- અમરેલીમાં તાપમાનનો પારો ૧૦.૮ ડીગ્રી છતાં લોકો થરથર ધ્રુજ્યા
- બજારો સુમસામ જનજીવનને માઠી અસર
અમરેલી જિલ્લામાં પાછલા ત્રણ દિવસની બોકાસો બોલાવી રહેલી કાતીલ ઠંડી આજે પ્રમાણમાં થોડી હળવી પડી હતી. આમ છતાં શહેરનું ન્યૂનત્તમ તાપમાન ૧૦.૮ ડીગ્રી સુધી રહ્યુ હોય લોકો થરથર કાંપ્યા હતાં. આજે સતત ત્રીજા દિવસે પણ ટાઢોબોળ પવન ફુંકાતો હોય જનજીવન થીજી ગયું હતું. વહેલી સવારે આકરી ટાઢ અનુભવાઇ હતી. પરંતુ બપોરે થોડી રાહત રહી હતી.
અમરેલી જિલ્લાના લોકો ચાલી રહેલા ઠંડીના મોજાથી થરથર કંપી ઉઠ્યા છે. બે દિવસ સુધી તાપમાન અનુક્રમે ૫.૪ ડીગ્રી અને ૫.૭ ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાનમાં આંશીક વધારો થયો હતો. આજે અમરેલી શહેરનું ન્યૂનત્તમ તાપમાન ૧૦.૮ ડીગ્રી નોંધાયુ હતું. જે ગઇકાલના ૫.૭ ડીગ્રીમાં અચાનક ૫.૧ ડીગ્રીનો વધારો સુચવે છે. બીજી તરફ ઠંડીમાં નજીવો ઘટાડો ભલે થયો આમ છતાં હાડ થીજાવતી ઠંડીનું મોજુ થયાવત હોય શહેરનું જનજીવન ભારે પ્રભાવિત થયુ છે.
અમરેલીમાં આજે વહેલી સવારે ઠંડા પવને લોકોને કંપાવ્યા હતાં. ખાસ્સો દિવસ ચડયા બાદ ઠંડીનું જોર ઘટતા બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળી હતી. અન્યથા સવારના નવ વાગ્યા સુધીમાં તો શહેરની બજારો સુમસામ ભાસતી હતી. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૩૦ ટકા રહ્યુ હતું. બીજી તરફ પવનની ગતી પ્રતિ કલાક સરેરાશ ૭.૮ કી.મી.ની રહી હતી.
પાછલા બે દિવસથી બપોરના સમયે પણ આકરી ટાઢ અનુભવાતી હતી પરંતુ આજે બપોરે ૨૮ ડીગ્રી સુધી તાપમાન ઉંચકાતા અને પવન પણ થોડો હળવો પડયો હોય ઠંડીમાં રાહત રહી હતી.