સૌરાષ્ટ્ર સમાચાર - ધ્રુવ વાઢેર - વિમલ ત્રિવેદી યોજીત મેળામાં બીજા દિવસે ૧૦૪ વાહનો વેચાયા
દિવ્ય ભાસ્કર ગ્રુપના દૈનિક સૌરાષ્ટ્ર સમાચારના મિડીયા પાર્ટનર સાથે ધ્રુવ વાઢેર અને વિમલ ત્રિવેદી દ્વારા આયોજીત ઓટો એક્સ્પો ૨૦૧૨ને બીજા દિવસે ભવ્ય પ્રતિસાદ સાંપડયો હતો. બીજા દિવસે ૧૦૪ ગાડીનુ વેચાણ થયુ હતુ. આવતીકાલ રવિવારે આ એક્સ્પોનો અંતિમ દિવસ છે.
જવાહર મેદાન ખાતે યોજાયેલો આ ઓટો એક્સ્પો સતત ત્રીજા વર્ષે પણ ભાવનગર જિલ્લાની કાર પ્રેમી જનતા માટે સફળ આયોજન રૂપે આગળ વધી રહ્યો છે. શનિવારે બીજા દિવસ દરમ્યાન નવી જુની મળીને કુલ ૧૦૪ ગાડીઓનું બુકીગ તથા વેચાણ થયુ હતુ.
આ મેળામાં બીએમડબલ્યુ, ફોકસ વેગન, સ્કોડા, સેવરોલેટ, ફોર્ડ, હુન્ડઇ તેમજ મારૂતિના વિવિધ મોડેલો સાથે નેનો કારના ડેકોરેશને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, તબીબો, અલંગના વેપારીઓ વગેરેએમેળાની મુલાકાત લીધી હતી.
શનિવારે સાંજે ગીત સંગીતનો કાર્યક્રમ ડૉ.ફિરદાૈસ દેખૈયા, રાજેન્દ્ર ઓઝા, ભાવેશ વાઘેલા વગેરે દ્વારા યોજાયો હતો. જેણે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. એ પહેલા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
રવિવારે અંતિમ દિવસ હોઇ લોકોને નવા વાહનો જોવા ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી પડવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.