પાણીયાળીના બે શખ્સો કામ સબબ ભાવનગર આવતા જેલ રોડ પર અકસ્માત
શહેરના જેલ રોડ પર આવેલ એ ડીવીઝન પોલીસ મથકની સામે આજરોજ બપોરના સમયે બે બાઇક સવારોને ટ્રક ચાલકે અડફેટે લેતા બન્નેના મોત નીપજયા હતા.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના પાણીયાળી ગામે રહેતા ડાભી તુલસીભાઇ પોપટભાઇ (ઉ.વ.૩૦) તથા ડાભી દીપકભાઇ ચીથરભાઇ (ઉ.વ.૨૨) બન્ને મોટરસાયકલ નં.જીજે૪કયુ ૧૪૧૦ ઉપર કામ સબબ ભાવનગર આવ્યા હતા.
દરમિયાન તેઓ એ ડીવીઝન પોલીસ મથક પાસેથી પસાર થતાં હતા તેવામાં માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક નં.જીજે ૪- ૪૧૮૬ના ચાલકે બન્ને બાઇક સવાર યુવાનોને અડફેટે લેતા લોહીલુહાણ ઇજા થતાં બાઇકની પાછળ બેઠેલા દીપકભાઇ ડાભીનું ઘટના સ્થળે જ કમકમાટીભયું મોત નીપજ્યું હતું.
જ્યારે કે તુલસીભાઇનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. તેમજ ૧૦૮ અને પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે દોડી ગયેલ અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે તળાજા તાલુકાના પાણીયાળી ગામે રહેતા ડાભી અશોકભાઇ ભૂપતભાઇએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધાવેલ છે. જેની વધુ તપાસ એ ડીવીઝન પીએસઆઇ બ્રહ્નભટ્ટ ચલાવી રહ્યા છે.