ઉઘાડી લૂંટ સામે કોંગ્રેસની ચેતવણી, ઉગ્ર આંદોલન કરવામાં આવશે
સમગ્ર રાજ્યમાં ટોલનાકાના ઉઘરાણાથી રાજ્યની પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે ત્યારે વાડીનાર-રાજકોટ ફોરટ્રેક હાઇવે પર ત્રણ સ્થળોએ ટોલનાકા ઉભા કરી અધુરા કામે ઉધરાણું શરૂ કરી દેનાર ખાનગી કંપની ટોલટેક્સનું ઉઘરાણું તાકીદે બંધ નહી કરે તો જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારથી ચક્કા જામ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ એમ.કે. બ્લોચ, ધારાસભ્ય રાઘવજી પટેલ અને જિલ્લા પ્રમુખ હકુભા જાડેજાએ જણાવ્યું છેકે, ટોલ ટેક્ષની જોગવાઇઓમાં જ્યાં સુધી માર્ગોમાં આવતા ઓવરબ્રીજ નાલા પુલીયા પુરા થયા ન હોય અને ડાયવર્ઝન હોય તેમજ સર્વીસ રોડ તૈયાર થયેલ ન હોય ત્યાં સુધી ટોલ ટેક્ષ ઉધરાવી શકાય નહી.
રાજકોટથી જામનગર સુધીના ઓવરબ્રીજ તૈયાર થવાના બાકી છે. ટોલ ટેક્ષ ઉધરાવતા પહેલા પ્રજાને તેમના વાંધાઓ અને અભિપ્રાય આપવા એક મહીનાની જાહેર નોટીસ આપવી ફરજીયાત છે. તેના બદલે માત્ર અડતાલીસ કલાકની કહેવાતી નોટીસ બાદ ટોલ ટેક્ષના હાટડા શરૂ કરવામાં આવેલ છે.
ગુજરાતની ભષ્ટ્રચારી સરકાર આ જાહેર રસ્તાઓ બનાવવા પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરતી નથી કે રોકાણ કરતી નથી તેમ છતાં આ ટોલ ટેક્ષના હાટડામાંથી વીસ ટકા આવક લઇ જાય છે. આ મફત આવકને બદલે વાહનોના ટોલ ટેક્ષ ઘટાડી નાખવા જોઇએ ગુજરાતની સરકાર ટોલ ટેક્ષ વસુલ કરવામાં પણ ભેદભાવ રાખેલ છે. બામણબોર ચોકડીથી અમદાવાદ બે ટોલ નાકા અને ૨૧૪ કી.મી.નું અંતર અને રૂપિયા ર૦+૨૦-૪૦ જ્યારે રાજકોટના પડધરીથી વાડીનાર સુધી ત્રણ ટોલ નાકા અને માત્ર ૧૩૧ કી.મી.માં રૂપિયા ૯૦ વસુલ કરેલ છે.
આ ટોલ નાકા મારફતે અબજો કરોડોના કૌભાંડ હોવાનું જાણવા મળેલ છે. આ ટોલ ટેક્ષ તાત્કાલિક અસરથી બંધ થવો જોઇએ નહીતર સોમવાર તા. ૧૩-૨-૨૦૧૨થી આ ટોલ નાકાઓ ઉપર પ્રજા ધેરાવ કરી ઉપવાસ આંદોલન કરી રસ્તા રોકો સહીત આ ટોલ નાકાના રાક્ષસી ઉધરાણી બંધ કરવા ગાંધી ચિધ્યા માર્ગ આગળ વધશે.