ઈસ્લામ ધર્મના મહંમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસ જશ્ને ઈદે મિલાદુઝબીની તા.૫ ફેબ્રુઆરીને રવિવારે શાનદાર ઉજવણી થશે જેના ભાગરૂપે ભાવનગર શહેરમાં મુસ્લીમ સમાજ દ્વારા શહેરમાં ભવ્ય ઝુલુસ નિકળશે જેમાં જિલ્લાભરમાંથી મુસ્લીમ સમાજ જોડાશે. આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મોટી રાતની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે.
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મહંમદ સાહેબની જન્મજયંતિની ઉજવણી જે ઇદે મિલાદ સ્વરૂપે દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિનાના ૧૨મા દિવસે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે રવિવારે ઇદે મિલાદની ઉજવણી થશે જેમાં આગલા દિવસ શનિવારે રાત્રે મોટી રાત ઉજવાશે જેમાં તમામ મિસ્જદોમાં ઇશાની નમાઝ બાદ મિલાદ-વાએઝ થશેપરોઢીયે મિલાદ શરીફ પઢવામાં આવશે ત્યાર બાદ પયગંબર સાહેબનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ અવસરે પયગંબર સાહેબના બાલ મુબારકના દીદાર પણ કરાવાશે.
આ ઝુલુસમાં ઊંટ ગાડી, ટ્રકો, મહંમદી બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ વિવિધ વિસ્તારોની મિલાદ પાર્ટીઓ અને હુસૈન કમિટિઓ ઝુલુસમાં જોડાશે.ઝુલુસ નિમિત્તે મુસ્લીમ વિસ્તારોને શણગારવામાં આવ્યા છે. ઝુલુસમાં ૧૦૦ ઉપરાંત વાહનો જોડાશે. આ ઉજવણી નિમિત્તે શહેરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો ઝળહળાટ અને ઘરોમાં કલાત્મક શણગાર કરવામાં આવ્યાં છે.