- જુનાગઢ જેલમાં આવેલા પાર્સલ બોંબનું પગેરું મેળવવા તંત્રમાં દોડધામ
જુનાગઢ જેલમાં શુક્રવારની સવારે ૧૧:૩૦ વાગ્યે પોસ્ટમાં આવેલી એક ટપાલે ભારે ખળભળાટ મચાવ્યો હતો. આ ખાખી કવરમાં આવેલી ટપાલ ચાંદનીનાં હત્યારા મોહન હમીરનાં નામે આવી હતી. જેમાંથી કાચનાં ટૂકડા નીકળતા જેલ વોર્ડન અને વોચમેનને ટપાલ શંકાસ્પદ જણાઈ હતી.
જેથી અધિકારીઓને જાણ કરતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ટપાલ પાર્સલ બોંબ હોવાનું ખુલવા પામતા તંત્ર પણ તાજજુબ થઈ ગયું હતું. હાથ બનાવટનાં આ બોંબને નાકામ કર્યા બાદ એફએસએલ ટીમે તેની રચના અંગે જાણકારી મેળવી હતી.
જ્યારે આ પ્રકરણની તપાસ કરતા એસઓજીના પીઆઈ અંકુર પટેલે જણાવ્યું હતું કે, હાલ આ પાર્સલ કોણે મોકલ્યું તે અંગે ટીમ તપાસ કરી રહી છે. પરંતુ ગાંધીનગર એફએસએલમાંથી રિપોર્ટ આવી ગયા બાદ આ તપાસને વધુ વેગ મળશે. પાર્સલ બોંબનું પગેરૂ મેળવવા તંત્રમાં દોડધામ થઈ પડી છે.
કંકોતરીમાં લખેલું નામ પણ બની શકે છે મહત્વની ‘કડી’ -
જેલમાં મોકલાવેલા પાર્સલ બોંબ પર એક કંકોતરી ચીપકાવેલી હતી. જેના પર લખેલુ નામ બોલપેન દ્વારા છેકી નાંખવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ તમામ ચીજવસ્તુઓ એફએસએલને મોકલી આપવામાં આવી છે.