પ્રેમમાં પાગલ ભાઇ-બહેનનું સોમનાથની સાક્ષીએ દર્દનાક પગલું

- યુવાનનું મોત, યુવતીનો જીવ ન નીકળતાં હાથમાં બ્લેડથી કાપા માર્યા
- યુવતીને સારવાર માટે ખસેડાઇ
સોમનાથ ખાતે ટ્રસ્ટનાં ગેસ્ટ હાઉસમાં ઉતરેલા રાજકોટ પંથકનાં પ્રેમી પંખીડાએ સામસામી ગળાચીપ આપી દીધી હતી. જેમાં પ્રેમી યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવતી બચી ગઇ હતી. યુવતીએ પોતાનો જીવ ન નીકળતાં હાથમાં બ્લેડનાં કાપા માર્યા હતા. અને બાદમાં રૂમનો દરવાજો ખોલવાની કોશીષ કરી હતી. આ યુગલ મામા-ફઇનાં ભાઇ બહેન થતું હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, સોમનાથ ખાતે આવેલા ટ્રસ્ટ સંચાલિત લીલાવતી ભવનમાં ગત તા. ૬ ઓગષ્ટે બપોરે દોઢ વાગ્યે એક પ્રેમી યુગલ ઉતર્યું હતું. યુવાને પોતાનું નામ પૃથ્વીરાજ લખમણરાય જાદવ ઉર્ફે પિન્ટુ (ઉ.૨૨, રે. મૂળ ટોકરાળા, તા. લીંબડી, હાલ.રૈયાધાર ઇન્દિરાનગર, સદગુરૂ પ્રો. સ્ટોર્સની પાસે, રાજકોટ) અને યુવતીએ પોતાનું નામ હેમલત્તા દિનેશ ચાવડા (ઉ.૧૮, રે. દસેડા, તા. પડધરી, હાલ રાજકોટ) લખાવ્યું હતું.
તેઓને લીલાવંતી ભવનનો રૂમ નં. સી/૨૨ ફાળવાયો હતો. આજે સવારે ૧૦ વાગ્યાનાં અરસામાં ગેસ્ટ હાઉસનો રૂમબોય બાજુનાં રૂમ નં. સી/૨૩માં ચેક આઉટ કરવા ગયો હતો. ત્યારે રૂમ નં. સી/૨૨ નો દરવાજો ખુલ્લો અને હેમલત્તા દરવાજા પાસે બેભાન હાલતમાં પડી હતી. આથી રૂમબોયે કાઉન્ટર પર જાણ કરી હતી.
બનાવ અંગે ટ્રસ્ટનાં અધિકારી વિજયસિંહ ચાવડા, સિકયોરિટી અધિકારી ઉમેદસિંહને જાણ થતાં તેમણે પણ દોડી આવી બાદમાં પ્રભાસ પાટણ પોલીસને જાણ કરતાં પીઆઇ આર. કે. તેરૈયા, પીએસઆઇ એન. એચ. જાડેજા, હકુમતસિંહ જાડેજા, રાઇટર ગોવિંદભાઇ, ડી સ્ટાફનાં દેવાભાઇ પીઠીયા, નંદલાલ ધ્રાગડ, વિજય આહીર સહિતનાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ કરતાં હેમલત્તા જીવતી હોવાનું માલુમ પડતાં તેને તાકીદે ૧૦૮ મારફત વેરાવળની સીવીલ હોસ્પિટલે ખસેડાઇ હતી. રૂમમાંથી જોકે પૃથ્વીરાજનો મૃતદેહજ મળ્યો હતો.
પોલીસે પ્રાથમિક રીતે નિરીક્ષણ કરતાં યુવતીનાં ચુંદડીનાં બે ભાગ કરી સામસામી ગળેચીપ આપી હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં પૃથ્વીરાજનું મોત નીપજ્યું હતું. જ્યારે હેમલત્તાનો જીવ ન નીકળતાં તેણે હાથમાં બ્લેડનાં કાપા મારી મરવાની કોશીષ કરી હતી. અને બાદમાં દરવાજો ખોલી રૂમની બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરવાજા પાસે જ પડી ગઇ હતી.
પોલીસે રૂમમાંથી મળેલા મોબાઇલ ફોન પરથી બંનેનાં વાલીઓને જાણ કરતાં તેઓ સોમનાથ આવવા રવાના થયા હતા. બનાવને પગલે સોમનાથમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મરનાર પૃથ્વીરાજ સેલ્સમેન તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ દાખલ કરી છે. બનાવની તપાસ પીઆઇ આર. કે. તેરૈયા અને પીએસઆઇ હકુમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
- એસટીની ટીકીટ અને કંકુની ડબ્બી મળી
મરનાર પાસેનાં સામાનમાંથી ધોરાજી-જૂનાગઢની તા. ૬ ઓગષ્ટની એસ.ટી. બસની ટીકીટ અને કંકુની ડબ્બી સહિતનો સામાન મળી આવ્યો હતો.
તસવીરો રવિ ખખ્ખર, વેરાવળ






