- સ્પ્લીટ ફ્લાય ઓવર ધડાકાભેર તુટ્યું
- બીમ ધડાકાભેર તુટી પડતા એક મજુરનું મોત, ચાર ઘાયલ
- બીમ નીચે દટાયેલા મજુરનો મૃતદેહ ત્રણ કલાકે બહાર નીકળ્યો : અફડાતફડીનો માહોલ
પોરબંદરના બાયપાસ રોડ ઉપર R ૬પ કરોડના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું હોય, એ દરમિયાન આજે જી.આઈ.ડી.સી. ચાર રસ્તા નજીક સાંજના સમયે ધડાકાભેર ફ્લાય ઓવરનું બીમ તુટી પડતા એક મજુરનું દટાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર મજુર ઘાયલ થતા તેમને સારવારઅર્થો સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
પોરબંદરના બાયપાસ રોડ ઉપર ટ્રાફિક હળવો કરવા માટે R ૬પ કરોડના ખર્ચે સ્પ્લીટ ફ્લાય ઓવરનું કામ મંજુર કરવામાં આવ્યું છે અને છેલ્લા એક વર્ષથી આ ફ્લાય ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામના પ્રારંભે જ કામ નબળું અને તકેદારી રાખ્યા વિના કરવામાં આવ્યું રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એ જ દરમ્યાન આજે સાંજના પાંચ વાગ્યા આસપાસ ઉદ્યોગ નગર ચાર રસ્તા નજીક આ ફ્લાય ઓવરના બીમ ઉપર બેરિંગ બેસાડી રહ્યા હતા, એ જ દરમિયાન તે અનબેલેન્સ થઈ જતા બીમ ધડાકાભેર તુટી પડ્યું હતું.
આ દુર્ઘટનામાં બીમ ઉપર કામ કરી રહેલા એક મજુરનું બીમ નીચે દટાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીમ નીચે લોખંડ બાંધવાનું કામ કરી રહેલા ચાર મજુરોને ઈજા થતા તાત્કાલીક ૧૦૮ ની મદદથી સારવારઅર્થો સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીમ નીચે દટાયેલા મજુરના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. ચાર-ચાર ક્રેઈનો કામે લગાડી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ મજુરોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર શુક્લા, નગર પાલિકાના સત્તાધિશો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ-રાહત કામગીરીનો પ્રારંભ કરાયો હતો.
આ દુર્ઘટના સર્જાતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. આ ફ્લાય ઓવરનો કોન્ટ્રાકટ ટ્રેકોન કંપનીને આપવામાં આવ્યો હોય અને નેશનલ હાઈવે ઓથોરીટી આનું સુપરવિઝન કરતી હોય, આ કામ નબળું થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તેમ છતાં જવાબદાર તંત્રએ આંખ આડા કાન કરતા આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેને લઈને આમ પ્રજા અને રાજકીય આગેવાનોમાં પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ઈજાગ્રસ્ત મજુરોના નામ -
પીલોર તુટી જવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા મજુરોમાં મહાબીરરામ ગોવર્ધનરામ (ઉ.વ. ર૩, રહે. બિહાર, મુઝફ્ફરપુર), ધર્મેન્દ્રરામ શ્યામરામ (ઉ.વ. ૩ર, રહે. બિહાર, મુઝફ્ફરપુર), નખિીલ જીકરીયસ (ઉ.વ. ૪૦, રહે. ઓરીસ્સા) અને શિવશંકરરામ જગધારીરામ રવિદાસ (ઉ.વ. ૪૦ રહે. બિહાર, મુઝફ્ફરપુર) નો સમાવેશ થાય છે.
લોહીના ફૂવારા છુટ્યા -
સ્પ્લીટ ફ્લાય ઓવરના બીમમાં લોડ બેરિંગ બેસાડી રહ્યા હતા, એ જ દરમ્યાન આ બીમ તુટી પડતા આ બીમ ઉપર તેમજ નીચેના ભાગે કેટલાક મજુર કામ કરી રહ્યા હતા. જેમાં લોખંડના સળીયા હોવાને કારણે મૃતક મજુરના શરીરમાં આ સળીયા ઘૂસી જતા લોહીના ફૂવારા છુટયા હતા અને તે બીમ ઉપર સ્પષ્ટપણે જોવા મળતા હતા.
અગાઉ પણ પીલોર તુટી પડ્યો હતો -
આજે જે જગ્યાએ દુર્ઘટના સર્જાઈ તેનાથી થોડે દૂર જ એક માસ પૂર્વે પીલોરનો ભાગ તુટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ સમયે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી. પરંતુ કોઈ પગલા નહીં લેવાતા આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હજુ પણ ગંભીરતા દાખવવામાં નહીં આવે તો આનાથી પણ મોટી દુર્ઘટના સર્જાશે તેવી ભીતી સેવાઈ રહી છે.
મોડી રાત સુધી બચાવ-રાહત કામગીરી -
સ્પ્લીટ ફ્લાય ઓવરનું અંદાજે પ૦ ટનનું વજન ધરાવતું બીમ તુટી પડતા તેની નીચે દટાયેલા મજુરની લાશને બહાર કાઢવા માટે ત્રણ કલાક જેવો સમય લાગી ગયો હતો. ત્યારબાદ બીમ નીચે અન્ય મજુર દટાયા હોવાની આશંકા હોવાથી મોડી રાત સુધી બચાવ-રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃત્યુનો આંક વધે તેવી પણ આશંકા સેવાઈ રહી છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.