- અલંગ સહિત શહેરના ૫૧ સ્થળોએ સાયરનો ફીટ કરવાનું કામ શરૂ : સિવિલ ડિફેન્સ કચેરી પણ શરૂ કરાશે
આતંકવાદી હુમલો, યુદ્ધ, અતિવરસાદ, ધરતીકંપ, પૂર સહિતની આપત્તિઓ વખતે શહેર તેમજ અલંગના વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે આગામી દિવસોમાં નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વાયરલેસ સાયરન ગોઠવવામાં આવશે. તેના સ્થળો અંગેની મળેલી માહિતી મુજબ શહેર તેમજ અલંગ સહિતના વિસ્તારોમાં ૫૧ સ્થળોએ ટાવર ઉભા કરવામાં આવશે.
અંતર્ગત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી દિવસોમાં સરકાર દ્વારા મહેકમ નક્કી કર્યા બાદ શહેરમાં સિવિલ ડિફેન્સ ઓફિસ શરૂ કરવામાં આવશે. જેના અનુસંધાને શહેરમાં ૩૭ લોકેશન ઉપર, જી.આઈ.સી.ડી. ખાતે ૧ લોકેશન, રૂવા, અકવાડા, તરસમિયા, અધેવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે અને અલંગના ૯ લોકેશન ઉપર વાયરલેસ રીમોટ સાયરન ગોઠવવાનું નક્કી થયું છે.
ઉપરાંત જી.આઈ.ડી.સી. ખાતે પણ સાયરન લોકેશન ફાળવવામાં આવ્યું છે. આપત્તિ સમયે શહેરમાં તમામ લોકોને સાયરન દ્વારા એલર્ટ કરવામાં આવશે. તેનું કંટ્રોલ સેન્ટર કલેક્ટર કચેરીની આસપાસ ફીટ કરવામાં આવશે. આગામી દિવસોમાં લોકોને સાયરન અંગેની તાલીમ પણ આપવામાં આવશે. સાયરન પ્રમાણે લોકોએ આપત્તિ સમયે વર્તવાનું રહેશે. આ સુવિધા કોઈપણ આપત્તી વેળાએ આશિવૉદરૂપ સાબિત થશે.
નાગરિક સંરક્ષણના હિતમાં આપત્તિના સમયમાં લોકોને જાન-માલનું નુકસાન ન થાય તે માટે અલંગ સહિત શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં વાયરલેસ રિમોટ સાયરનો મુકવા માટે મંજુર કરવામાં આવ્યાં છે અને ટૂંક સમયમાં જ તેની કામગીરીનો પણ પ્રારંભ થશે.
ડી.જી. ઝાલાવાડિયા, જિલ્લા કલેક્ટર