બિઝનેસમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ત્યારે હાંફળા ફાંફળા બની જવાને બદલે સ્વસ્થતાથી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં મુશ્કેલી સમયે જે નાસીપાસ થઇ જાય કે સ્વસ્થતા ગુમાવે છે તેના ધંધાનો વિકાસ થઇ શકતો નથી. મુશ્કેલીનો બુદ્ધિ અને બહાદુરીપૂર્વક સામનો કરવાવાળા અનેક લોકો ફરીથી શુન્યમાંથી પણ સામ્રાજ્યનું સર્જન કરી શક્યા છે.
સંસારમાં મુશ્કેલીથી ભાગી જનાર પ્રેમીઓને આ વાત લાગુ પડે છે. ઘરેથી ભાગી જવું એટલે બહાદુરી નથી પણ એ નરી કાયરતા છે.
એક યુવતિએ સલાહ પુછી. ‘‘મારા પ્રેમી સાથે લગ્ન કરાવવા ઘરના લોકો રાજી નથી. ખુબ હેન્ડસમ, વિવેકી અને મહેનતુ છોકરો છે. મારે તેની સાથે જ લગ્ન કરવા છે. ઘરના લોકો રાજી થતા નથી એટલે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું છે તો હવે શું કરૂ ?’’
પ્રેમ એટલે શું ? માત્ર મેળવવું તે જ ? ના... લયલા-મજનું, મુમતાઝ-શાહજહાંથી માંડી અનેક દાખલાઓ જોવો. પ્રેમ એ તો મનની માંડેલી ગોઠડી છે. એમાં તનને કાંઇ લેવા દેવા નથી.
મારો મતલબ પ્રેમીઓએ લગ્ન જ ન કરવા તેવો નથી. પણ પ્રેમમાં ઘરેથી ભાગી જવું એ કાયરતા છે અને સાથો સાથ અવિચારી પગલું છે.
સાચો પ્રેમ હંમેશા કસોટીએ ચડે છે. અરે તમારા મા-બાપ, કુટુંબીજનોને તમારો પ્રેમ પસંદ નથી તો એના કારણ તટસ્થ રીતે સમજો. માત્ર દેખાવ કે માત્ર પૈસાથી જિંદગી ગુજારાતી નથી. અને તેમ છતાયે જો પરિવારજનો સમંત ન થાય તો તમે ‘પ્રેમનું યુદ્ધ’ છેડૉ... એક દિવસ સો ટકા તમારા કુટુંબીજનો તમારા પ્રેમ સામે ઝુકશે જ. અરે તમને તમારા પ્રેમમાં, તમારા પોતાનામાં એટલો અણ વિશ્વાસ હોવો જોઇએ કે જે તમારા પરિવારજનોને સમંત કરાવી શકે કે તમારૂ પાત્ર યોગ્ય છે જ.
પણ જો એમ ન થયું તો શું માત્ર ઘરેથી ભાગી જવું એ એકમાત્ર એનો ઉપાય છે ? ના હરગીજ નહીં. સાચા પ્રેમની સાર્થકતા મેળવવામાં નથી. અરે કોઇની સાથે ગુજારેલી એક પળના સહારે આખી જિંદગી જીવી જવાય છે. તમારી હસ્તરેખામાં નિધૉરિત થયેલું સુખ જ તમને મળવાનું છે.
ઘણીવાર સપનાઓ કરતા જિંદગીની વાસ્તવિકતા વધુ કડવી હોય છે. ઘર છોડીને ભાગી જવાથી તમે એક વ્યક્તિને મેળવી શકશો પણ તે વ્યક્તિ અને તમે પોતે પણ ઘણું બધું ગુમાવી દયો છો. સમાજ, પરિવાર અને મિત્રો એ તમારૂ અમૂલ્ય ભાથુ છે. એ સંબંધોને તમારે નજર અંદાજ ન કરવા જોઇએ.
પ્રેમ તો થાય, પણ પ્રેમમાં આંધળા ભીંત થઇ મા-બાપ, ભાઇ-બહેન કે સગા સંબંધીઓની લાગણીને તરછોડાય નહીં. ઘણીવાર બહુ જીદ કરીને મેળવેલી વસ્તુ એ મળી ગયા પછી સંતોષ આપતી નથી.
તમારા હિતેચ્છુઓની નજરથી પણ તમારી જાતને નિહાળો. જિંદગીમાં ક્યારેય પલાયનવૃત્તિ ન દાખવો. પ્રેમ હોય કે પરીક્ષા હોય એમાં તમે શું પરિણામ લાવો છો તે કરતા તમે કેટલી નૈતિકતાથી સંજોગો સામે ઝઝૂમો છો તે મહત્વનું છે.
તમે ભલે કોઇના ગળાડૂબ પ્રેમમાં હો. ‘મેને પ્યાર કિયા’ની જેમ પળે પળે પરીક્ષા આપજો પણ ‘સુમન’ને ઘરેથી ભગાડીને પ્રેમને બદનામ તો નહીં જ કરતા. સાચા પ્રેમીઓ સામે દુનિયા ઝુકે જ છે. હવે તમે નક્કી કરજો તમારો પ્રેમ સાચો છે કે ક્ષણીક...!!
બ્રેક ફાસ્ટ:
એક પતિએ તેની જાડી પત્નીને કહ્યુ, માણસે રબિાય રબિાયને મરવુ જોઇએ કે એકદમ ?
પત્ની : એકદમ
પતિ : તો તારા એકની બદલે બન્ને પગ મારા પર મુકી દે તો મારો છુટકારો થાય.
(પ્રેષક : મયુરી દવે (ભાવનગર)