આજે મહાત્મા ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને સાંભળવાનો લાભ

મહાત્મા ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને સાંભળવાનો લાભ
ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દીના વર્ષની તેમજ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી કર્યાં બાદ હવે ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજી સમાપન કરાશે.તેના અંતિમ ચરણમાં તા.૧૯ મેને શનિવારે મહાત્મા ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીજીની ઉપસ્થિતિમાં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાશે
આજે સાંજે કલાકે મનહર ઉધાસનો કાર્યક્રમ નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં યોજાયો જેમા પ્રજાએ મનહરની ગુજરાતી ગઝલોને માણી હતી. હવે શનિવારે સાંજે ૭ કલાકે મહાત્મા ગાંધીજીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીજીની ઉપસ્થિતિમાં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ મુખ્ય વક્તવ્ય આપશે.
આ અવસરે મહારાજા અને મહારાણી સમયુક્તાકુમારીબા તેમજ ત્રણેય રાજકુંવરીઓ સાથે ભાવનગરના રાજવી પરિવારના સભ્યો વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંતિમ કાર્યક્રમમાં તમામ ભાવેણાવાસીઓને ઉજવણીના કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
આજના અતિથિ ગોપાલકૃષ્ણ ગાંધી...
કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દિના સમાપન પ્રસંગે તથા દિવાન સર પ્રભાશંકર પટ્ટણીની ૧પ૦મી જન્મજ્યંતિ પ્રસંગે ગોપાલકૃષ્ણ ગાંધી (મહાત્મા ગાંધીજીના પૌત્ર)નું વકતવ્ય નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, નિલમબાગ સર્કલ પાસે તા.૧૯/પ/૧૨ના રોજ સાંજે ૬ કલાકે રાખવામાં આવેલ છે. ગોપાલકૃષ્ણ ગાંધી, ગાંધીજીના સૌથી નાના દિકરા દેવદાસ તથા રાજાજીના દિકરી લક્ષ્મીજીના સંતાન છે. તેઓએ ૨પ વર્ષ સુધી આઇ.એ.એસ. અધિકારી તરીકે દેશની સેવા કરેલ છે. તેઓએ ભારતના હાઇ કમિશ્નર તરીકે સાઉથ આફ્રિકા તથા શ્રીલંકામાં સેવાઓ બજાવી છે. સાથોસાથ નોર્વેમાં ભારતીય રાજદુત તરીકે પણ કાર્ય કરેલ છે. પોતાના કાર્યકાળમાં તેઓએ ભારતના રાષ્ટ્રપતિ આર.વેંકટરામનનાં જોઇન્ટ સેક્રેટરી તરીકે અને કે.આર. નારાયણના સેક્રેટરી તરીકે પણ સેવા આપેલ છે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ દરમ્યાન તેઓશ્રી પશ્ચિમ બંગાળના ગર્વનર હતા. લાખો લોકોની જેમ તેઓ ગાંધીજીના સિદ્ધાંતો અને કાર્યથી પ્રભાવિત છે. તેમ છતા પોતાને ગાંધીયન કહેતા નથી આવા બહુમુખી પ્રતિભા ધરાવતા વક્તાને સાંભળવાનો એક અનેરો લ્હાવો છે.
મહારાજા અને પ્રભાશંકર પટ્ટણીને પુષ્પાંજલી કરાશે
તા.૧૯/પ/૧૨ના સવારે ૯ કલાકે નિલમબાગ સર્કલમાં મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલી-ભાવાંજલી અર્પણ કરાશે નગરજનો પણ મહારાજાને વડવા વોશિંગઘાટ પર સમાધી ખાતે તેમજ પ્રભાશંકર પટ્ટણીની મહાવીર નર્સિંગ હોમ, અનંતવાડી ખાતેની સમાધીમાં પુષ્પાંજલી અર્પણ કરી શકે તે માટે સવારે ૯ થી ૬ વ્યવસ્થા કરાઇ છે. તેમજ જન્મ શતાબ્દીના સમાપન પ્રસંગે તા.૧૮ સવારે ૧૦ થી ૬ તથા ૧૯/પ સવારે ૧૦ થી ૪ નંદકુંવરબા કન્યા વિદ્યાલય, નિલમબાગ સર્કલ ખાતે ચિત્ર પ્રદર્શન યોજાશે.
આજે સમાપન પ્રસંગે રક્તદાન કેમ્પ
શનિવારે સવારે ૮થી૧૧ સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે. આ કેમ્પમાં તમામ રક્તદાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા ભાવ-વંદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.





