શહેરના ૪૮ વિદ્યાર્થીઓને અઢીલાખની રકમ નહીં આપવા રાજ્યના ફરમાનથી ખળભળાટ : શક્તિસિંહને આજે રજુઆત
રાજ્ય સરકાર એકતરફ શિક્ષણ અને બાળકોના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોવાની બાંગો ફૂંકે છે ત્યારે બીજી તરફ વિજ્ઞાન ક્ષેત્રે પારંગત વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારે રૂ.પાંચ-પાંચ હજારના આપેલા ઈન્સ્પાયર એવોર્ડ સાથે બાળકોના હક્ક પર તરાપ મારતા ભાવનગર શહેરના ૪૮ બાળકોને વ્યક્તિગત મળવાપાત્ર રકમ પણ આપતા નથી અને તેનો હેતુ ફેરવી વિજ્ઞાન પ્રદર્શન અને ટ્રાવેલીંગ ખર્ચ કરવાનું રાજ્યના શિક્ષણ વિભાગના ફરમાનથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓ રૂચી કેળવે તે હેતુસર કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ ન્યુ દિલ્હી દ્વારા ઈન્સ્પાયર પ્રોગ્રામ અંતર્ગત સ્કીમ ફોર એટ્રેકશન ટેલેન્ટ ફોર સાયન્સ નામની યોજના મુકવામાં આવી છે. જે મુજબ ૧૦થી૧૫ વર્ષના વયજુથ ધરાવતા બાળકો માટે રૂ.૫ હજારનો એવોર્ડ આપવાની યોજના છે. જે યોજનાનો લાભ ગુજરાત રાજ્યના બાળકોને પણ મળ્યો છે.
રાજ્યભરના બાળકોમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૪૮ શાળાના ધોરણ ૬ અને ૭ના ૪૮ બાળકોને પણ રૂ.૫ હજારનો ઈન્સ્પાયર એવોર્ડ પ્રાપ્તથયો છે. બાળકો પોતાની કાબેલીયતથી ઈન્સ્પાયર એવોર્ડના હક્કદાર થયા છે. અને કેન્દ્રએ પણ બાળકોને જ વ્યક્તિગત રૂ.૫ હજારનો એવોર્ડ આપ્યો છે.
પરંતુ બાળકોને કરમની કઠણાઈ બેઠી હોય તેમ કેન્દ્રએ બાળકોને આપેલા ઈન્સ્પાયર એવોર્ડના પાંચ-પાંચ હજાર પર રાજ્ય સરકારે દાનત બગાડી તે રકમ બાળકોને નહીં આપી આ એવોર્ડના નાણાં પૈકી ૫૦ ટકા નાણાનો ઉપયોગ વિજ્ઞાન પ્રદર્શન અને બાકીની રકમ જિલ્લા કક્ષાના પ્રદર્શન સુધી ટ્રાવેલીંગ ખર્ચ માટે કરવા જીસીઈઆરટી દ્વારા રાજ્યના તમામ શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને લેખિતમાં ફરમાન કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પેચીદો પ્રશ્ન માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજ્યભરની શાળાઓમાં પણ મુશ્કેલી સર્જશે.
કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના પ્રોત્સાહન માટે ચોક્કસ હેતુસર જાહેર કરેલા ઈન્સ્પાયર એવોર્ડને રાજ્ય સરકાર ગેરઉપયોગ કરે છે. જે અંગે વિવાદ થતા તે સંદર્ભે શિક્ષણ સમિતિના વપિક્ષી સદ્દસ્ય કમલેશ ઉલ્વાએ પણ આવી હકીકત જાણમાં આવી છે અને તે માટે આવતીકાલ તા.૧૪ના રોજ વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને રજુઆત કરાશે.
નગર પ્રાથમિકની શાળાના ૪૮ વિદ્યાર્થીઓને રૂ.પાંચ-પાંચ હજારનો ઈન્સ્પાયર એવોર્ડ ચુકવવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં ચેક જમા તો થઈ ગયો પરંતુ જે-તે વિદ્યાર્થીના નામે એવોર્ડ હોવાથી બેન્કમાં પણ શાળાના આચાર્યોને રકમ આપવા ચોખ્ખી ના ભણી દીધી હતી. જેથી પ્રશ્ન પેચીદો બનતા આજે ઈન્ચાર્જ શાસનાધિકારી બી.જે. ઓઝાએ શાળાના આચાર્યોની તાકીદની બેઠક બોલાવી ચર્ચા-વિચારણા કરી એવોર્ડ મેળવવાનું માંડી વાળી આ સંદર્ભે જીસીઈઆરટીને જાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઈન્સ્પાયર એવોર્ડમાં વિવાદ ઉભો થયો છે..
ઈન્સ્પાયર એવોર્ડ માટે અમારે પણ વિવાદ ઉભો થયો છે. એસબીઆઈના મેનેજર સાથે પણ ચર્ચા કરી પરંતુ બાળકો સિવાય રકમ મળી શકે નહીં અને સરકારે આ રકમ શાળામાં જ રાખવાની સૂચના આપી છે જે અંગે જીસીઈઆરટીને જાણ કરી યોગ્ય રસ્તો કાઢવામાં આવશે. બી.જે. ઓઝા, ઈન્ચાર્જ શાસનાધિકારી