ભાવનગર શહેર-જિલ્લામાં ધો.૮ થી ૧૨માં ભણતા દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.૧૩ સપ્ટેમ્બરને સોમવારથી પ્રથમ કસોટી (છ માસિક પરીક્ષા)નો પ્રારંભ થશે અને નવરાત્રિ પહેલાં પરીક્ષા પૂર્ણ થતાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ રંગભેર, મનભરી નવરાત્રિમાં દાંડિયારાસની ધૂમ માણી શકશે.
ભાવનગર શહેર-જિલ્લામાં ૩૮૨ જેટલી હાઈસ્કૂલોમાં ભણતા ધો. ૮ થી ૧૨ના દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રાંત પરીક્ષાનો તા.૧૩ સપ્ટેમ્બરને સોમવારથી આરંભ થઈ
રહ્યો છે. જેમાં પ્રશ્નપત્રો સહિતની કામગીરી પૂર્ણતાના આરે છે આ સાથે ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રથમ કસોટી પણ લેવામાં આવશે.
જે હાઈસ્કૂલો મંડળ સાથે હશે તેમાં મંડળનાં પ્રશ્નપત્રો હશે તો કેટલીક હાઈસ્કૂલોમાં પોતાના અલગ પ્રશ્નપત્રો રહેશે. આવીજ રીતે જે હાઈસ્કૂલોમાં ૧૦૦ માર્કના પ્રશ્નપત્રો હશે ત્યાં ૩ કલાક અને ૫૦ માર્કના પ્રશ્નપત્ર હશે ત્યાં દોઢ કલાકનું પ્રશ્નપત્ર રહેશે. મોટાભાગે રોજના એક લેખે પ્રશ્નપત્ર રહેશે અને ૧૯ સપ્ટેમ્બર પહેલા પરીક્ષા પૂર્ણ થતી હોય નવરાત્રિના પ્રારંભ પૂર્વે માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીનો સંત્રાત પરીક્ષાના ભારમાંથી મુક્ત થઈ જશે.
આ વર્ષે ધો.૧૦માં બોર્ડની પરીક્ષામાં નવી પેપરસ્ટાઇલ છે અને આ જ સ્ટાઇલ મુજબ તા.૧૩ સપ્ટેમ્બરને સોમવારથી શરૂ થતી પ્રથમ કસોટીમાં પરીક્ષામાં પ્રશ્નપત્રો લેવાનુ નક્કી કરાયુ છે.જેમાં ૫૦ માર્કના ટૂંકા પ્રશ્નો એમસીકયુ અને ૫૦ માર્કના વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. ભાવનગર શહેરની કેટલીક શાળાઓમાં આ વર્ષે ધોરણ ૮ અને ૯ની પરીક્ષાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં બોર્ડની ધોરણ ૧૦ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ધોરણ ૮ અને ૯ની સત્રાંત પરીક્ષા લેવામાં આવશે. જેથી આ બન્ને વર્ષના વિદ્યાર્થીઓ ધો.૧૦ની બોર્ડની પરીક્ષાની અત્યારથી જ પ્રેકટીસ મળતી થઇ જશે. આમ, તા.૧૩/૯/૨૦૧૦ને ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.૮ થી ૧૨ની પ્રથમ સત્રની પરીક્ષાનો પ્રારંભ થશે.