીને જાણ થતા આજુબાજુમાં તપાસ હાથ ધરેલ પરંતુ બન્ને શખ્સો હવામાં ઓગળી ગયા હતા. જેથી આ અંગે પરેશભાઇએ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર. બી. ગોહિલે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.