- દૈનિક ૮૫૦ વાચકોની ભૂખને તૃપ્ત કરતી લાઈબ્રેરી
- મહાત્મા ગાંધી પણ આ પુસ્તકાલયના નિયમિત વાચક હતા
સમગ્ર વિશ્વમાં નવા વર્ષની વધામણી માટે આયોજનો થઈ રહ્યાં છે. ઈસુના ૨૦૧૦ના વર્ષને અલવિદા કહી ૨૦૧૧ના વર્ષનો આરંભ થવાનો છે ત્યારે જે લાઈબ્રેરીના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વાચક હતા તે ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૦ના દિવસે સ્થાપનાના ૧૨૯માં વર્ષમાં પ્રવેશ કરશે. આજે પણ આ પુસ્તકો, અખબારો, મેગેઝીનોથી સમૃદ્ધ લાઈબ્રેરીમાં ૮૫૦થી વધુ વાચનપ્રેમી ભાવેણાવાસીઓ નિયમિત મુલાકાત લઈ જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે.
૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના પુસ્તકપ્રેમીઓએ આરંભમાં માતબર સંખ્યામાં પુસ્તકોનું દાન આપ્યું હતું. આપણા દેશમાં ઓગણીસમી સદીના અંત સુધી સાર્વજનિક લાઈબ્રેરીની પ્રવૃત્તિ વિકસી ન હતી. ત્યારે ભાવનગરમાં આ નમૂનેદાર પુસ્તકાલયનો પ્રારંભ થયો એટલું જ નહીં પણ સાથે મૌલિક વિચારોનું વહન કરે તેવુ માસિક પણ શરૂ કરાયુ હતું. ઈ.સ.૧૮૮૨માં નવાપરા ખાતે કાવેરી કોર્પોરેશન નજીક હાલ જે મોટી માજીરાજ કન્યાશાળાનું મુખ્ય મકાન તરીકે ઓળખાય છે તે બાર્ટન લાઈબ્રેરી ત્યારે હતી અને તેમાં મહાત્મા ગાંધીજીએ પણ નિયમિત વાચક તરીકે લાભ લીધો હતો.
ઈ.સ.૧૯૩૬માં આ લાઈબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા ૧૫,૯૮૦ હતી તે ૨૦૦૪માં વધીને ૬૧,૭૬૩ના આંકને આંબી ગઈ હતી તો ૨૦૧૦માં આ આંકડો ૬૯૦૦૦ને આંબી ગયો છે. આ લાઈબ્રેરીમાં કેટલીક દુર્લભ હસ્તપત્રોનો અમૂલ્ય સંગ્રહ પણ છે.
દરરોજ ૮૫૦થી વધુ વાચકો આ લાઈબ્રેરીનો લાભ લે છે ત્યારે સ્થાપનાની સવા સદી વટાવી ગયેલી આ લાઈબ્રેરી હજુ ભવિષ્યમાં નવા વિક્રમો સ્થાપી ભાવેણાના વાચનપ્રેમીઓની ભૂખ ભાંગતી રહેશે તે વાત નિર્વિવાદ છે.
લાઈબ્રેરીમાં કમ્પ્યૂટરાઈઝેશનનો આરંભ...
અત્યારે બાર્ટન લાઈબ્રેરીમાં તમામ વિભાગોમાં કમ્પ્યૂટરાઈઝેશનનું કામકાજ પૂરજોશમાં શરૂ છે. તમામ વિભાગોમાં રહેલા કુલ મળીને ૬૯૦૦૦૦ જેટલા પુસ્તકોની યાદી ઓનલાઈન મુકાશે તેમજ પુસ્તકોની આપ-લે પણ કમ્પ્યૂટર મારફત કરવામાં આવશે. આગામી ત્રણેક માસમાં કમ્પ્યૂટરાઈઝેશન પૂર્ણ થશે તેમ બાર્ટન લાઈબ્રેરીના વૈધ્યભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું.