ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર અને નિર્મળ પ્રેમના પર્વ રક્ષાબંધનનો તહેવાર ઢુંકડો આવી પહોંચતા જિલ્લાભરમાં બહેનો દ્વારા મનપસંદ કલાત્મક રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે. બજારોમાં આ વખતે ઘર-ઘરમાં જાણીતી થયેલી ટેલીવિઝન ચેનલોના લોકપ્રિય પાત્રોને સાંકળતી રાખડીઓ ઉડીને આંખે વળગી રહી છે.
કલર્સ ચેનલની લોકપ્રિય સીરિયલ બાલીકા વધૂના મુખ્ય કેરેકટર આનંદી ગાૈર સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી લોકપ્રિય સીરિયલ ઉત્તરણના પાત્રો ઈચ્છા અને તપસ્યા, તારક મહેતા કા ઉલટા ચશ્માનો ટપુડો સહિતના બાળ કલાકારોના મનમોહક ફોટાઓ સાથેની અવનવી વેરાયટીઓથી રાખડીની બજાર છલકાઈ રહી છે. અને મહિલાઓની સાથે આવતા બાળકો આવી રાખડી ખરીદવા વધુ ઉત્સુક જણાય છે.
આ ઉપરાંત કાર્ટુન નેટવર્કના મીકીમાઉસ, સ્પાઈડરમેન, સુપરમેન, બેટમેન, હનુમાન, ટેડીબેર, ગણેશ, ટારઝન, ક્રિષ્ના લાઈટવાળી અને મ્યુઝીકવાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે. મહત્તમ સુતરના દોરા ઉપર હિરા, ઝવેરાત, મોતી, ટીકા, સહિતના અવનવા સુશોભન -શણગાર સાથેની રાખડીઓ મહિલાવર્ગ વધુ પસંદ કરતી હોય છે. તેમ પાશ્વg ઈમીટેશનવાળા બકુલભાઈ શેઠ (રાખડીવાળા)એ જણાવ્યું હતું.
તદ્દ ઉપરાંત અત્રે બરોડા-કલકત્તાની ફેન્સી રાખડી, સુરતની નામાંકિત કંપનીની ડાયમંડની રાખડી-૧ ગ્રામ સોનાની રાખડી, ચાંદીની અવનવી ડીઝાઈનવાળી રાખડી ખરીદનાર વર્ગ પણ છે. શહેરમાં હાલ ૪૫ જેટલા હોલસેલ વેપારીઓ અને ૧૨૦૦ ઉપરાંત રીટેઈલ વેપારીઓ દ્વારા અંદાજે પાંચેક કરોડનું ટર્નઓવર ધરાવતા રાખડીનો ગૃહઉદ્યોગ બારેય માસ સતત ધમધમતો હોય છે. મટીરીયલ્સના ભાવમાં વધારો, મોંઘવારી સહિતના કારણોથી રાખડીના ભાવમાં આ વખતે દોઢ ગણો વધારો નોંધાયેલ છે છતાં પણ બહેનોની ભીડ જોવા મળે છે.