રાજુલા અને જાફરાબાદ પંથકમાં મંગળવારે બપોર થી વરસાદ પડવાનો શરૂ થયો હતો. અને સાંજ સુધીમાં બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રાયડી ડેમ ઓવરફ્લો થતાં તેના ત્રણ, ધાતરવડી ડેમ-૧નાં છ અને ધાતરવડી-૨ના બે દરવાજા ખોલાયા હતો.
જાફરાબાદ તાલુકામાં મંગળવારે બપોરે ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો હતો અને સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદનાં કારણે પોસ્ટ ઓફિસ, એસટી બસ સ્ટેન્ડ, ખારવા વાડમાં એક-એક ફૂટ પાણી ભરાઇ ગયા હતા.
આ ઉપરાંત હેમાળ અને ટિંબી વિસ્તારમાં બે થી અઢી ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને રાયકી ડેમ ઓવરફ્લો થતાં ડેમનાં ત્રણ દરવાજા ખોલાયા હતા. નીચાણવાળા કંથારિયા, ચોૈત્રા, નાગેશ્રી, મીઠાપુર વગેરે ગામોને ભયજનક જાહેર કરાયા છે. રાજુલા તાલુકામાં પણ બપોરથી મેઘાએ મંડાણ કર્યા હતા અને સાંજ સુધીમાં બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.
ધાતરવડી-૧ ડેમના છ અને ધાતરવડી-૨ ડેમના બે દરવાજા ખોલાયા હતા. ગ્રામ્ય પંથકના માંડરડી, ખાખબાઇ અને ધારેશ્વરના નદી નાળા અને તળાવોમાં નવા નીરની આવક થતાં ભરાઇ ગયા હતા. નીચાણવાળા ગામોના લોકોને નદીમાં ન જવા સૂચના આપવામાં આવી છે. રાજુલાની અનેક સોસાયટીઓ, હવેલી ચોક, ધાખડાનગરમાં પાણી ભરાયા હતા.
જો કે વરસાદના કારણે વીજળી ગુલ થઇ ગઇ હતી અને એસટીની બસો પણ ન ઉપડતાં મુસાફરો રઝળી પડ્યા હતા. માર્ગો પર ફૂટ-ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.