અમરેલી પંથકમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે ત્યારે વડીયા તાલુકાના બાંટવા દેવળી તથા અમરનગર ગામની સીમમાં હિમ પડતા અનેક ખેડુતોનો ઉભો પાક બળી ગયો હતો. ખેડુતોએ જણાવ્યું હતું કે હિમ પડવાની આવી ઘટના ભુતકાળમાં તેમના વિસ્તારમાં બની ન હતી.
હાડ થીજાવતી ઠંડી વચ્ચે હિમ પડવાની આ ઘટના વડીયા પંથકમાં બની હતી. વડીયા તાલુકાના બાટવા દેવળી ગામની સીમમાં કિશારભાઇ ગોબરભાઇ મોવલીયા, પ્રવિણભાઇ ગોબરભાઇ મોવલીયા અમરનગર ગામના ભીખાભાઇ ગાંડુભાઇ વાડોદરીયા, સુરેશભાઇ અશોકભાઇ પદમાણી વિગેરેના ખેતરમાં આજે હિમ પડતા પાક બળી ગયો હતો.
ખેડુતોએ જણાવ્યું હતું કે હિમનો એક પટ્ટો જાણે તેમના ઉભા ખેતરમાંથી ચાલયો ગયો હતો જેને પગલે બાજુ બાજુમાં ખેતર ધરાવતા આ ખેડુતોના પાકમાં એક ઉભા પટ્ટામાં લસણ, કપાસ,મકાઇ, ગાજર,મરચી,ટમેટી વિગેરે પાક બળી ગયો હતો. હિમ પડવાથી આ પાક કાળો પડી ગયો હતો. અને પાંદડા જાણે સુકાઇ ગયા હોય તેમ હાથ અડાડવાથી ભાંગી જતા હતા. જાણકાર ખેડુતો એવુ કહે છે કે હિમના આ પટ્ટામાં માણસ આવી જાય તો તેના માટે જીવ બચાવવો પણ મુશ્કેલ થઇ જાય છે.
હિમના કારણે કપાસ અને ડુંગળીને પ્રમાણમાં થોડી ઓછી અસર થઇ હતી. જયારે સૌથી વધુ નુકશાન મકાઇ,જાર, ગાજર,ટમેટી અને મરચીને થઇ હતી. આવી જ રીતે વડીયા તાલુકાના ચારણીયા ગામની સીમમાં પણ હિમ પડવાથી પાક બળી ગયાનું જાણવા મળેલ છે. આ વિસ્તારમાં ૨પ વિઘાથી વધુ પાકને હિમ પડવાથી નુકશાન થયું હતું.