હાદાનગરના શખ્સે બે વર્ષ અગાઉ ૧૦ ટકાના વ્યાજે પૈસા લીધેલ જે પરત કરી દીધા હતા
ભાવનગરના હાદાનગરમાં રહેતા એક શખ્સે બેવર્ષ અગાઉ મોતીતળાવ વિસ્તારમાંથી બે શખ્સો પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂ.૧,૬૫,૦૦૦ની રકમનું કરજ લીધુ હતું. જે રકમ અને તેનું વ્યાજ ચુકવી દેવાયા બાદ પણ આ બન્ને શખ્સોએ ધાકધમકી આપી છરીની અણીએ આ શખ્સના મકાનના કાગળો, બાઇક, સોનાના દાગીના વગેરે પડાવી લીધાની ડી-ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી હતી.
હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા વાલ્મીકી રામજીભાઇ લવજીભાઇ પરમારે બે વર્ષ અગાઉ મોતીતળાવ રોડ પર રહેતા મહેન્દ્ર ઉર્ફે મહેશ ભાવેશભાઇ પટેલ અને રબારી નરેશ બોધાભાઇ આલ પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂ.૧,૬૫,૦૦૦/-નું કરજ લીધું હતું જે રામજીભાઇએ સમયસર વ્યાજ અને મુદ્દલના હપ્તા ભરી કરજ પરત કર્યું હતું. દરમિયાન ગત તા.૧/૧૧ના રોજ રાત્રીના સમયે ઉપરોકત આરોપીઓએ રામજીભાઇને બોલાવી છરીની અણીએ તેમની પાસેથી સોનાનું બાજુ, મકાનનું સોગંદનામુ, બાઇક વગેરે પડાવી લઇ ધાકધમકી આપી હતી.
આ અંગેની પોલીસ ફરિયાદ ડી. ડીવીઝનમાં નોંધાવાતા પી.આઇ. બી.ડી. ઠક્કરે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.