ભાવનગર શહેર-જિલ્લામાં આ વર્ષે લેવાયેલી ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ૪૨,૪૫૦ પૈકી ૪૧,૯૮૨ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમાં ૨૩, ૨૧૬ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયેલા અને નાપાસ થયેલા ૧૯,૨૩૪ વિદ્યાર્થીઓને હવે માર્ચ-૨૦૧૧માં નવી પદ્ધતિ મુજબ પરીક્ષા દેવાની રહેશે. આ પરીક્ષામાં એક વિષયના રિપીટર અને અભ્યાસ છોડી દેનારા બાદ કરો તો પણ ૧૨ હજાર જેટલા પરીક્ષાર્થીઓને નવી પદ્ધતિ મુજબ ધો.૧૦ની માર્ચ, ૨૦૧૧માં લેવાનારી પરીક્ષા આપવાની રહેશે.
આગામી માર્ચ-૨૦૧૧થી ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યાં છે. જોકે કોર્સ-પાઠ્યપુસ્તકો બદલાયા નથી એટલે માર્ચ-૨૦૧૦ની પરીક્ષામાં ધો.૧૦માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રિપીટર તરીકેની પરીક્ષામાં ભાવનગર જિલ્લાના બારેક હજાર જેટલા રિપીટરોને નવી પદ્ધતિ મુજબ ‘એ’ અને ‘બી’ ભાગમાં પરીક્ષા આપવાની રહેશે. તેમ ભાવનગરના જિલ્લા શિક્ષણાધિકારી બી.જે. પરમારે જણાવ્યું હતું. આ વર્ષે જિલ્લામાં ૪૧,૯૮૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી તેમાંથી ૬૧.૯૬ ટકા એટલે કે ૨૩,૨૧૬ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
પરંતુ હવે નવી પદ્ધતિમાં માત્ર પાંચ વિષયની પરીક્ષા જ બોર્ડ લેવાનું હોય અને પદ્ધતિ પણ સરળ હોય પરિણામ ૯૦ ટકા જેવું થઈ જશે તેવી ધારણા છે અન્ય જુની પદ્ધતિવાળા વિદ્યાર્થીઓને આ નવી પદ્ધતિમાં લાભ જ થવાનો છે.